ભારત-આફ્રિકાના વર્ષો જુના સંબંધો યાદ કરાવી ભારતે અગાઉ આફ્રિકાને કરેલી સહાયની યાદી કરાવી
બંને રાષ્ટ્રો સંરક્ષણ, શિક્ષણ, સાંસ્કૃતિક તેમજ આર્થિક મોરચે ભાગીદારી કરી સંબંધો વધુ ગાઢ બનાવશે
ચીને અનેકવિધ દેશોમાં પોતાનું સામ્રાજય સ્થાપવા ચક્રો ગતિમાન કર્યા છે. એક અથવા બીજી રીતે કોઈ પણ રાષ્ટ્રમાં ઘુષણખોરી કરવા ચીન સતત કાર્યરત હોય છે. સમગ્ર વિશ્વમાં ચીન હાલ ’ખંડિયા રાજા’ જેવી ભૂમિકા ભજવી રહ્યું છે. ભાગલા પડાવવા, એક રાષ્ટ્રને અન્ય રાષ્ટ્રની સામ સામે કરી દેવા સહિતની કુટનીતિથી ચીન વિશ્વના અનેક દેશોમાં ચીન પોતાનું સામ્રાજય સ્થાપી રહ્યું છે. આફ્રિકાના પણ અનેકવિધ દેશોમાં ચીન એક અથવા બીજી રીતે સામ્રાજય સ્થાપવા ચીન કાર્યરત છે ત્યારે આફ્રિકા ખાતે ચીનનું સામ્રાજયવાદ રોકવા ભારતે આફ્રિકા સાથે અનેકવિધ કરારો કરીને દબદબો વધારવા પ્રયત્નો હાથ ધર્યા છે.
જે સમયે આફ્રિકાને વિશ્વમાં પછાત માનવામાં આવૃ હતું ત્યારે પણ ભારત આફ્રિકાની પડખે હતું. અનેકવિધ પ્રકારની સહાય ભારતે આફ્રિકાને કરી છે. ત્યારે હાલના સંજોગોમાં ચીન આફ્રિકા ખાતે પોતાનું સામ્રાજય સ્થાપવા પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે ભારત પોતાનો દબદબો વધારવા આગળ આવ્યું છે. સીઆઇઆઈ – એક્ઝિમ બેંક ડિજિટલ કોનકલેવની મંગળવારે યોજાયેલી ૧૫મી બેઠકમાં ભારતના વિદેશ પ્રધાને ભારત – આફ્રિકાના જુના સંબંધોને યાદ કરી આગામી દિવસોમાં બંને રાષ્ટ્રોના સારા સંબંધો સ્થાપવા અનેકવિધ કરારો કરવાની વાત રજૂ કરી હતી.
બેઠક દરમિયાન વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે, ભારત સંરક્ષણ અને દરિયાઇ સલામતી સહિત આફ્રિકાના સૌથી અડગ ભાગીદાર બનવાનું વચન આપે છે. તેમણે કહ્યું હતું કે, જમીની તેમજ દરિયાઈ સંરક્ષણ અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ ભારત – આફ્રિકા ભાગીદારીનો મુખ્ય આધારસ્તંભ બનશે.
પ્રધાને યાદ કરતાં કહ્યું હતું કે, ભારતે કોવિડ રોગચાળા સમયે પણ તેની સપ્લાય લાઇન ખુલ્લી રાખી છે અને ખાતરી આપી છે કે દવાઓ અને તબીબી સાધનો જેવો જરૂરી પુરવઠો આફ્રિકાના જરૂરી દેશોમાં પહોંચે તેના માટે ભારત સતત કટીબદ્ધ છે.
બેઠકમાં જયશંકરે આફ્રિકા-ભારતની ભાગીદારીની વિસ્તૃત ઝાંખી આપી હતી. ભારતની સ્વતંત્રતા ચળવળના સમય અને આફ્રિકાના વસાહતીકરણ સમયે પણ ભારત અને આફ્રિકા સતત એકબીજાની મદદ માટે પડખે ઉભું રહ્યું હતું. આફ્રિકા પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતાનના આધાર સ્તંભો વિશે તેમણે કહ્યું હતું કે, વિકાસમાં ભાગીદારી, વેપાર અને રોકાણ સાહિતના મુદ્દે બંને રાષ્ટ્રો એકબીજાની પરસ્પર મદદગારી કરશે. ખાસ કરીને યુવા આફ્રિકન લોકો માટે શિક્ષણ ક્ષેત્રમાં વિકસિત બનાવવા ભારત બબે તેટલી મદદ કરશે.
તેમણે યુગાન્ડા સંસદને સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી પ્રતિબદ્ધતાને યાદ કરતા કહ્યું હતું કે, આફ્રિકા ભારતની પ્રાથમિક દેશના ટોચ પર છે અને આફ્રિકા સાથેની ભાગીદારી આફ્રિકાની જરૂરિયાતોની સમીક્ષા કરીને સંબંધો વધુ ગાઢ બનાવાશે.
ભારતે ૩૭ આફ્રિકન દેશોમાં ૧૯૪ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે અને ૨૯ દેશોમાં ૭૭ વધુ પ્રોજેક્ટ પ્રગતિ પર છે જેનો કુલ ખર્ચ ૧૧.૬ અબજ ડોલર છે. જેમાં પ્રોજેક્ટ્સ આઇસીટી, પાણી, કૃષિ, માળખાગત વિકાસનો સમાવેશ થયા છે. તેમણે કહ્યું હતું કે આફ્રિકામાં ઈન્ફોર્મેશન રન્ડ ટેકનોલોજીમાં આગળ કરવા ભારતના ઇ-વિદ્યા ભારતી અને ઇ-આરોગ્ય ભારતી આફ્રિકન લોકોને સશક્તિકરણ પૂરું પાડી રહ્યા છે. એ જ રીતે, ભારતનો આઇટીઇસી કાર્યક્રમ આફ્રિકામાં આઇટી ક્ષમતા વધારવામાં મદદ કરી રહ્યો છે.
ભારત અને આફ્રિકા માટે ૨૧મી સદીનો સંરક્ષણ અને સુરક્ષા સહકાર એક મહત્ત્વનો આધારસ્તંભ હોવાનું સ્વીકારતાં મંત્રીએ જણાવ્યું કે ભારતે અનેક આફ્રિકન દેશોમાં કમાન્ડ કોલેજો સ્થાપવામાં મદદ કરી રહી છે. ભારતીય સૈન્ય સંસ્થાઓમાં હજારો આફ્રિકન અધિકારીઓ અને સૈનિકોને તાલીમ અપાઈ હતી. આફ્રિકામાં ભારતે ઇથોપિયામાં સૈન્ય એકેડમી, નાઇજીરીયામાં સંરક્ષણ કોલેજ અને નેવલ વોર કોલેજ સ્થાપવા ઉપરાંત ઘાનામાં હવાઈ દળ સ્થાપવા અને આફ્રિકન દેશોની સંખ્યામાં સૈન્ય કર્મચારીઓને તાલીમ આપવા મદદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં લખનઉ ખાતે ઇન્ડિયા – આફ્રિકાની સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્સપોના સ્વરૂપમાં બેઠક યોજાઈ હતી. જેમાં આફ્રિકાના કુલ ૧૪ દેશના સંરક્ષણ પ્રધાન, સાંસદો તેમજ ૩૮ રાષ્ટ્રોમાંથી ૧૯ ડિફેન્સ ચીફે ભાગ લીધો હતો. આ તકે ભારતીય બનાવટની સંરક્ષણ ક્ષેત્રના હથિયારોનું આફ્રિકન દેશોમાં નિકાસ અંગે મહત્વની ચર્ચાઓ કરાઈ હતી.
આ તકે ભારતે યાદ કરાવતાં કહ્યું હતું કે, આફ્રિકન દેશોમાં ઉર્જા, માઇનિંગ, બેન્કિંગ, ટેકસટાઇલ સહિતના ક્ષેત્રોમાં રોજગારી ઉભી કરવા ભારતે આફ્રિકાની અનેકવિધ મદદ કરી છે. ઉપરાંત હજારો આફ્રિકન વિદ્યાર્થીઓને ટૂંકા ગાળાના અભ્યાસ હેતુસર ભારત આવવાની છૂટછાટ પણ આપી છે. આ તમામ મુદ્દાઓ યાદ કરાવીને વિદેશ પ્રધાને ભારત – આફ્રિકાના સંબંધો અંગેની વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમજ આગામી દિવસોમાં પણ અનેકવિધ સેકટરમાં બંને દેશો એકબીજાની ભાગીદારીથી આગળ વધી શકે તે પ્રકારની ચર્ચાઓ કરીને સંબંધો વધુ ગાઢ બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.