પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેને રોષ વ્યકત કર્યો : રોટેશન પ્રમાણે એશિયા કપનો વારો 2023માં પાકિસ્તાનનો છે
ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપમાં ભાગ લેવા નહીં જાય એટલુંજ નહીં જય શાહે નિવેદન આપતા જણાવ્યું હતું કે, એશિયા કપ પણ પાકિસ્તાનની જગ્યાએ તટસ્થ દેશમાં ખસેડાશે તેવા સંજોગોમાં જ ભારત એશિયા કપમાં રમવા જશે. બીસીસીઆઈ એ.જી.એમ.માં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ ભલે બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હોય તો પણ પાકિસ્તાનમાં રમવા માટે નહીં જાય. ભારતીય ક્રિકેટ બોર્ડના આવા નિર્ણયથી ક્રિકેટ જગતમાં ઉથલપાથલ મચી ગઇ છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રમીઝ રાજાએ ભારે રોષ સાથે ધમકી આપી છે કે જો ભારત એશિયા કપ રમવા નહીં આવે તો પાકિસ્તાન પણ આવતા વર્ષે ભારતમાં યોજનારા વર્લ્ડ કપમાં ભાગ લેવા નહીં જઈએ. ભારત પાકિસ્તાનમાં છેલ્લે 2008માં એશિયા કપ રમ્યું હતું. પાકિસ્તાન ભારતમાં આવીને પણ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમ્યું છે. જોકે ભારત માટે આટલા વર્ષોમાં નિર્ણાયક સમય નહોતો આવ્યો તેનું કારણ એ હતું કે સલામતિના કારણોસર પાકિસ્તાનને ભોગે કોઈ ટુર્નામેન્ટ આઇસીસી દ્વારા અપાતી જ નહોતી. અન્ય દેશો પણ પાકિસ્તાન રમવા જવા તૈયાર નહોતા.પણ છેલ્લા દોઢેક વર્ષથી ક્રમશ: અન્ય ટીમો પાકિસ્તાન જતી થઇ છે. પાકિસ્તાન ક્રિકેટ લીગમાં પણ ભાગ લે છે. રોટેશન પ્રમાણે એશિયા કપનો વારો 2023માં પાકિસ્તાનનો છે. અગાઉની પાકિસ્તાનના ભાગની ટુર્નામેન્ટ યુ.એ.ઇ.માં યોજવી પડી છે. પણ પાકિસ્તાન હવે ઘરઆંગણે યજમાન માટે સજ્જ છે. ભારત સિવાય કોઇ દેશને વાંધો નથી. પાકિસ્તાન બોર્ડને આર્થિક રીતે પગભર થવા ભારત સામે રમવું અત્યંત જરૂરી છે.
આઇસીસીની આવકનો હિસ્સો પાકિસ્તાન બોર્ડને મળે છે. એશિયા કપમાં ભારત ભાગ ન લે તો કયાં યોજવો તેનો આખરી નિર્ણય એશિયન ક્રિકેટ કાઉન્સિલને લેવાનો હોય છે. અને આ સંસ્થાના વડા પણ ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહ જ છે. જેથી પાકિસ્તાનમાં ભારત એશિયા કપ રમવાનું નહીં હોઈ એશિયા કપ તટસ્થ દેશમાં યોજવાનો નિર્ણય એશિયન ક્રિકેટ કાઉન્સિલ લેશે તેવો અણસાર આપ્યો છે.