ભારત તરફથી ગુરજંત સિંઘે ત્રણ ગોલ ફટકાર્યા
સુલતાન અઝલાન શાહ કપ હોકી ટુર્નામેન્ટની ચોથી મેચમાં ભારતે પ્રથમ વિજય મેળવતા યજમાન મલેશિયાને ૫-૧થી કચડી નાંખ્યું હતુ. ભારત તરફથી ગુરજંત સિંઘે બે જ્યારે શિલાનંદ લાકરા, રમનદીપ સિંઘ અને સુમિત કુમારે એક-એક ગોલ ફટકાર્યા હતા.ભારતીય ગોલકિપર સુરજ કારકેરાએ અસરકારક દેખાવ કરતાં ટીમનો આત્મવિશ્વાસ ટકાવી રાખ્યો હતો.
છ દેશોની હોકી ટુર્નામેન્ટની ચોથી મેચમાં પહેલી જીત સાથે ભારત પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.આજે રમાયેલી અન્ય મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૪-૧થી આયર્લેન્ડને હરાવીને સતત ચોથી મેચમાં ચોથો વિજય મેળવતા ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતુ. જ્યારે આર્જેન્ટીના અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ ૧-૧થી બરોબરી પર સમાપ્ત થઈ હતી. આ સાથે આર્જેન્ટીનાએ ૭ પોઈન્ટ સાથે બીજું સ્થાન મેળવ્યું હતુ. મલેશિયા બે જીત અને બે હાર સાથે છ પોઈન્ટ લઈને ત્રીજા ક્રમે છે. જ્યારે ઈંગ્લેન્ડ ૪ મેચમાં એક જીત, બે હાર અને એક ડ્રો સાથે પાંચ પોઈન્ટ મેળવીને ચોથા ક્રમે છે.
ભારત તેની આખરી મેચમાં આયર્લેન્ડ સામે ટકરાશે. જો ભારત આ મેચમાં મોટા અંતરથી જીત મેળવશે તો બ્રોન્ઝ મેડલ જીતવાની આશા જીવંત બની શકે તેમ છે.