- ભારતીય અર્થવ્યવસ્થા અન્ય મોટા દેશોની તુલનામાં સૌથી ઝડપી ગતિએ વિકાસના માર્ગે, સરકાર હજુ સુધારા લાવવા પ્રયત્નશીલ: નિર્મલા સીતારમન
કોરોનાકાળ બાદ વિશ્વ આખું અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. ભારત પણ આમાંથી બાકાત નથી. ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. માટે ભારતે ઘણા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. જો કે, આ ધ્યેય હાંસલ કરવા માટે ઘણી બધી વસ્તુઓને ફરીથી આકાર આપવી પડશે. આમાં ડિજિટલાઈઝેશન, એજ્યુકેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ સૌથી મહત્વપૂર્ણ પાસા છે. એટલે કે તેમના પરફોર્મન્સના આધારે આપણું વિકસિત દેશ બનવાનું સપનું પૂરું થશે.
ઈલારા કેપિટલ ઈવેન્ટમાં બોલતા, સીતારમણે કહ્યું કે વિવિધ વૈશ્વિક પડકારો હોવા છતાં, ભારતીય અર્થવ્યવસ્થા અન્ય મોટી અર્થવ્યવસ્થાઓની તુલનામાં સૌથી ઝડપી ગતિએ વિકાસના માર્ગે છે. આ માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. આગામી 25 વર્ષ સુધીના સુધારા અને વિકાસના પ્રશ્ન પર તેમણે કહ્યું કે ભારત જ્યારે આઝાદીની પ્રથમ સદીની ઉજવણી કરશે ત્યાં સુધીમાં આપણે ઘણી બધી બાબતોને ઠીક કરવી
પડશે જેથી કરીને આપણે ત્યાં સુધીમાં વિકસિત દેશ બની શકીશું. દેશના અંતરિયાળ વિસ્તારો શહેરોથી અલગ ન રહે તે માટે સરકાર ડિજિટલાઈઝેશન, શિક્ષણ અને વધુને વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરી રહી છે.
સરકાર બેન્કિંગ સેક્ટરમાં સુધારા માટે સંપૂર્ણ રીતે પ્રતિબધ્ધ
નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર બેન્કિંગ સેક્ટરમાં સુધારા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે સરકારે 2021-22ના બજેટમાં 2 જાહેર ક્ષેત્રની બેંકો અને એક વીમા કંપનીનું ખાનગીકરણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેન્દ્રીય બેંક સાથે મળીને આગામી 25 વર્ષમાં આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનું સરકારનું લક્ષ્ય છે. લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના લિસ્ટિંગનો ઉલ્લેખ કરતાં નાણામંત્રીએ કહ્યું કે એલઆઇસીમાં વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે, અમે બેંકિંગ ક્ષેત્રમાં સુધારાઓ લાગુ કરવા આગળ વધીશું. આ માટે કેબિનેટની મંજૂરી મળી ગઈ છે અને તેનો ઉલ્લેખ બજેટમાં પણ કરવામાં આવ્યો છે.
ટેક્સ બેઝને વિસ્તારવા અંગે યોગ્ય નિર્ણય લેવાશે
ટેક્સ-જીડીપી રેશિયો વધારવાની સરકારની યોજનાના પ્રશ્ન પર નાણાપ્રધાને કહ્યું કે ટેક્સ બેઝ વધારવો એ એક મુદ્દો છે જેના માટે ઘણી પરામર્શ અને વિશ્લેષણની જરૂર છે. પરંતુ, અમે ખાતરી કરવા માંગીએ છીએ કે આ વધુ યોગ્ય રીતે અને ટેક્નોલોજીની મદદથી થશે. અત્યારે દેશમાં ટેક્સ-જીડીપી રેશિયો લગભગ 10 ટકા છે. તેમણે કહ્યું કે આવકવેરા ફાઇલિંગની વધતી સંખ્યાને કારણે ટેક્સ બેઝના મામલે થોડી પ્રગતિ થવાની આશા છે.
છેલ્લા છ માસમાં ચાની નિકાસ વધીને 9.68 કરોડ કિલોએ પહોંચી
છેલ્લા 6 માસ દરમિયાન, ચાની નિકાસ વધીને 9.68 કરોડ કિગ્રા થઈ છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 8.46 કરોડ કિલોગ્રામ હતી. ટી બોર્ડના ડેટા અનુસાર, પરંપરાગત રીતે કોમનવેલ્થ ઓફ ઈન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ બ્લોક સૌથી મોટો આયાતકાર છે. સીઆઈએસમાં નિકાસ અગાઉના વર્ષના સમાન સમયગાળામાં 2.1 કરોડ કિગ્રાની સરખામણીએ પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં નજીવી ઘટીને 2.05 કરોડ કિગ્રા થઈ હતી. ઈન્ડિયન ટી એસોસિએશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષને કારણે આ ઘટાડો આવ્યો છે, જેના કારણે નિકાસ ક્ધસાઈનમેન્ટ પર અસર પડી છે. રશિયા સીઆઈએસ બ્લોકમાં મુખ્ય આયાતકાર છે, જ્યાં તેણે ગયા વર્ષે 1.58 કરોડ કિલોગ્રામ ચાની નિકાસ કરતા 1.47 કરોડ કિલોગ્રામ ચાની નિકાસ કરી હતી. સીઆઈએસ પછી, સંયુક્ત આરબ અમીરાતએ ચાલુ પ્રથમ છ મહિનામાં
1.58 કરોડ કિલો ચાની આયાત કરી હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 67 લાખ કિલો હતી.
ઈરાનમાં નિકાસ પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 1.14 કરોડ કિલોગ્રામ પર પહોંચી હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 1 કરોડ કિલોગ્રામ હતી.
શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે નિકાસકારો પણ બજારને ટેપ કરી શક્યા ન હતા અને વર્તમાન સમયગાળા દરમિયાન તેમની નિકાસ માત્ર 13.5 લાખ કિગ્રા રહી હતી.
રૂપિયાના સંદર્ભમાં નિકાસનું કુલ મૂલ્ય પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વધીને રૂ. 2,532.67 કરોડ થયું હતું જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 2,306.77 કરોડ હતું.
બોર્ડના જણાવ્યા અનુસાર જુલાઈ, 2022 દરમિયાન અંદાજિત ઉત્પાદન 15.25 કરોડ કિલોગ્રામ હતું, જે 2021ના સમાન મહિનામાં 18.45 કરોડ કિલોગ્રામ હતું.
ભારતની અર્થવ્યવસ્થા 30 વર્ષમાં 30 ટ્રીલીયન ડોલરે પહોંચશે: પિયુષ ગોયલ
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલસની 6 દિવસની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે કહ્યું કે કોરોના મહામારી દરમિયાન પણ ભારતની આર્થિક સ્થિતિ એવી જ રહી અને ભારત વિશ્વના વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી આવ્યું અને હવે આગામી 30 વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 30 ટ્રીલિયન ડોલરે પહોંચશે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાના એક કાર્યક્રમમાં બોલતા પીયૂષ ગોયલે કહ્યું કે આજે ભારતમાં જે પ્રકારના માળખાકીય સુધારા થયા છે, તે વૈશ્વિક ખલેલ વચ્ચે સ્થિરતા પ્રદાન કરે છે. ગોયલે કહ્યું કે, ભારતની મજબૂત પકડ છે. મુખ્ય અર્થતંત્રોની સરખામણીમાં ભારતમાં વૃદ્ધિ સૌથી વધુ છે. વિશ્વના અન્ય ભાગોમાં ખાસ કરીને વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં ફુગાવો પ્રમાણમાં ઓછો છે.
વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટને વેગ આપવાની જરૂર
પીયૂષ ગોયલે આઇસીએઆઈને તેના ગ્રાહકો માટે રોકાણની જબરદસ્ત તકો રજૂ કરવા અને બ્રાન્ડ ઈન્ડિયાના એમ્બેસેડર બનવા અપીલ કરી હતી. પિયુષ ગોયલે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટનો સંદેશ ફેલાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, હું અપીલ કરીશ કે કોઈને પણ ગિફ્ટ આપવા માટે ’મેડ ઈન ઈન્ડિયા’ સામાન પસંદ કરો.
વિશ્ર્વભરના રોકાણકારો ભારત તરફ આકર્ષાયા
ગોયલે કહ્યું કે, સ્થિર વાતાવરણને કારણે ભારત વિશ્વના સૌથી આકર્ષક રોકાણ સ્થળોમાંનું એક બની ગયું છે. વિશ્વના નેતાઓ અને વિકસિત દેશો ભારત સાથે તેમના જોડાણને વિસ્તારવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. ભારતમાં રોકાણ સાથે વેપારને વિસ્તારવા માટે દ્વિપક્ષીય કરારો માટે આ ખૂબ જ ખાસ છે.
ભારતમાં મોંઘવારી વિશ્ર્વની સરખામણીએ ઓછી
પીયૂષ ગોયલે કહ્યું કે, કોરોના અને બાદમાં યુક્રેન રશિયા યુદ્ધને કારણે વિશ્વભરમાં મોંઘવારી વધી છે. વિકસિત દેશોમાં પણ તે 10-11% છે. તે જ સમયે, ભારતમાં તે હજુ પણ 6 -7% છે. ગોયલે કહ્યું કે, ભારતમાં સમય બદલતા આર્થિક સુધારા કરવામાં આવ્યા છે. આર્થિક પ્રવૃતિઓની સીમાઓ વિસ્તારવા માટે નવો ઉત્સાહ છે.
પેટ્રોલિયમ ઉત્પાદનો અને ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ કંપનીઓને વિશ્ર્વાસમાં લીધા બાદ લાધ્યો
નાણામંત્રીએ કહ્યું કે પેટ્રોલિયમ ઉત્પાદનો અને ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ અચાનક લાદવામાં આવ્યો નથી. ઈન્ડસ્ટ્રી સાથે નિયમિત પરામર્શ કર્યા પછી જ તેને વસૂલવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે વિન્ડફોલ ટેક્સને અચાનક વસૂલાત કહેવું યોગ્ય નથી કારણ કે તે ઉદ્યોગ સાથે ચર્ચા કર્યા પછી જ નક્કી કરવામાં આવે છે. ઈન્ડસ્ટ્રીને સંપૂર્ણ વિશ્વાસમાં લીધા બાદ જ આ વિચાર અમલમાં મુકાયો હતો. તેમણે કહ્યું કે જ્યારે અમે આનું સૂચન કર્યું ત્યારે અમે ઉદ્યોગને કહ્યું કે આ ટેક્સ દરની દર 15 દિવસે સમીક્ષા કરવામાં આવશે અને અમે તેમ કરી રહ્યા છીએ.
સેવા ક્ષેત્રમાં તેજીના કારણે મોટા પ્રમાણમાં રોજગાર સર્જન થયું
દેશના સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં સતત સુધારો થઈ રહ્યો છે. નવા બિઝનેસમાં મજબૂત લાભ, સુધારેલી માંગ અને રોજગાર સર્જનને કારણે એસએન્ડપી ગ્લોબલ ઇન્ડિયાનો સર્વિસ બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ ઓગસ્ટમાં વધીને 57.2 પર પહોંચ્યો હતો. તે જુલાઈમાં 55.5ની ચાર મહિનાની નીચી સપાટીએ હતો. આ સમય દરમિયાન, 14 વર્ષમાં સૌથી વધુ નોકરીઓ મળી છે.
એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સ અનુસાર, ઑગસ્ટમાં સતત 13મા મહિને સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિમાં સુધારો થયો છે. 50 થી ઉપરનો પરચેઝ મેનેજમેન્ટ ઇન્ડેક્સ પ્રવૃત્તિમાં વિસ્તરણ સૂચવે છે અને તેની નીચેનો આંકડો સંકોચન સૂચવે છે. સર્વે અનુસાર સર્વિસ સેક્ટરમાં કાર્યરત કંપનીઓ આગામી 12 મહિનામાં ઉત્પાદનમાં વધારો કરે તેવી ધારણા છે. સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના પ્રદર્શનને કારણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં અર્થતંત્ર એક વર્ષમાં સૌથી ઝડપી ગતિએ વધ્યું હતું. હવે આગામી મહિનાઓમાં ફુગાવામાં થોડી રાહત મળવાની આશા છે.