પાકના ‘નાપાક’ દમનનો ભોગ બનેલા દરેક બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાનો અમિત શાહનો સ્પષ્ટ નિર્દેશ
દિલ્હીમાં આવેલી જવાહરલાલ નહે યુનિવર્સિટીમાં કેમ્પસમાં સમયાંતરે ભારત વિરોધી સુત્રોચ્ચાર અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ થતી રહે છે. તાજેતરમાં નાગરિકતા સંશોધન કાયદા મુદે જામીયા મલીયા ઈસ્લામીયા યુનિવર્સિટી ઉપરાંત દેશભરની લઘુમતી શૈક્ષણીક સંસ્થાઓમાં વિરોધ પ્રદર્શનો દરમ્યાન ભારત વિરોધી સુત્રોચ્ચાર થયા હતા ભારત વિરોધી સુત્રોચ્ચાર અને પ્રવૃત્તિ કરતા તત્વોને ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ ચેતવણી આપતા ગઈકાલે જણાવ્યું હતુ કે આવા તત્વોને ગમે તે હોય તેને જેલમાં ધકેલી દેવાશે અને આવી દેશવિરોધી પ્રવૃત્તિ કોઈપણ સંજોગોમાં સહન કરી ન શકાય.
ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદા(સીએએ) અંગે ફરી એક વખત કોંગ્રેસ ઉપર નિશાન તાક્યું છે. અમિત શાહે મધ્યપ્રદેશના જબલપુરમાં એક રેલી સંબોધિત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ કાન ખોલી સાંભળી લે, જેટલો વિરોધ કરવો હોય તેટલો કરે પણ તેઓ તમામ લોકોને નાગરિકતા આપીને જ રહેશે. ભારત ઉપર જેટલો અધિકાર આપણો છે તેટલો જ પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓનો છે તેમ અમિત શાહે ઉમેર્યું હતું. વધુમાં દેશ વિરોધી નારા લગાડતા લોકોની જગ્યા જેલમાં હોવાનું પણ ગૃહમંત્રીએ કહ્યું હતું.
આ રેલીમાં અમિત શાહે કહ્યુંં હતું કે, સીએએ અંગે ભાજપ જનજાગરણ અભિયાન ચાલે છે. કોંગ્રેસ,મમતા બેનરજી, કોમ્યુનિસ્ટ પાર્ટી તમામ એકઠા થઈને દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી ભાજપને અભિયાન ચલાવવાની ફરજ પડી છે. સીએએમાં નાગરિકતા લેવાની જોગવાઈ નથી. તેમાં નાગરિકતા આપવાની જોગવાઈ છે. અમિત શાહે ઉમેર્યું હતું કે કોંગ્રેસે દેશના ધર્મના આધારે ભાગલા પાડયા હતા. ભાગલા સમયે પૂર્વી અને પશ્ચિમી પાકિસ્તાનથી હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી ભારત આવવા ઈચ્છતા હતા પણ સમય અને સ્થિતિના કારણે સફળ થયા નહોતા. ત્યારે દેશના તમામ ભારતીયોએ આશ્વાસન આપ્યું હતું કે તેઓ ગમે ત્યારે ભારત આવશે તેમનું સ્વાગત કરવામાં આવશે. જેએનયુમાં દેશ વિરોધી નારા લગાડવામાં આવતા હોવાનો દાવો કરીને અમિત શાહે કહ્યું હતું કે અમુક છાત્રોએ નારા લગાડયા હતા’ કે ભારત તેરે ટુકડે હોંગે હઝાર, ઈન્સાઅલ્લાહ, ઈન્સાઅલ્લાહ શું આવા શખસો જેલમાં ન જવા જોઈએ ? આ સાથે એમ પણ કહ્યું હતું કે, દેશવિરોધી નારા લગાડતા લોકોની જગ્યા જેલમાં છે