ચાલુ વર્ષના અંતમાં ઓડીશાના ભુવનેશ્વરમાં રમાનારા મેન્સ હોકી વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ ભાગ લેવા ભારત આવશે. આ સાથે ભારતમાં રમાનારા હોકી વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભાગ નહિ લે તેવી અટકળો સમાપ્ત થઈ ગઈ છે. બંને દેશો વચ્ચે રાજકીય વાતાવરણ તનાવભર્યું હોવાથી પાકિસ્તાન ભારત આવવાનું ટાળશે તેમ મનાતું હતુ.
૨૦૧૦માં ભારતમાં રમાયેલા મેન્સ હોકી વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભાગ લીધો હતો. અગાઉ ભારતમાં રમાયેલા જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમને રમવાની તક મળી નહતી. જોકે સિનિયર મેન્સ હોકી વર્લ્ડ કપમાં તેઓ ભાગ લેવાની તૈયારી કરી રહ્યા છે.વર્ષ ૨૦૧૪માં નેધરલેન્ડના હેગ શહેરમાં યોજાયેલા મેન્સ હોકી વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્વોલિફાય પણ થઈ શક્યું ન હતુ.
ભારત હોકી વર્લ્ડ કપમાં એક માત્ર વખત ૧૯૭૫માં ચેમ્પિયન બની શક્યું છે. મનદીપ સિંઘની આગેવાની હેઠળની ટીમ ભારતના નાલેશીભર્યા રેકોર્ડને સુધારવાનો પ્રયાસ કરશે.
ભારતમાં ૨૮મી નવેમ્બર થી ૧૬ ડિસેમ્બર, ૨૦૧૮ દરમિયાન મેન્સ હોકી વર્લ્ડ કપ રમાશે.