વીમેન્સ ડે પછી આંતરરાષ્ટ્રીય યોગા દિવસ વિશ્ર્વભરમાં સૌથી વધુ ઉજવાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વિસમાં દાવોસની સમીટમાં ભાગ લઈ રહ્યા છે. તેમની સાથે વિશાળ ભારતીય ડેલીગેશન છે જેમાં બે ‘યોગ ગુરૂ’ પણ સામેલ છે. જી હા, આલ્પ્સ પર્વત પર ભારત પરંપરાગત યોગ (યોગાસન) કરાવશે.
હજુ ગઈકાલે જ વડાપ્રધાન મોદીએ ઝી ન્યુઝને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે દુનિયામાં વિશ્ર્વ મહિલા દિવસ સૌથી વધુ ઉજવાય છે. તમને આશ્ર્ચર્ય થશે કે વિશ્ર્વ મહિલા દિવસ પછી બીજા ક્રમે ‘ઈન્ટરનેશનલ યોગા ડે’ની સૌથી વધુ ઉજવણી કરવામાં આવે છે. ભારતીય પરંપરાગત યોગને આંતરરાષ્ટ્રીય લેવલે લઈ જવાનું કામ અમે કર્યુ છે. આ ઈન્ડીયન બ્યૂરોક્રસીની સિધ્ધિ છે.
વડાપ્રધાન સાથે ભારતીય પ્રતિનિધિ મંડળમાં ૨ યોગ ટીચર પણ સામેલ છે. તેઓ દાવોસ સમીટ દરમિયાન ત્યાં યોગા કલાસ પણ ચલાવશે. આમ યોગને વધુને વધુ લોકપ્રિયતાના શિખરે લઈ જવાશે. ઉલ્લેખનીય છે કે દાવોસ સમીટમાં અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત ૭૦ દેશનાં નેતાઓ હાજરી આપવાના છે. પ્રાચીન સમયમાં યોગ ગુરૂ પતંજલિને ભારતીય સંસ્કૃતિમં યોગને પ્રવેશ અપાવવાનું શ્રેય જાય છે. પરંતુ હમણા સુધી યોગ એ કોર્પોરેટ લેવલ સુધી પહોચ્યું નહતુ મતલબ કે આંતરરાષ્ટ્રીય સમુદાયે તેનો સંપૂર્ણ પણે સ્વીકાર કર્યો ન હતો. હવે તો ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ દુનિયાભરમાં મનાવાય છે. અને લોકો ભારતીય પરંપરાગત યોગ કરીને તેનાથી લાભાન્વિત થાય છે.