ચહલની મેડન ઓવરે વિન્ડિઝના બેટ્સમેનો પર દબાણ ઉભું કર્યું
ટીમ ઈન્ડિયાએ ભલે પહેલી વન-ડે ત્રણ રનથી જીતી લીધી હોય, પરંતુ એક સમય તેવો પણ આવ્યો હતો જ્યારે, જીત વેસ્ટઈન્ડિઝ તરફ જતી દેખાઈ રહી હતી, છેલ્લી ઓવરમાં દર્શકોને ક્યાંક સુપર ઓવર તો નહીં રમાઈ ને તેમ લાગી રહ્યું હતું, પરંતુ ચહલની મેડન ઓવરે વિન્ડિઝના બેટ્સમેનો પર પ્રેશર કર્યું અને ત્યારબાદ સિરાજના એક સટીક યોર્કરે ભારતને જીત અપાવી દીધી. શરૂઆતમાં એક સમયે વેસ્ટઈન્ડિઝની ટીમ વિખેરાઈ રહી હોય તેમ લાગી રહ્યું હતું, તેમાં મેયર્સ અને બાદમાં કિંગની ઈનિંગ્સે પ્રાણ ફૂંક્યા હતા. છેલ્લે મારિયો શેફર્ડ લગભગ ભારતના મુખમાંથી જીત છિનવીને જ લઈ ગયો હતો, પરંતુ છેલ્લા બોલમાં તે શોટ મારી શક્યો નહીં અને ભારત બાજી મારી ગયું.
શિખર ધવન મેન ઓફ ધ મેચ જાહેર કરાયો
મહોમ્મદ સિરાજે છેલ્લી ઓવરમાં પહેલો બોલ સ્ટમ્પ પર વાઈડ યોર્કર ફેંક્યો હતો, જેના પર હુસૈન કોઈ રન બનાવી શક્યો નહોતો. ત્યારપછીનો બોલ ક્રિકેટરના પેડ પર અથડાઈને એક રન માટે પોઈન્ટ તરફ જતો રહ્યો હતો. સિરાઝે ત્રીજા બોલમાં પણ ખતરનાક યોર્કર માર્યો, પરંતુ તેમાં ચોગ્ગો ફટકાર્યો હતો. પરંતુ ચોથા બોલમાં તેણે લેગ સ્ટમ્પની બહાર યોર્કર ફેંક્યો, જેને ડાઈવ લગાવીને સેમસને ન રોક્યો હોત તો ફરીથી ચાર રન વેસ્ટઈન્ડિઝને મળ્યા હોત. છેલ્લા બે બોલમાં જીત માટે 7 રનની જરૂર હતી. સિરાજે પાંચમા બોલમાં પણ લગભગ ચોથા સ્ટમ્પ પર યોર્કર માર્યો હતો. મોટો શોટ મારવાની તૈયારીમાં રહેલો શેફર્ડ માત્ર બે રન દોડી શક્યો હતો. જો છેલ્લા બોલમાં પણ ચોગ્ગો માર્યો હોત તો મેચ સુપર ઓવરમાં જતી રહેત, પરંતુ અંતિમ બોલમાં પણ પગ પર યોર્કર હતો, જેનું કનેક્શન શેફર્ડના બેટ સાથે થયું નહીં. માત્ર એક રન મળ્યો અને ભારત સિરાજના કારણે 3 રનથી જીતી ગયું. મહોમ્મદ સિરાજે 10 ઓવરમાં 57 રન બનાવીને બે વિકેટ લીધી હતી.
છેલ્લી ઓવરમાં સિરાઝના સટીક યોર્કરે કામ કરી બતાવ્યું
શાર્દુલ ઠાકુર અને ચહલના ખાતામાં પણ બે-બે વિકેટ નોંધાઈ હતી. વેસ્ટઈન્ડિઝ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેને પણ સારું પર્ફોર્મન્સ આપ્યું હતું. શિખર ધવનની સાથે શુભમન ગિલ ઓપનિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો. તેણે 53 બોલમાં 6 ચોગ્ગા અને 1 સિક્સરની મદદથી 64 રન બનાવ્યા હતા. તો ટીમના કેપ્ટન શિખર ધવને 97 રન કર્યા હતા.