ભારત નેટ મારફત ૧.૩ લાખ ગ્રામ પંચાયતોને જોડાઈ : લક્ષ્ય ૨.૫૦ લાખનો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડિજિટલ ઈન્ડિયાને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તેને લઈ આગામી દિવસોમાં દેશનાં સમગ્ર ગામડાઓને વાઈ-ફાઈથી જોડી દેવામાં આવશે. આ તકે ટેલીકોમ અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, ભારત નેટ ઓપ્ટીક ફાયબર દ્વારા હાલ ૧.૩ લાખ ગ્રામ પંચાયતોને જોડી દેવામાં આવ્યું છે જે લક્ષ્યાંક અઢી લાખનો રાખવામાં આવ્યો છે. ભારત નેટ સર્વિસને પ્રોત્સાહન આપવા માટે દેશનાં તમામ ગામડાઓમાં ફ્રિ વાઈ-ફાઈ આપવાનો નિર્ધાર આગામી ૨૦૨૦ સુધીમાં કરવામાં આવ્યો છે. હરિયાણાનાં રેવારી ગામને ડિજિટલ વિલેજ તરીકે લોકાર્પણ કરતા આઈ.ટી.મંત્રી રવિશંકર પ્રસાદે આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
રવિશંકરપ્રસાદનાં જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દેશનાં ૧૫ ટકા ગામડાઓને ડિજિટલાઈઝ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ડિજિટલ ગામડાઓ બનતાની સાથે જ આ તમામ ગામડાઓ દેશની અર્થવ્યવસ્થામાં મદદપ થશે તેવું પણ જણાવ્યું હતું. ડિજિટલ વિલેજ બનતાની સાથે જ સ્થાનિક સ્તર પર પણ અને ગ્રામ્ય લોકોને સારું શિક્ષણ, સારું સ્વાસ્થ્ય અને ડિજિટલ માધ્યમ મારફતે નાણાકીય સુવિધાઓ પણ મળતી રહેશે. ડિજિટલ વિલેજ બનતાની સાથે જ જે કોઈ જાગૃત નાગરિકોને ભણતર પણ ડિજિટલ આપવામાં આવશે. ડિજિટલાઈઝેશન થતાની સાથે જ ગામડાઓનો યુવા વર્ગ અને પાઠશાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમની કલા કૌશલ્યને પ્રાધાન્ય આપી અનેક શૈક્ષણિક કોર્સ ઓનલાઈન તેનો અભ્યાસ કરી શકશે. ગામડાઓ ડિજિટલ થતાની સાથે જ લોકોનાં સ્વાસ્થ્યમાં પણ અનેકગણો સુધારો જોવા મળશે. કારણકે ઓનલાઈન દવાઓ મળતાની સાથે જે લોકોનાં સ્વાસ્થ્ય બગડતા હતા તે હવે નહીં બગડે અને લોકો સારું સ્વાસ્થ્ય સાથે જીવી પણ શકશે.
ટેલીમેડિસીન મારફતે ગામડાનાં લોકો એલોપેથી, હોમિયોપેથી અને આયુર્વેદિક સિસ્ટમોને વિકસાવી શકશે અને તેનો લાભ પણ મેળવી શકશે. મોદી સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ યોજનાઓને અમલી બનાવવામાં આવી છે જેનાથી દેશનાં અનેકવિધ લોકોને ઘણો ખરો ફાયદો પણ પહોંચ્યો છે. લોકોની જીવનશૈલીમાં પણ ઘણો ખરો સુધારો જોવા મળ્યો છે ત્યારે આગામી દિવસોમાં જે રીતે દેશમાં કેશલેશ ઈકોનોમી તરફ સરકાર જયારે પગલાઓ લઈ રહી છે ત્યારે બીજી તરફ જે રીતે દેશનાં ગામડાઓને સંપૂર્ણપણે ડિજિટલાઈઝ કરવાનો જે નિર્ધાર કર્યો છે તેનાથી ઘણી ખરી સુવિધાઓ અને લોકોને ઘણો ખરો લાભ પહોંચશે તેમાં સહેજ પણ મીનમેક નથી.