૩૦૦ જેટલા આતંકીઓ કાશ્મીર થકી દેશમાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં: ડીજીપી દિલબાગસિંગ
સુરક્ષા દળો વચ્ચે શ્રીનગરમાં ચાલેલા ૨ કલાકનાં એન્કાઉન્ટરમાં હિઝબુલ મુઝાહિદીનનો કમાન્ડર તથા વુરીયત વડાનાં પુત્ર સહિત બે આતંકીઓનાં મોત નિપજયા છે. કાશ્મીરમાં રાતનાં ૨ વાગ્યાથી સુરક્ષા દળોનું આતંકીઓ સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું જેમાં ૧૨ કલાકમાં ૨ આતંકીઓને મારવામાં સેનાને સફળતા મળી હતી જેમાંથી એક અલગાવવાદી સંગઠન વુરીયતનાં પ્રમુખ મોહમદ અશરફ સહરાઈનો દિકરો જુનેદનો પણ સમાવેશ છે ત્યારે સુત્રોનાં જણાવ્યા મુજબ શ્રીનગરનાં ડાઉનટાઉનમાં હિઝબુલ મુઝાહિદીનનાં આતંકીઓ છુપાયેલા હોવાની બાતમી મળી હતી જેમાં પોલીસે ટેકનિકલ ઈન્ટેલીજન્સ દ્વારા તેની હાજરી અંગે પુરતી માહિતી કરી કાઉન્ટર એટેક ચાલુ કર્યો હતો.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ માર્ચ-૨૦૧૮માં આતંકી જુનેદનાં પિતા મોહમદ અશરફે વુરીયત પ્રમુખ સૈયદ અલી ગીલાની જગ્યા લીધી હતી ત્યારબાદ જ જુનેદ હિઝબુલ મુઝાહિદીનમાં સામેલ થયો હતો. રાતનાં બે વાગ્યે પોલીસે ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું જેમાં એક કલાક બાદ સંતાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંકયા હતા અને અથડામણ સર્જાય હતી જેમાં બે પોલીસકર્મી અને એક સીઆરપીએફનો જવાન ઘાયલ થયો હતો. હાલત પર કાબુ મેળવવા માટે બીએસએનએલ સિવાય કોઈપણ ફોન કે અન્ય ઈન્ટરનેટ સેવા ચાલુ નહીં રખાય તે તમામને બંધ કરી દેવામાં આવી છે. હાલ બે સપ્તાહ પહેલા ૬ મેનાં રોજ સુરક્ષા દળોએ પુલવામામાં હિઝબુલનાં કાશ્મીર કમાન્ડર રીયાઝ નાયકુને ઠાર માર્યો હતો. એવી જ રીતે જમ્મુ-કાશ્મીરનાં ડીજીપી દિલબાગસિંગનાં જણાવ્યા મુજબ એલઓસી પાર ૩૦૦ જેટલા આતંકીઓ કાશ્મીર મારફતે દેશમાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં હોય તેવા ઈન્ટેલીજન્સ ઈનપુટ મળી રહ્યા છે પરંતુ સૈન્ય અને સ્થાનિક પોલીસની ચાંપતી નજર વચ્ચે આ તમામ આતંકીઓ ઉપર માર્કર મુકી દેવામાં આવ્યા છે અને તેમની ગતિવિધિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં સુલેહ શાંતી જળવાય રહે તે હેતુસર હાલ અનેકવિધ ગતિવિધિઓ હાથ ધરવામાં આવી છે. સાથો સાથ સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.