ત્રીજું વિશ્વ યુદ્ધ પાણીને લઈને લડાશે ? આ પ્રશ્ન પાણીને લઈને ચાલી રહેલ એક પછી એક વિવાદિત ઘટનાઓ બાદ ઘેરો થઇ રહ્યો છે. હવે ચીન અને ભારત વચ્ચે પાણીને લઈને વિવાદ થયો છે. ચીને બ્રહ્મપુત્રા નદી ઉપર ડેમ બાંધવાનો શરૂ કર્યો છે. સામે ભારતે પણ અરુણાચલમાં સુબાનસિરી ખાતે ચાલી રહેલી 11,000 મેગાવોટના હાઇડ્રોઇલેક્ટ્રિક ડેમ પ્રોજેક્ટને ફાસ્ટ ટ્રેક પર મૂકયો છે.
મુત્સદ્દીગીરી અને સૈન્ય નીતિના મોરચે ભારત તરફથી જડબાતોડ જવાબ મળ્યા બાદ ચીન હવે એક નવું પગલું ભરી રહ્યું છે. તે ભારત સાથે ’વોટર વોર’ લડવા તૈયાર છે. ચીનના વલણને જોતા દિલ્હી સરકારે હવે તેને પણ આ પગલામાં માત આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. ભારત ઈચ્છતું નથી કે તે કોઈપણ મોરચે ચીન કરતા નબળું સાબિત થાય, તેથી તેણે અરુણાચલ પ્રદેશમાં ચીનના નવા પગલા સામે ઘેરાબંધી શરૂ કરી છે.
ભારત સરકારે અરુણાચલમાં સુબાનસિરી ખાતે ચાલી રહેલી 11,000 મેગાવોટના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને ફાસ્ટ ટ્રેક પર મૂકી છે. આ ઉપરાંત તેણે પહેલાથી જ સ્થાપિત ત્રણ પ્રોજેક્ટના વિસ્તરણનું કામ પણ શરૂ કર્યું છે.
ચીનનું નવું પગલું ભારત સાથે ’વોટર વોર’ લડવાનું છે. તે દુષ્કાળ કે પૂર દ્વારા ભારતને નુકસાન પહોંચાડવા માંગે છે. આ માટે ચીન અરુણાચલ પ્રદેશ બોર્ડર પાસે યાર્લુંગ ઝાંગબો નદી (બ્રહ્મપુત્રા) પર 60,000 મેગાવોટનો ડેમ બનાવી રહ્યું છે, જેનાથી ભારતની ચિંતા વધી ગઈ છે. અધિકારીઓને ચિંતા છે કે ચીન બ્રહ્મપુત્રા નદીનું પાણી આ ડેમ દ્વારા ડાયવર્ટ કરી શકે છે અથવા પાણી છોડીને ભારતમાં પૂર જેવી સ્થિતિ સર્જી શકે છે. જો આમ થશે તો અરુણાચલ પ્રદેશ, આસામ સહિત અનેક રાજ્યોમાં સમસ્યા ઊભી થશે અને બાંગ્લાદેશને પણ અસર થશે.
ચીનને જડબાતોડ જવાબ આપવાની તૈયારી
ભારત ’જળ યુદ્ધ’ના મોરચે પણ ચીનને જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. અરુણાચલ પ્રદેશમાં બંધ પ્રોજેક્ટ પર કામ ઝડપી કરવામાં આવ્યું છે, જ્યારે 2000 મેગાવોટનો સુબનસિરી પ્રોજેક્ટ આ વર્ષના મધ્ય સુધીમાં તૈયાર થઈ જશે. આ સિવાય અન્ય હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ પણ લાઇનમાં છે. આ પ્રોજેક્ટમાં એક વર્ષ સુધી પાણીનો સંગ્રહ કરી શકાશે. જો ચીન ડેમ દ્વારા પાણી છોડે તો તેને પણ રોકી શકાય છે.
પાણીને લઈને રાજ્યો વચ્ચે પણ અનેક વિવાદો
ભારતમાં લગભગ 20 મોટા નદીના તટપ્રદેશો છે, જે એક કરતાં વધુ રાજ્યોમાં વિસ્તરે છે. ભારતમાં કૃષ્ણા, કાવેરી, ગોદાવરી અને નર્મદા સહિત ઘણી નદીઓ છે, જેના પર રાજ્યો વચ્ચે વિવાદ છે. નદીઓના પાણીને લઈને રાજ્યોમાં ચાલી રહેલા વિવાદના ઉકેલ માટે સંસદમાં બે કાયદા પસાર કરવામાં આવ્યા છે. બંધારણની કલમ-262 આંતર-રાજ્ય જળ વિવાદોના ન્યાય અને નિર્ણય સાથે સંબંધિત છે. આ કલમ હેઠળ સંસદ દ્વારા બે કાયદા પસાર કરવામાં આવ્યા છે. રિવર બોર્ડ એક્ટ (1956) અને ઇન્ટર-સ્ટેટ વોટર ડિસ્પ્યુટ્સ એક્ટ (1956). આંતર-રાજ્ય જળ વિવાદ અધિનિયમ કેન્દ્ર સરકારને આંતર-રાજ્ય નદીઓ અને નદીઓના તટપ્રદેશના પાણીના ઉપયોગ, વહેંચણી અને નિયંત્રણને લગતા બે અથવા વધુ રાજ્યો વચ્ચેના કોઈપણ વિવાદનો નિર્ણય કરવા માટે એક અસ્થાયી ટ્રિબ્યુનલની રચના કરવાની સત્તા આપે છે.
બ્રહ્મપુત્રા નદી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ
બ્રહ્મપુત્રા નદી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ નદી 30 ટકા તાજા પાણીનો સ્ત્રોત છે, તેથી 40 ટકા વીજળી પણ તેમાંથી ઉત્પન્ન થાય છે. તે જ સમયે, આ નદીનો 50 ટકા ભાગ ચીનમાં પડે છે, જેના પર તે ડેમ બનાવી રહ્યું છે. માટે આ નદી ભારત માટે વિશેષ મહત્વ ધરાવે છે.
પાકિસ્તાન અને નેપાળ સાથે પણ પાણી મુદ્દે વર્ષોથી ચાલ્યો આવતો વિવાદ
નેપાળમાં જ્યારે પણ ભારે વરસાદ થાય છે. તેની અસર બિહારમાં પડે છે. નેપાળ પોતાના ડેમોમાંથી પાણી છોડે એટલે ગંડક, કોસી, બાગમતી અને કમલા બાલન સહિતના નદીઓમાં પુરની સ્થિતિ આવે છે. આના કારણે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ જળ વિવાદ ચાલી રહ્યો છે. 1947માં આઝાદી મળ્યા બાદ બંને દેશોમાં પાણીને લઈને વિવાદ શરૂ થયો હતો. વાસ્તવમાં, સિંધુ જળ પ્રણાલી જેમાં સિંધુ, જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ નદીઓનો સમાવેશ થાય છે. તે ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં વહે છે. પાકિસ્તાનનો આરોપ છે કે ભારત આ નદીઓ પર ડેમ બનાવીને પાણીનું શોષણ કરે છે અને તેના વિસ્તારમાં પાણી ઓછું હોવાને કારણે દુષ્કાળની સ્થિતિ છે.