પ્રથમ વખત બજેટ સાથે ૧૦ વર્ષનું વિઝન અને રોડમેપ રજૂ કરાયો

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આજે મોદી સરકારનું છઠ્ઠુ બજેટ લોકસભામાં રજૂ કર્યું હતું. વચગાળાના બજેટમાં પ્રથમ વખત બજેટ સાથે ૧૦ વર્ષનું વિઝન અને રોડમેપ પણ રજૂ કરવામાં આવ્યો હતો. પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, આગામી ૧૦ વર્ષમાં ભારત ૮ લાખ ટ્રિલીયન ડોલરની અર્થ-વ્યવસ્થા બની જશે.

તેઓએ ઉમેર્યું હતું કે, કર માળખામાં સુધારો કરવાની સાથે છેલ્લા પાંચ વર્ષમાં કરદાતાની સંખ્યામાં ૮૦ ટકાનો વધારો થયો છે. આગામી ૫ વર્ષમાં ભારત ૫ ટ્રિલીયન અને ૧૦ વર્ષમાં ૮ ટ્રિલીયનની અર્થ વ્યવસ્થા બની જશે જે વિશ્વ માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહેશે. ૨૦૩૦માં અવકાશમાં પણ ભારતનો દબદબો હશે.

૨૦૩૦ સુધીમાં આરોગ્ય સ્વાસ્થ્ય માટે ખૂબ મોટા પાયે પગલા ભરવામાં આવશે. જીએસટીની અમલવારીના કારણે ૮૦ હજાર કરોડનો ફાયદો થયો છે. કાળા નાણા દૂર કરવાનું અમા‚ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. જીએસટીના કારણે દેશમાં ૧.૩૬ લાખનું કાળુ નાણુ જાહેર થયું છે. મધ્યમ વર્ગ પર સતત કરબોજ ઘટે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે.

છેલ્લા ચાર વર્ષમાં દેશમાં ૧૪ નવી એઈમ્સને મંજૂરી આપવામાં આવી છે. હરિયાણામાં ૨૨મી એઈમ્સ બનશે. દેશના દરેક નાગરિકોને ૨૦૨૧ સુધીમાં ઘરનું ઘર મળી રહે તે અમારો લક્ષ્યાંક છે. કરદાતાઓનો ખાસ આભાર માનુ છું કે, જેના કારણે દેશ વિકાસના પાટા પર દોડતું થયું છે. પ્રથમવાર દેશમાં સંરક્ષણ બજેટ ૩ લાખ કરોડથી પણ વધુનું મંજૂર કરાયું છે. જોખમવાળા સૈન્ય પદો માટે વળતરમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકાર ચાર વર્ષમાં મોંઘવારીનો દર ડબલ ડિજીટમાંથી સીંગલ ડિજીટમાં લાવવા સફળ રહી છે. બજેટમાં મધ્યમવર્ગ, ખેડૂત, ગૃહિણીઓ, કામદાર, મજૂર અને નોકરીયાત વર્ગનો પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભારત ખૂબ ઝડપથી વિકાસ સાધી રહ્યું છે ત્યારે આગામી ૧૦ વર્ષમાં દેશ ૮ ટ્રિલીયન ડોલરની અર્થ-વ્યવસ્થા બની જશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.