8માં ક્રમ સુધી ભારતની મજબૂત બેટિંગ લાઈનઅપ : કાંગારું પણ આપશે ટક્કર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ધ ઓવલ ખાતે આવતીકાલથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાશે. આ અંગે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એરોન ફિંચનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયન ટીમે વિજય નોંધાવવો હશે તો તેણે ઈનફોર્મ બેટર વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાથી સાવધ રહેવું પડશે. બીજી તરફ તેણે ભારતીય ટીમે પણ ઓસ્ટ્રેલિયાના બે સ્ટાર સ્ટિવ સ્મિથ અને માર્નસ લાબુશેનને સસ્તામાં આઉટ કરવા પડશે તેમ જણાવ્યું હતું. ચેતેશ્વર પૂજારા છેલ્લા કેટલાક સમયથી ઈંગ્લેન્ડમાં છે અને તે ઈંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સસેક્સ માટે રમી રહ્યો છે. જેના કારણે તે હાલમાં ઈંગ્લેન્ડના વાતાવરમાં સૌથી વધારે સેટ ખેલાડી છે અને તે ફોર્મમાં પણ છે. એપ્રિલથી પૂજારાએ સસેક્સ માટે આઠ ઈનિંગ્સ રમી છે .
બીજી તરફ વિરાટ કોહલી પણ શાનદાર ફોર્મમાં છે. આઈપીએલ દરમિયાન પણ તેણે પોતાનું ફોર્મ જાળવી રાખ્યું હતું. આઈપીએલ-2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમતા ભારતના રન મશિને બે સદી અને છ અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા સામે કોહલીનું પ્રદર્શન ધમાકેદાર છે. તેણે અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા સામે 24 ટેસ્ટમાં આઠ સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. ત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અનેકવિધ ભારતીય ખેલાડીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવ્યો છે ત્યારે આવતીકાલથી શરૂ થતી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત ત્રણ ફાસ્ટ બોલર અને બે સ્પિન બોલર સાથે મેદાનમાં ઉતરશે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે.
ભારતીય બેટિંગ લાઇન અપની જો વાત કરીએ તો ઓપનિંગ બેટ્સમેન તરીકે શુભમન ગિલ અને રોહિત શર્મા ઉતરશે અને બંને ખેલાડીઓ તેના ખૂબ સારા ફોર્મમાં છે. ત્યારે વનડાઉન તરીકે ચેતેશ્વર પુજારા બાદ વિરાટ કોહલી ઉતરશે. ઓસ્ટ્રેલિયા માટે ચિંતાના વાદળો એ રીતે ઘેરાય છે કે અજિંક્ય રહાણે પણ આઇપીએલમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયા તરફથી તે સ્મીથ અને મારનસ લબુશેન પોતાના ધુઆધાર ફોર્મમાં હોવાથી ભારત માટે તે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે ત્યારે ભારતની પેસ અને સ્પીન બેટરીએ ઝડપથી જ આ બંને ખેલાડીઓને પવેલીયન પરત કરવા પડશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના કેમરૂન ગ્રીન ડેવિડ વોર્નર દ્વારા પણ આક્રમક રમત રમવામાં આવી હતી ત્યારે આ બેટમેનો પણ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય સાબિત થઈ શકે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 106 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાંથી 32 મેચમાં ભારતનો વિજય થયો છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 44 મેચ જીતી છે. 29 મેચ ડ્રો રહી છે અને એક મેચ ટાઈ રહી છે. છેલ્લી બે ટેસ્ટ સીરિઝ (બોર્ડર-ગાવસ્કર ટ્રોફી)માં ઓસ્ટ્રેલિયન ધરતી પર ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું હતું. ભારતે ઓસ્ટ્રેલિયન ધરતી પર રમાયેલી તે બંને ટેસ્ટ સીરિઝ જીતી હતી. તેથી એરોન ફિંચનું કહેવું છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ઘણી જ રોમાંચક રહેશે.
ભારતીય ટીમના મોટા ભાગના ખેલાડીઓ હાલમાં જ સમાપ્ત થયેલી આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમ્યા હતા. તેથી હવે તેમને ટેસ્ટ ફોર્મેટમાં અનુકૂળ થવાનું છે. રોહિત શર્મા બે ફોર્મેટ વચ્ચેના ટ્રાન્ઝિસનમાંથી પસાર થવાનો અનુભવ ધરાવે છે. આ માટે તેણે એડેપ્ટેબિલિટી, માનસિક તાકાત અને સેલ્ફ-રિફ્લેક્શન પર ભાર મૂક્યો હતો. તેણે કહ્યું હતું કે, એક ફોર્મેટમાંથી બીજા ફોર્મેટમાં રમવું પડકારજનક બાબત છે.
ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટર હેઝલવૂડ ઈજાના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચ ગુમાવશે
ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડ ઈજાના કારણે ભારત સામે ૭મી જુનથી શરૃ થઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી બહાર થઈ ગયો હતો. હેઝલવૂડને આઇપીએલ દરમિયાન ઈજા થઈ હતી અને તે ૭મી જુને રમાનારી ફાઈનલ પહેલા ફિટ થઈ જશે તેમ મનાતું હતુ. જોકે તેની હાલતમાં ખાસ ફરક પડયો નથી અને આ જ કારણે ઓસ્ટ્રેલિયાએ હેઝલવૂડના સ્થાને માઈકલ નેસેરને ટીમમાં સમાવી લીધો છે.
ઓવેલના ટર્નિંગ ટ્રેકને ધ્યાને લઇ ટોસ અત્યંત મહત્વપૂર્ણ
ઓવલ ખાતે પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 343 રન છે, જે બીજી ઈનિંગમાં ઘટીને 304 થઈ જાય છે, એ એ સૂચવે છે કે દિવસ વિતતા વિકેટ માં પણ બદલાવ આવશે અને ટર્નિંગ ટ્રેક સાબિત થશે ત્યારે રોહિત શર્મા અને પેટ કમિન્સ એમ બંને સુકાની ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. અને સર્વાધિક રન બનાવી વિપક્ષે તેમને પ્રેશરમાં રાખી શકે છે.