ઝાહિર ખાન બોલીંગ કોચ તરીકે નિમાયો: ૨૦૧૯ વર્લ્ડકપ સુધીની જવાબદારી સોંપાઈ

ભારતીય ક્રિકેટ ટીમના કોચ કોણ બનશે તે સસ્પેન્સ ગઈકાલે રાત્રે ખુલી ગયું છે. બીસીસીઆઈના કાર્યકારી અધ્યક્ષ સી.કે.ખન્નાએ રવિ શાસ્ત્રીને ટીમ ઈન્ડિયાના સત્તાવાર કોચ જાહેર કર્યા છે. રવિ શાસ્ત્રી પોતાની કોમેન્ટ્રીમાં ટ્રેસર લાઈક એ બુલેટ વાકય બોલવાના કારણે પ્રચલીત છે. અનેક કોમેન્ટરોએ તેમના આ વાકયની નકલ પણ કરી છે. તેમણે આ વાકયની અમલવારી કોચ પદ મેળવવા કરી છે.

ભારતીય ક્રિકેટ ટીમના કોચ માટે રવિ શાસ્ત્રી સામે વિરેન્દ્ર સહેવાગ ટોમ મુડી, રીચાર્ડ પાયબસ અને લાલચંદ રાજપૂત સહિતના ધુરંધરો હરીફ હતા પરંતુ રવિ શાસ્ત્રીએ ટ્રેસર લાઈક એ બુલેટની માફક મેદાન માર્યું છે. તેમની સાથે પૂર્વ ઝડપી બોલર ઝાહિર ખાનને ટીમ ઈન્ડિયાનો બોલીંગ કોચ બનાવાયો છે. હવે આ બન્ને ખ્યાતનામ ક્રિકેટ ખેલાડીઓ ૨૦૧૯ના વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાને વિજેતા બનાવવાની જવાબદારી નિભાવશે.

રવિ શાસ્ત્રીની વિરાટ કોહલી સાથે સારી કેમીસ્ટ્રી હોવાથી તેઓ ટીમ ઈન્ડિયાને અને ટીમ ઈન્ડિયા તેમને અનુકુળ રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. કોહલી રવિ શાસ્ત્રીની દેખરેખમાં જ ઉભરી આવેલો ખેલાડી છે. રવિ શાસ્ત્રીને ટીમ મેનેજમેન્ટનો લાંબો અનુભવ છે. તેઓ ટીમના ડિરેકટર હતા તેમજ ૨૦૦૭માં ટીમ ઈન્ડિયા સાથે બાંગ્લાદેશના પ્રવાસે પણ ગયા હતા. તેઓ ક્રિકેટની ભિન્ન-ભિન્ન ટેકનીકના જાણકાર પણ છે. તેઓ ભારતીય અને વિદેશી ક્રિકેટમાં ખાસી નામના ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.