- ભારતે ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે એક ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
- સિનિયર અને જુનિયર કેટેગરીમાં આ પેરિસ ઓલિમ્પિક ક્વોલિફાઈંગ ચેમ્પિયનશિપમાં 18 દેશો ભાગ લઈ રહ્યા છે.
Sports News: એશિયન સાયકલિંગ ચેમ્પિયનશિપમાં પહેલા જ દિવસે મહિલા ખેલાડીઓએ ભારતને એક મજબુત જીત અપાવી હતી. જુનિયર કેટેગરીમાં, સરિતા કુમારી, નિયા સેબેસ્ટિયન, ઝૈના મોહમ્મદ અલી પીરખાન અને સબીનાએ બુધવારે IG સ્ટેડિયમ વેલોડ્રોમ ખાતે સ્પ્રિન્ટ ઈવેન્ટમાં કોરિયાને હરાવીને ચેમ્પિયનશિપમાં દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતે ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે એક ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે પેરા ટીમ સ્પ્રિન્ટ ઈવેન્ટમાં એક સિલ્વર, મેન્સ જુનિયર ટીમ સ્પ્રિન્ટ ઈવેન્ટમાં બીજો સિલ્વર જ્યારે ગર્લ્સ જુનિયર ટીમ પર્સ્યુટ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
છેલ્લી રેસમાં કોચે રાઇડર બદલ્યો
રમતની વ્યૂહરચનાના ભાગરૂપે, ત્રીજી અને અંતિમ રેસમાં સબીનાની જગ્યાએ ઝૈનાને મેદાનમાં ઉતારી હતી જેનું ફળ મળ્યું. તેના કારણે ભારતે રેસ પૂરી કરવામાં 53.383 સેકન્ડનો સમય લીધો હતો, જે કોરિયન રાઇડર્સ કરતાં સારો હતો. પ્રથમ બે રેસમાં સરિતા, નિયા અને સબીનાને મેદાનમાં ઉતાર્યા હતા. ત્રીજી રેસમાં કોરિયા રાઇડરની ખોટી શરૂઆતનો ફાયદો પણ ભારતીય ટીમને મળ્યો.
18 દેશો ભાગ લઈ રહ્યા છે
સિનિયર અને જુનિયર કેટેગરીમાં આ પેરિસ ઓલિમ્પિક ક્વોલિફાઈંગ ચેમ્પિયનશિપમાં 18 દેશો ભાગ લઈ રહ્યા છે. પેરા ટીમ સ્પ્રિન્ટમાં અરશદ શેખ, જલાલુદ્દીન અંસારી અને બસવરાજની ટીમને ફાઇનલમાં મલેશિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જુનિયર કેટેગરીની પુરુષોની ટીમ સ્પ્રિન્ટમાં નારાયણ મહતો, સૈયદ ખાલિદ બાગી, એમ વાતાબા મીટીની ત્રિપુટીએ રેસ પૂરી કરવામાં 47.93 સેકન્ડનો સમય લીધો હતો, પણ કોરિયન ટીમે વધુ સારો સમય મેળવીને ગોલ્ડ જીત્યો હતો. જુનિયર પર્સ્યુટમાં હર્ષિતા જાખડ, સુહાની કુમારી, જેપી ધન્યાધા, ભૂમિકાએ તાઈવાનને હરાવીને બ્રોન્ઝ જીત્યો હતો. અને કોરિયાએ ગોલ્ડ અને કઝાકિસ્તાને સિલ્વર જીત્યો હતો.