ભારતને મિલટરી તાકાતમાં અવ્વલ નંબરે પહોંચાડવાનો મોદીનો સંકલ્પ!!!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજયાદશમી નિમિત્તે સાત નવી સંરક્ષણ કંપનીઓને રાષ્ટ્રને સમર્પિત કરી
અબતક, નવી દિલ્હી : ભારત હવે વિશ્વભરની હથિયારની ફેકટરી બનવા જઈ રહી છે. ભારતને મિલટરી તાકાતમાં અવ્વલ નંબરે પહોંચાડવાનો મોદીએ સંકલ્પ લીધો છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજયાદશમી નિમિત્તે સાત નવી સંરક્ષણ કંપનીઓને રાષ્ટ્રને સમર્પિત કરી છે. તેઓએ સંરક્ષણ મંત્રાલય દ્વારા વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંબોધન પણ કર્યું છે.
સાત નવી સંરક્ષણ કંપનીઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી કાર્યાલય એ કહ્યું કે સરકારે દેશની સંરક્ષણ સજ્જતામાં આત્મનિર્ભરતા સુધારવાના પગલા તરીકે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડની સ્થાપના કરી છે.ભારતીય સેનાને મજબૂત કરવા માટે દેશની સાત સંરક્ષણ કંપનીઓ સૈનિકો માટે પિસ્તોલથી લઈને ફાઈટર પ્લેન બનાવશે. આ કંપનીઓને ત્રણ સૈન્ય અને અર્ધલશ્કરી દળોમાંથી 65 હજાર કરોડના ઓર્ડર મળ્યા છે.આ કંપનીઓ દારૂગોળો અને વિસ્ફોટકો, વાહનો, હથિયારો અને સાધનો, લશ્કરી સુવિધાની વસ્તુઓ, ઓપ્ટો-ઇલેક્ટ્રોનિક્સ ગિયર, પેરાશૂટ અને સહાયક ઉત્પાદનોનું ઉત્પાદન કરશે. આ કંપનીઓના હથિયારોના નિર્માણથી ભારતીય સેના મજબૂત બનશે.
આ સાત નવી સંરક્ષણ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ, ટ્રૂપ કમ્ફર્ટ્સ લિમિટેડ, ઇન્ડિયા ઓપ્ટેલ લિમિટેડ, મ્યુનિશન ઇન્ડિયા લિમિટેડ, અવની આર્મર્ડ વ્હીકલ્સ, ગ્લાઈડર્સ ઈન્ડિયા લિમિટેડ, યંત્ર ઈન્ડિયા લિમિટેડ નો સમાવેશ થાય છે. સરકાર અપેક્ષા રાખે છે કે આ સાત નવી સંસ્થાઓ સારી રીતે વ્યવસાયિક ક્ષમતાના ઉપયોગના માધ્યમથી સ્થાનિક બજારમાં તેનો હિસ્સો વધારશે અને નિકાસની નવી તકોનો પણ લાભ લેશે.
સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોથી કંપની ટ્રૂપ કમ્ફર્ટ્સ લિમિટેડ સૈનિકોના ઉપયોગ માટેની સામગ્રી બનાવશે. હકીકતમાં, આજે પણ, સૈનિકોના કપડાં અને જૂતાથી લઈને તમામ સામગ્રી વિદેશથી આયાત કરવામાં આવે છે, પરંતુ હવે નવી કંપની તે બધાનું ઉત્પાદન દેશમાં કરશે.