ગઇકાલે પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના: સૈન્યને છુટો દોર આપવામાં આવે તો આતંકવાદીઓ, તેને આશરો આપનારા દેશદ્રોહીઓ અને પાકિસ્તાનને આકરો સબક શિખવવા માટે જવાનો સક્ષમ
કાશ્મીરમાં ફરજ પર જઇ રહેલા સીઆરપીએફની ત્રણ બટાલીયનોના જવાનોના કાફલા પર પુલવામા પાસે ગઇકાલે આત્મઘાતી આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં ૪૪ જવાનો શહીદ અને સેંકડો જવાનો ઘાયલ થતા દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે લશ્કરમાં ફરજ બજાવતા ઓફિસરો અને સૈનિકોમાં પાકિસ્તાન પ્રેરિત આતંકીઓના આવા હુમલાને સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. દેશ માટે મરી ફીટવાની તૈયારી સાથે સૈન્યમાં જોડાયેલા જવાનો આવા હુમલાને કાયરતાપૂર્ણ કૃત્ય માનીને હવે વળતો આકરો પ્રહાર કરવા માટે તૈયાર હોવાનો જુસ્સો વ્યક્ત કયો હતો.
રાજકોટ એનસીસી હેડકવાર્ટરમાં કર્નલ તરીકે ફરજ બજાવતા મનીષ નાટુએ અબતક સાથેની ખાસ વાતચીતમાં આ આતંકીઓના આ હુમલાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવીને શહીદ જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. કાશ્મીર જેવા કાયમના સંવેદનશીલ વિસ્તારમાં સીઆરપીએફની કંપની દ્વારા ડ્યુટી પર જઇ રહેલા જવાનોને લઇ જતી વખતે રાખવી પડતી સાવચેતીમાં ક્યાંક થોડીક કચાશ રહી ગઇ હતી જેના કારણે આ આત્મઘાતી આતંકી ફાવી ગયા અને આટલી મોટી સંખ્યામાં જવાનો શહીદ થયા. પરંતુ ભારતીય સૈન્ય દરેક એકશનનું રિએકશન આપે છે. આ બર્બરતાપૂર્વક કૃત્યનો પણ વળતો જવાબ આપશે તેમ જણાવ્યું હતું.
ગઇકાલના હુમલા પાછળ આતંકવાદી સંગઠન જૈશ-એ-મહમદનો હાથ હોવા અંગે આવેલા અહેવાલો અંગે કર્નલે જણાવ્યું હતું કે, ભારત યુનોમાં જૈશ-એ-મહમદ અને જેના આકા મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરીને જેના પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી રહ્યું છે પરંતુ પાકિસ્તાન અને ચીન તેનો વિરોધ કરી રહ્યું છે. જેની આ હુમલા પાછળ રહેલા મસુર અઝહરને પાકિસ્તાનનું સમર્થન છે તેમ કહી શકાય.
આવો હુમલો કાશ્મીરના સ્થાનિક લોકોની મદદ વગર શક્ય નથી. પરંતુ, અત્યાર સુધી કાશ્મીરમાં ફરજ બજાવતા સૈનિકોના હાથ સરકારોએ કાયદાથી બાંધી દીધા છે. કાશ્મીરમાં સૈનિકો પર પથ્થરમારો કરતા લોકોનો વળતો જવાબ આપવામાં આવે તો કહેવાતા માનવતાવાદી સંગઠનો વિરોધનો ઝંડો લઇને નીકળીને સૈનિકો પર કેસ કરાવે છે તે સૈનિકોના મનોબળને નબળુ પાડે છે.
ગઇકાલ બપોર પછી બનેલી ઘટનામાં મોટાભાગના રાજકીય પક્ષોના નેતાઓને આજે પ્રતિભાવો આપ્યા તેને પણ કર્નલે વખોડી કાઢીને સૈનિકોની શહીદી પર પણ રાજકીય નેતાઓ મીડિયા સલાહકારોની સલાહ બાદ રાજકારણ રમી રહ્યાનું દુ:ખ વ્યક્ત કર્યુ હતું. પાકિસ્તાન પ્રેરિત આવા કૃત્યોનો જવાબ આપવા ભારતીય સૈન્ય હંમેશા તૈયાર છે અને જવાબ આપવો જ જોઇએ પરંતુ યોગ્ય સમયની પસંદગી કરીને આ મુદ્દે લડાઇ છેડાઇ તો અમે સરહદ પાર જઇને લડવા તત્પર છીએ. સરકાર આદેશ કરે તેટલી જ વાર છે. યુધ્ધ માટે સૈન્ય હંમેશા તૈયાર જ હોય છે. સૈન્યના જવાનો માટે હંમેશા યુધ્ધની સ્થિતિ હોય છે અને અમો ગમે ત્યારે લડાઇ માટે તૈયાર છીએ.
આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સૈન્યને છુટ્ટો દોર આપવા અંગે કર્નલે જણાવ્યું હતું કે દેશને પહેલા એવા વડાપ્રધાન મળ્યા છે કે જેઓએ સૈન્યને છુટ્ટો દોર આપવાની વાત કરી છે. કાશ્મીરમાં સૈન્યને છુટો દોર આપવામાં આવે તો દરેક આતંકવાદીઓને પકડી પકડીને યોગ્ય સબક શીખવવા માટે તથા આવા આતંકવાદીઓને આશ્રય આપનારા દેશદ્રોહી સ્થાનિક તત્વોને તેમના ઘરમાં ઘુસીને મારવા માટે સૈન્ય તૈયાર છે. સૈન્યને છુટો દોર આપવામાંઆવે તો જ દેશવિરોધી પ્રવૃત્તિઓ કરનારા તત્વોમાં ડરની લાગણી આવે અને તો જ દેશમાં શાંતિ સ્થપાઇ શકે. હાલમાં સૈન્ય પાસે તમામ આધુનિક શસ્ત્રો ઉપલબ્ધ છે. જેથી સૈન્ય ગમે તે સ્થિતિમાં પાકિસ્તાન અને તેના પ્યાદા આતંકવાદીઓને આકરો જવાબ આપવા તૈયાર છે.