ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સેમી ફાયનલમાં ભારતનો ૯૬ રને શાનદાર વિજય: કેપ્ટન-વાઇસ કેપ્ટનની નિર્ણાયક ઇનિંગ
અબતક, નવી દિલ્લી
ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા અંડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. એન્ટિગુઆના કુલીઝ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૯૬ રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ૫0 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૨૯0 રન બનાવ્યા હતા.
કેપ્ટન અને વાઇસ કેપ્ટનની નિર્ણાયક ઈનિંગ્સ
ભારત માટે સુકાની યશ ધુલે કેપ્ટનશીપની ઇનિંગ રમતા ૧૧0 રન બનાવ્યા હતા. વાઇસ કેપ્ટન શેખ રાશિદે ૯૪ રનની ઇનિંગ રમી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૪૧.૫ ઓવરમાં ૧૯૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે લચલન શોએ ૫૧ રનની ઇનિંગ રમી હતી. યશને તેની સેન્ચ્યુરી ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ફાઇનલમાં ભારતનો સામનો ૧૯૯૮ની ચેમ્પિયન ઇંગ્લેન્ડ સામે થશે. આ મેચ ૫ ફેબ્રુઆરીએ સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે.
બડે મિયા તો બડે મિયા, છોટે મિયા શુભાનલ્લા !!
આ જીત સાથે ચાર વખતની ચેમ્પિયન ભારતીય ટીમ સતત ચોથી વખત અને રેકોર્ડ આઠમી વખત ફાઇનલમાં પહોંચી છે. અંડર-૧૯ વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત ફાઇનલમાં પહોંચવાનો રેકોર્ડ ભારતના નામે છે. ટીમ ઈન્ડિયા ૨000, ૨00૬, ૨00૮, ૨0૧૨, ૨0૧૬, ૨0૧૮, ૨0૨0 અને આ વર્ષે ફાઇનલમાં પહોંચી છે. ભારતે ૨000, ૨00૮, ૨0૧૨ અને ૨0૧૮માં વર્લ્ડ કપ જીત્યો હતો. તો સામે ૨00૬, ૨0૧૬ અને ૨0૨0માં ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
અંડર-૧૯ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. બંને ટીમો વચ્ચે કુલ આઠ મેચ રમાઈ છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ છ અને ઓસ્ટ્રેલિયાએ બે મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા સામેની આ ટૂર્નામેન્ટમાં ભારત છેલ્લા ૨૪ વર્ષમાં એક પણ મેચ હાર્યું નથી. છેલ્લી વખત ઓસ્ટ્રેલિયન ટીમ ભારત સામે ૧૯૯૮ માં જીતી હતી.