અમેરિકા, યુ.કે. અને યુરોપીયન યુનિયન સાથે મુક્ત વ્યાપાર સંધી માટે કવાયત
ગત નવેમ્બરમાં મળેલી ૧૫ સભ્યોની મીટીંગમાંથી ચીન બાકાત રહેતા ભારતને મુક્ત વ્યાપાર સંધી થકી વિદેશ વ્યાપારમાં અનેક તક હાંસલ થશે
વિદેશ વ્યાપારમાં હવે ભારત ફળદાયી સંધી પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવા જઈ રહ્યું છે. વિશ્વ વ્યાપાર સંગઠન દ્વારા અત્યાર સુધી ભારતમાં સબસીડી કે રાહત પેકેજથી અપાતી સુવિધાઓ અંગે યેનકેન પ્રકારે વિરોધ નોંધાવવામાં આવતો હતો. ભારત સરકાર દ્વારા નાગરિકોને વિનામુલ્યે અનાજ અપાય તો પણ વિશ્વ વ્યાપાર સંગઠનોને પેટમાં તેલ રેડાતુ હતું. અલબત વિશ્વ વ્યાપાર સંગઠન દ્વારા વૈશ્ર્વિક સ્થિતિને ધ્યાને લઈને જ વિરોધ થતો હોવાનો દાવો થતો હતો. વૈશ્ર્વિક ભાવને બેલેન્સ
રાખવા માટે હવે ભારતનો મુક્ત વ્યાપાર સંધીનો દાવ કારગત નિવડી શકે છે.
અત્યારે અમેરિકા, યુ.કે., યુરોપીયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈ મહત્વપૂર્ણ કરારો કરવાની વાત ચાલી રહી છે. ભૂતકાળમાં એવું અનેક વખત બન્યું છે કે, સ્થાનિક ઉદ્યોગને નુકશાન થતું હોય તેવી સંધી માટે પણ ભારતને સહમત થવું પડ્યું છે. જેના કારણે બલ્કમાં વિદેશથી માલ ભારતમાં ઠલવાતો હતો. આ માલ સામે ભારતીય ઉદ્યોગો ટક્યા રહે તે માટે એન્ટી ડમ્પીંગ ડયૂટી લદાતી હતી. અલબત હવે મહામારી વચ્ચે વિકાસના પવનો ભારતની તરફેણમાં છે. જેથી અમેરિકા, યુ.કે. અને યુરોપીયન યુનિયનના અન્ય દેશો ભારત સાથે મુક્ત વ્યાપાર સંધી કરવા તત્પર છે.
ગત નવેમ્બર મહિનામાં મુક્ત વ્યાપાર સંધીને લઈ ૧૫ દેશોના સમૂહની રચના થઈ હતી. આ સમૂહમાંથી હવે ચીન બાકાત રહ્યું છે. જેના કારણે ભારતને ચીનનું સ્થાન લેવાની તક મળી છે. હવેથી ક્વોલીટીની સાથે રેટ ઉપર પણ ધ્યાન કેન્દ્રીત થશે તો ખુબ મોટી માત્રામાં વિદેશી હુડીયામણ ભારતમાં આવશે તેવી ધારણા સેવાઈ રહી છે. એકંદરે મુક્ત વ્યાપાર સંધી ભારત માટે ખુબ ફળદાયી નિવડશે.
ગુણવત્તા, દર અને હુંડીયામણ ઉપર નજર કેન્દ્રીત
અત્યાર સુધી ગુણવત્તા અને દર ઉપર કેન્દ્ર સરકારે ધ્યાન કેન્દ્રીત ન ર્ક્યું હોય તેવું બન્યું છે. અમેરિકા, યુરોપ સહિતના સ્થળોએ સૌથી વધુ તક સારી ક્વોલીટીના માલ સામાનને મળે છે. આ ઉપરાંત વિશ્વ વ્યાપાર સંગઠન દ્વારા પણ ગુણવત્તા અને દરને લઈને મહત્વપૂર્ણ નીતિ નિયમો ઘડી કાઢવામાં આવ્યા હતા. હવે સરકાર અમેરિકા, યુરોપ સહિતના દેશોમાં મુકત વ્યાપાર સંધી કરવા જઇ રહી છે. મહામારીના કારણે વૈશ્ર્વિક સમુદાય ચીનથી અડગો થયો હોવાથી ભારત માટે તકો છે. આ ઉપરાંત ભારતમાં વિશ્વની ટોચની કંપનીઓ પણ રોકાણ કરવા તત્પર બની છે. મહામારીના કારણે સરકારે જે આર્થિક તકલીફો ભોગવી છે તે દિવસ પછીના દિવસમાં સરભર થઇ શકે તે માટે મુક્ત વ્યાપાર સંધી મહત્ત્વપૂર્ણ બની જશે.