પીઓકેમાં નિલમ ઘાટી અને લીપા ઘાટી વિસ્તારમાં ભારતીય સૈન્યની મોટી કાર્યવાહી: અનેક આતંકીઓના પણ મોત થયાની આશંકા
પાકિસ્તાન તરફથી સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન થતાં આજે ભારતીય સૈન્યએ પીઓકેમાં ઘુસીને મોટી કાર્યવાહી કરી મુહતોડ જવાબ આપ્યો હોવાના અહેવાલો મળી રહ્યાં છે. ભારતીય સેનાના જવાનોએ પીઓકેના નિલમઘાટી અને લીપા ઘાટી વિસ્તારમાં જઈને જૈશનું લોન્ચીંગ પેડ ઉડાવી દીધું છે. જેના કારણે અનેક આતંકીઓના મોત નિપજયાના આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. ઉપરાંત આ હુમલામાં પાક.ના ચાર જવાન પણ ઠાર મરાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યાં છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ પાકિસ્તાન તરફી છેલ્લા ઘણા સમયથી સીઝ ફાયરનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. આ અંગે ભારતીય સુરક્ષા એજન્સીઓએ અનેક વખત ચેતવણી પણ આપી હતી તેમ છતાં પાકિસ્તાનની અવળચંડાઈ યાવત રહેતા આજે ભારતીય સેનાએ પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ભારતીય સેનાના જવાનોએ પીઓકે વિસ્તારમાં જઈને ત્યાં નિલમઘાટી અને લીપાઘાટી એરીયામાં જૈશનું લોન્ચીંગ પેડ એમ-૪ને તબાહ કરી નાખ્યું છે. ભારતીય સેનાના આ હુમલામાં પાકિસ્તાન આર્મીના ચાર જવાન પણ ઠાર મરાયા છે. ઉપરાંત જૈશનું લોન્ચીંગ પેડ તબાહ તાં અનેક આતંકીઓના પણ મોત નિપજયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર નિલમઘાટીની ૩ ફોરવર્ડ પોસ્ટને ભારતીય સેનાએ ધ્વસ્ત કરી નાખી છે. આ પોસ્ટની મદદથી પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓને ભારતમાં મોકલવામાં આવતા હતા. અંતે આજે ભારતીય સેનાએ મુહતોડ જવાબ આપીને પીઓકેમાં આવેલા જૈશના ઠેકાણાને તબાહ કરી નાખ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામા આવતું હતું. ગત શનિવારના રોજ કાશ્મીરના ઉરી સેકટરમાં સીઝ ફાયરના ઉલ્લંઘની ભારતીય સેનાના જવાન સંતોષ ગોપ શહિદ થયા હતા.