ઈઝરાયેલના રાષ્ટ્રપતિએ ભારતના ભરપેટ વખાણ કરી મુંબઈ હુમલાને પણ યાદ કર્યો
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે, જેમાં 11 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન ઈઝરાયેલના રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગે કહ્યું કે ભારત વિશ્વનો એક મહત્વપૂર્ણ દેશ છે. ભારત પૃથ્વી પરના મહાન દેશોમાંનો એક છે. ભારત શાંતિની હિમાયત કરે છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ભારત ચોક્કસપણે ઇઝરાયેલની શાંતિ માટે પોતાનો અવાજ ઉઠાવશે.
ઇઝરાયેલના રાષ્ટ્રપતિ હરઝોગે ગુરુવારે એક ઇન્ટરવ્યુમાં ભારતની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જુલાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. થોડા અઠવાડિયા પછી, મેં એક ભાષણ પણ આપ્યું, જે મારા માટે ખરેખર સન્માનની વાત છે. ભારતે શરૂઆતથી જ શાંતિની હિમાયત કરી છે. ભારત આજે વિશ્વના સૌથી પ્રભાવશાળી દેશોમાંનો એક છે. ભારતીયો પૃથ્વી પરના મહાન લોકોમાં સામેલ છે. ભારત ચોક્કસપણે ઇઝરાયેલની શાંતિ અને સુરક્ષા માટે પોતાનો અવાજ ઉઠાવી શકે છે.
હમાસ સાથે યુદ્ધના પ્રશ્ન પર તેમણે કહ્યું કે આજે યુદ્ધ તેના 41માં દિવસમાં પ્રવેશી ગયું છે. ભારત સંઘર્ષમાં મધ્યસ્થી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ગાઝાને વિશ્વનો સૌથી શાંતિપૂર્ણ વિસ્તાર બનાવવો પડશે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેની વાતચીતમાં ભારત મહત્વનું યોગદાન આપી શકે છે. લોકો કદાચ તેના પર વિશ્વાસ ન કરે, પરંતુ અમે ગાઝાનું પુન:નિર્માણ કેવી રીતે કરવું તે વિશે વિચારીએ છીએ. પ્રદેશમાં શાંતિ કેવી રીતે સ્થાપિત કરવી. આપણે એ વિચારવું પડશે કે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન એકબીજા સાથે કેવી રીતે સાચો સંવાદ કરી શકે. આ તમામ વિચારોમાં ભારત યોગદાન આપી શકે છે.
રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે ભારત અને ઈઝરાયેલ આતંકવાદ સામે લડી રહ્યા છે. મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં યહૂદી સમુદાય પર પણ હુમલો થયો હતો. આપણા બંને દેશો લાંબા સમયથી આતંકવાદ સામે એકજૂટ છે. અમે મુંબઈના ભયાનક હુમલાને યાદ કરીએ છીએ, જેમાં સેંકડો યહૂદીઓ અને બિન-યહૂદીઓ માર્યા ગયા હતા. અમે આનાથી દુ:ખી છીએ. આતંકવાદની સાથે અમે વિજ્ઞાન, ટેક્નોલોજી અને મેડિસિન ક્ષેત્રે પણ અમારું કામ શેર કરીએ છીએ. તેમણે ભારતના લોકો અને ભારતીય નેતૃત્વ પ્રત્યે સ્નેહ અને મિત્રતાનો સંદેશ વ્યક્ત કર્યો. બે મહાન પ્રાચીન દેશો તરીકે, આપણે વિશ્વમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકીએ છીએ.