- આંદામાન નિકોબારના દરિયામાંથી ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે ડ્રગ્સની સૌથી મોટી ખેપ ઝડપી
- એક માછીમારીની બોટમાંથી પાંચ ટન ડ્રગ્સનો મોટો જથ્થો કરાયો જપ્ત , કરોડોમાં કિંમત
- આંદામાનના દરિયામાં એક માછીમારી બોટમાંથી લગભગ 5 ટન ડ્રગ્સનો મોટો જથ્થો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ઝડપી પાડ્યો છે
ભારતીય કોસ્ટ ગાર્ડે મોટી સફળતા હાંસલ કરી છે. તેમજ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે કોસ્ટ ગાર્ડે આંદામાનના પાણીમાં એક માછીમારી બોટમાંથી લગભગ 5 ટન ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગસ કન્સાઈનમેન્ટ હોવાની શક્યતા છે.
બાતમીના આધારે દિલ્હી NCBની ટીમે નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન મોડી રાતે હાથ ધર્યું હતું, તેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ગુજરાત ATSની ટીમ અને ગુજરાત NCBના કેટલાક અધિકારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત ડ્રગ્સના પ્રકાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વિશે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. તેમજ આ કેસમાં પૂછપરછ અને ધરપકડ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ ઉપરાંત સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે મામલાની તપાસ બાદ જ માહિતી આપવામાં આવશે.
વધુમાં મહત્વનું છે કે હજુ 10 દિવસ પહેલા જ 15 નવેમ્બરે ગુજરાતના પોરબંદર દરિયાકાંઠેથી 500 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું, તેની કિંમત 700 કરોડ રૂપિયાથી વધારે હતી. આ ઉપરાંત આ ડ્રગ્સ દિલ્હી NCB, ગુજરાત NCB, કોસ્ટ ગાર્ડ, અને નેવીની મદદથી ઝડપાયું હતું.
ટ્રોલરને ચેતવણી આપવામાં આવી અને તેની સ્પીડ ઓછી કરવા માટે કહેવામાં આવ્યું. આ ઉપરાંત પાયલોટે આંદામાન અને નિકોબાર કમાન્ડને એલર્ટ કર્યું. અને તરત જ, ઝડપી પેટ્રોલિંગ જહાજો બેરેન આઇલેન્ડ તરફ ધસી આવ્યા હતા અને 24 નવેમ્બરના રોજ ફિશિંગ ટ્રોલરને પોર્ટ બ્લેર તરફ ખેંચી ગયા હતા.