ભારતે આજે અહીંના પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકાને ત્રીજી અને સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે એક દાવ અને 171 રનથી હરાવીને સિરીઝ 3-0થી જીતી લીધી છે.
શ્રીલંકાની ટીમ પહેલા દાવમાં ભારત કરતાં 352 રન પાછળ રહી ગઈ હતી. ફોલોઓન થયા બાદ બીજા દાવમાં ગૃહ ટીમ માત્ર 181 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતે પહેલા દાવમાં 487 રન કર્યા હતા અને શ્રીલંકાને બીજા દાવમાં 135 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
શ્રીલંકાએ 1 વિકેટે 19 રન સાથે તેનો ગઈ કાલનો અધૂરો બીજો દાવ આજે આગળ વધાર્યો હતો.
ભારતના બોલરોના તરખાટ સામે તેઓ બીજા દાવમાં પણ જમીનદોસ્ત થઈ ગયા હતા. તેઓ માત્ર 74.3 ઓવર જ રમી શક્યા હતા.
બીજા દાવમાં ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ – 4 વિકેટ લીધી હતી તો ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 3, અન્ય ફાસ્ટ બોલર ઉમેશ યાદવે બે અને ચાઈનામેન બોલર કુલદીપ યાદવે એક વિકેટ લીધી હતી.
પહેલા દાવની માફક બીજા દાવમાં પણ શ્રીલંકાનો એકેય બેટ્સમેન 50ના આંકે પહોંચી શક્યો નહોતો. વિકેટકીપર નિરોશન ડીકવેલા 41 રન સાથે ટોપ સ્કોરર હતો. કેપ્ટન ચાંદીમલે 36, એન્જેલો મેથ્યૂસે 35 રન કર્યા હતા. અન્ય એકેય બેટ્સમેનનો દેખાવ ઉલ્લેખ કરવાને પાત્ર નથી.