વેપારમાં વિશ્વગુરૂ બનવા ભારતનું વિરાટ કદમ

પરિવહન ખર્ચ ઘટાડી, ઉત્પાદન ખર્ચ ઓછો કરવાનો વ્યૂહ: ક્લસ્ટર ડેવલપમેન્ટથી અર્થતંત્રને મળશે અભૂતપૂર્વ વેગ

ભારતને વેપારમાં વિશ્વગુરુ બનાવવા કેન્દ્ર સરકારે વિરાટ કદમ ભર્યું છે. હાલ સરકારે માની લીધું છે કે ધંધામાં વૈશ્વિક હરિફને ભરી પીવા માટે હવે લોજીસ્ટિક ક્લસ્ટર બનાવવા સિવાય છૂટકો નથી. લોજીસ્ટિક ક્લસ્ટર ડેવલપથી અનેક સમસ્યાઓના સમાધાન મળશે તે નક્કી છે. માટે જ ભારતે લોજીસ્ટિક ક્લસ્ટર વિકસાવવા માટે તૈયારીઓ આરંભી દીધી છે.

ભારતની પ્રોડક્ટની કોસ્ટ ઊંચી આવવા પાછળ પરિવહન દર મુખ્ય ભાગ ભજવતો હતો. ભારતમાં ક્લસ્ટરનો અભાવ હોવાથી કોઈ એક પ્રોડક્ટ બનાવવા માટે મટીરીયલ અલગ જગ્યાએથી લઈ આવવું પડે, તો તેની પ્રોસેસ અલગ જગ્યાએ થાય. ઘણા કિસ્સાઓમાં પેકિંગ અલગ જગ્યાએ થાય અને પછી તેની નિકાસ કરવા માટે પણ અલગ જગ્યાએ લઈ જવી પડે. હવે આ પ્રોડક્ટની ચારથી પાંચ વખત હેરફેરથી પરિવહન દર પ્રોડક્ટની કોસ્ટમાં નોંધપાત્ર વધારો કરી દેતો હતો.

આ સમસ્યાથી ભારતની પ્રોડક્ટ વૈશ્વિક માર્કેટમાં હરીફાઈમાં ઉતરી શકતી ન હતી. સામે ભારતના અવવલ નંબરના હરીફ ગણાતા એવા ચીનમાં ક્લસ્ટર મોટા પ્રમાણમાં ડેવલપ થયેલા હોય તેને આ સમસ્યા નડતી ન હતી. એના લીધે જ ચીન વૈશ્વિક માર્કેટમાં ઓછી કિંમતે પોતાનો માલ મોટાભાગના દેશોમાં ઠાલવી રહ્યો છે.

ભારતે પણ હવે વૈશ્વીક માર્કેટમાં પોતાનો પગ જમાવવા એડી ચોંટીનું જોર લગાવ્યું છે. પણ પહેલા પ્રોડક્ટની કોસ્ટ નીચી લઈ આવવી જરૂરી હોય ભારતે લોજીસ્ટિક ક્લસ્ટર ડેવલપ કરવા તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતમાં સર્વ શ્રેષ્ઠ ક્લસ્ટરનું સૌથી સારું ઉદાહરણ મોરબીનો સિરામિક ઉદ્યોગ છે. અમુક કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલુ મોરબીના સિરામિક ક્લસ્ટર વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક ક્લસ્ટર છે.

જ્યા મટીરીયલ પણ નજીકથી મળી રહે છે. અને તેની પ્રોસેસ તેમજ પેકિંગ પણ ત્યાં જ થઈ રહે છે. સામે નવલખી બંદર નજીક જ હોય ત્યાંથી પ્રોડક્ટની નિકાસ પણ સરળતાથી થઈ જાય છે. આમ સિરામિક ક્લસ્ટરની જેમ જ હવે અલગ અલગ ક્લસ્ટર ભારતભરમાં શરૂ કરવા સરકાર કવાયત શરૂ કરશે.અને વૈશ્વિક માર્કેટમાં જે હરીફો છે તેમને હંફાવશે.

પાંચ વર્ષમાં પરિવહન દરમાં ૫% સુધીનો ઘટાડો લાવવા કેન્દ્ર સરકારની કવાયત

દેશના અર્થતંત્રને ૫ ટ્રિલીયન અમેરિકન ડોલરનું કદ આપવા માટે ઘરેલું ઉત્પાદન નિકાસમાં વૃદ્ધિ માટે આવશ્યક એવા પરિવહન ક્ષેત્રને સુદ્રઢ બનાવવા માટે કેન્દ્ર સરકારે નવી પરિવહન નીતિ બનાવી આગામી પાંચ વર્ષમાં પરિવહન દરમાં ૫% સુધીનો ઘટાડો થાય તેવી કવાયત હાથ ધરી છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પરિવહન નિતી ૨૦૨૦માં પરિવહન સેવા પ્રદાન કરનારાઓ માટે ટ્રેક એન્ડ ટ્રેસ માટે એક યુનિટ લોજીસ્ટીક એકાઉન્ટ નંબર એનજીઓ ટેક્ષ સાથે વેરહાઉસની એક રાષ્ટ્રીય નોંધણીને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ પીપીપીના ધોરણે માહિતી માટે મદદરૂપ થાય તેવી વ્યવસ્થા કરી છે. ભારત પાસે અત્યારે પરિવહન અને જનશક્તિની એક ડિજીટલ નેટવર્ક તૈયાર કરવાની યોજના કાર્યરત કરવામાં આવી છે. જેના ઉપયોગથી વર્તમાન બિમારી જેવી કટોકટી ભરી પરિસ્થિતિમાં ઉપયોગ કરવામાં આવશે. આ વ્યવસ્થા સૈન્યના માનાંકોમાં સામેલ કરવામાં આવશે. વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલયે રાષ્ટ્રીય પરિવહન નીતિ બનાવી છે. તેનાથી એક અલાયદી પરિવહન વ્યવસ્થા ઊભી થશે અને આવતાં પાંચ વર્ષમાં દેશના પરિવહન ખર્ચમાં ૫% જેટલો ઘટાડો થશે અત્યારે ભૂમિ, જળ અને વાયુ માર્ગે પરિવહન થાય છે જેના ખર્ચમાં ઘટાડો થાય તેવી કવાયત હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.