ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગની નિકાસ રૂ. 1.28 લાખ કરોડને પાર કરવાનો સરકારનો લક્ષ્યાંક
ભારત હવે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા ઉપરાંત નિકાસ વધારવા કમર કસી રહ્યું છે. સરકારના આ દિશામાં થયેલા પ્રયત્નો હવે સફળ નીવડી રહ્યા છે. જેને પગલે આગામી નાણાકીય વર્ષમાં ભારતમાંથી એક લાખ કરોડના મોબાઈલ ફોનની નિકાસ થાય તેવો લક્ષ્યાંક સરકારે વ્યક્ત કર્યો છે
દેશની ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગની નિકાસ આગામી નાણાકીય વર્ષ સુધીમાં રૂ. 1.28 લાખ કરોડને પાર કરી શકે છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આ વાત કહી હતી.
મંત્રીએ કહ્યું કે સરકાર નવી પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ લઈને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને વધુ વ્યાપક બનાવવાની તૈયારી કરી રહી છે. આ સ્કીમ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી હાર્ડવેર અને કમ્પોનન્ટ ઉત્પાદકો માટે હશે.
ચંદ્રશેખરે કહ્યું, “જો આપણે સમગ્ર ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર નજર કરીએ તો આવતા વર્ષે અમે ઓછામાં ઓછા રૂ. 1.28 લાખ કરોડને પાર કરીશું. વધુમા તેઓએ કહ્યું કે દેશમાં 2023-24માં મોબાઈલ ફોનની નિકાસ એક લાખ કરોડ રૂપિયા સુધી થશે.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે. એક સમયે આપણે અનેકવિધ પ્રોડક્ટ આયાત કરતા હતા. હવે ચિત્ર સંપૂર્ણ બદલ્યું છે. આપણે ઘરઆંગણે આવી પ્રોડકટનું ઉત્પાદન તો કરીએ જ છીએ. સાથે તેની નિકાસ પણ કરીએ છીએ. સરકાર આ ક્ષેત્રને હજુ વેગ આપવા માટે સતત પ્રયત્નશીલ છે.
ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ માટે સરકાર પીએલઆઈ સ્કીમ લઈ આવશે
ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં ચીનનું માર્કેટ તોડી ભારત સતત આગળ વધી રહ્યું છે. સરકાર પણ આ તક ઝડપવામાં કોઈ કસર છોડી રહી નથી. જેથી સરકાર નવી પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ લઈને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને વધુ વ્યાપક બનાવવાની તૈયારી કરી રહી છે. આ સ્કીમ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી હાર્ડવેર અને કમ્પોનન્ટ ઉત્પાદકો માટે હશે.