ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ઈરફાન અહેમદ સહિતનાં આગેવાનો દ્વારા ચીનનાં માલનો વિરોધ
દેશમાં ચાઈનીઝ માલનાં ઉપયોગ સામે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. કેટલાક રાજયોમાં તો ખુદ સરકારે ચાઈનીઝ કંપનીઓ સાથેનાં કરારો રદ કરી નાખ્યા છે ત્યારે દિલ્હીમાં ભુલભુલયા બસ સ્ટેન્ડ નજીક ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ઈરફાન અહેમદની આગેવાનીમાં ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર અને ચીની સામાનને નષ્ટ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મુસ્લિમ સમાજનાં ધર્મગુરુઓ પણ હાજર રહ્યા હતા.
ઈરફાન અહેમદે જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૫૦માં જવાહરલાલ નહેરૂની નીતિઓનાં પરિણામે આખો દેશ દુ:ખ ભોગવી રહ્યો છે. એવા ઘણા મુદાઓ છે જેને નહેરૂ અને કોંગ્રેસ દ્વારા અનુસરવામાં આવ્યા હતા પરંતુ ૨૦૧૪માં મોદી સરકાર આવી ત્યારે દેશને ખોખલો કરતા કોંગ્રેસનાં મુદાઓનો ખાતમો બોલાવાયો હતો. મોદી સરકારની બીજી ટર્મમાં કલમ-૩૭૦, એક વિધાન અને સંવિધાન, રામ મંદિર, ત્રિપલ તલાક સહિતનાં અસરકારક મુદાઓને ધ્યાને રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત નાગરીકત્વ કાયદા મુદ્દે પણ મોદી સરકારનું વલણ સ્પષ્ટ રહ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ દ્વારા લદાખમાં થયેલી અથડામણ મુદ્દે ભારતીય સેના સામે સવાલ ઉભા કરાયા છે પરંતુ કોંગ્રેસને એ વાતનો ખ્યાલ નથી કે, મોદી સરકાર અને ભારતીય સેના માત્ર ચીન જ નહીં પરંતુ પાડોશનાં કોઈપણ દેશને જવાબ આપવા માટે સક્ષમ છે. આપણા દેશની સેનાએ ચીનનાં ૪૦ થી ૫૦ જવાનોને ઠાર કર્યા હતા છતાં પણ કોંગ્રેસ દ્વારા સેના અને સરકારની નિયત ઉપર શંકા કરવામાં આવી રહી છે. વિપક્ષનાં આગેવાનોએ એક સાથે મળી ભારત સરકારનો સાથ આપવો જોઈએ.
ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ઈરફાન અહેમદની આગેવાનીમાં ચીની વસ્તુઓના બહિષ્કાર અને વિરોધ પ્રદર્શન સહિતનાકાર્યક્રમો યોજાયા હતા. આ તકે મુસ્લીમ સમાજના મોહમ્મદ સગિર, ડો. ઈકબાલ ગૌરી, મૌલાના નિયાયત અશફરી, મૌલાના ઈન્તેઝાર કાસ્મી તેમજ સરદાર મનમોહન મલ્હોત્રા સહિતના હાજર રહ્યા હતા.
આ તકે ઈરફાન એહમદે વધુમાં જણાવ્યું હતુ કે, અમને સેના ઉપર ગર્વ છે. આપણી સેનાએ ચીનના ૪૦ થી ૪૫ જવાનો ઠાર કર્યા હતા. દેશના હિતમાં સેનાને પુરી છૂટછાટ આપી છે. બિહાર રેજીમેન્ટ દ્વારા કરાયેલી કાર્યવાહીથી આપણા ૧૦૦ સૈનિકો ચીનના ૪૦૦ સૈનિકો ઉપર ભારે પડે તેવી તાકાત સામે આવી છે. મોદી સરકાર કડક નિર્ણયો લેનારી સરકાર છે.
આપણા પાડોશી દેશ પાકિસ્તાન હોય કે, ચીન હોય દરેકને ભારતીય સેના જડબાતોડ જવાબ આપી શકે છે. જે દેશ ભારતને છંછેડશે, સરકારને છંછેડશે તેને સેના છોડશે નહી.