બ્રહ્મપુત્રા નદી પર આકાર લેશે ૨૦ કિમી લાંબો બ્રિજ જે આસામ અને મેઘાલયને જોડશે
ભારતની સૌથી લાંબી નદી બ્રહ્મપુત્રા પર સૌથી મોટા બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. જેમાં આસામના ધુબરી અને મેઘાલયના પુલબારીને જોડાશે. આ પુલનું નિર્માણ થતા ૨૦૩ કિમીનું અંતર માત્ર ૨૦ કિમીમાં પૂર્ણ કરાશે જેને કારણે યાત્રિકોનો સમય બચશે.
આ અંગે સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, લગભગ ૧૯.૩ કિમી લાંબો આ પુલ ફોર વેનનો હશે જેનું નિર્માણ ૨૦૨૬-૨૭માં પૂર્ણ થશે. મહત્વનું છે કે ફ્રાન્સમાં મળેલી એક વૈશ્ર્વિક બેઠકમાં તાજેતરમાં જ સરકારના હાઈવે બાંધકામ વિંગ નેશનેલ હાઈવે અને ઔધોગિક કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ અંગે ચર્ચા કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, હાલ વાહનો નરનારાયણ બ્રિજનો ઉપયોગ કરી ૨૦૦ કિ.મી.નું અંતર કાપે છે જે નવા બ્રિજનું નિર્માણ થતા કેટલાક સમયથી સુષુપ્ત થયેલો એનએચ૧૨૭બી નેશનલ હાઈવે જે આસામ અને મેઘાલયને જોડતો હતો તે હવે આ નવા નિર્માણ બાદ કાર્યરત બનશે.
હાલ નાના બોટ ધુબરી અને પુલહારી વચ્ચે ચાલે છે જે ૨.૫ કલાક નદી પાર કરવામાં લે છે. હાલ ભારતનો લાંબો બ્રિજ ૯.૧૫ કિમીનો છે. જે ધોલા સદીયાને જોડે છે જેને ગત વર્ષે જ ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ નવા બ્રિજના નિર્માણ બાદ માત્ર ૧૫ થી ૨૦ મિનિટમાં જ નદી પાર થઈ જશે. જેના કારણે આર્થિક લાભ અને વિકાસ થશે.
મહત્વનું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં જ પુલના પ્રોજેકટ માટે ટેન્ડર પ્રક્રિયા શરુ કરવામાં આવશે. બ્રહ્મપુત્રા નદી પર બનાવવામાં આવનાર આ પુલનું કામ છ મહિના જ કરી શકાશે. જાપાનની ફડીંગ એજન્સી જેઆઈસીએ મોટા પ્રોજેકટના આર્થિક લાભનું મૂલ્યાંકન કર્યા પછી ઉતર-પૂર્વમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રકચર સુધારણા પેકેજના ભાગરૂપે લોન મંજુર કરી છે. આ બ્રિજનું નિર્માણ વેસ્ટ બંગાળ અને આસામના સંબંધો પણ સુધારશે.