-
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ પલ્લેકલેમાં રમાઈ હતી.
-
ભારતીય ટીમે 7 વિકેટે જીત મેળવીને શ્રેણી 2-0થી કબજે કરી.
-
ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20 મેચમાં શ્રીલંકાને 43 રને હરાવ્યું હતું.
ભારત vs શ્રીલંકા બીજી T20 મેચ: સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમે શ્રીલંકા પ્રવાસ પર ધમાલ મચાવી છે. રવિવારે (28 જુલાઈ) બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝની બીજી મેચ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 7 વિકેટે જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20 મેચમાં શ્રીલંકાને 43 રને હરાવ્યું હતું. હવે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 30 જુલાઈએ રમાશે.
પલ્લેકેલેમાં રમાયેલી બીજી મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે 3 બોલમાં 6 રન બનાવ્યા હતા, ત્યારબાદ વરસાદ આવતા ડકવર્થ લુઈસ નિયમના કારણે ભારતનો ટાર્ગેટ 8 ઓવરમાં 78 રનનો થઈ ગયો હતો. આ પછી ભારતીય ટીમે માત્ર 6.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી મેચ જીતી લીધી હતી.
ભારતીય ટીમ માટે ઓપનર યશસ્વી જયસ્વાલે 15 બોલમાં 30 રન બનાવ્યા હતા. આ દરમિયાન 2 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. જ્યારે સૂર્યકુમાર યાદવે 12 બોલમાં 26 રન અને હાર્દિક પંડ્યાએ 9 બોલમાં 22 રન બનાવ્યા હતા. આ સીરીઝમાં પ્રથમ મેચ રમી રહેલા સંજુ સેમસન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. શ્રીલંકા તરફથી મહિષ થીક્ષાના, મથિશા પાથિરાના અને વાનિન્દુ હસરાંગાએ 1-1 વિકેટ લીધી હતી.
ભારતીય ટીમ સ્કોરકાર્ડ: (81/3, 6.3 ઓવર)
બેટ્સમેન | બોલર | રન | વિકેટ | |
સંજુ સેમસન | ક્લીન બોલ્ડ | મહેશ થીક્ષાના | 0 | 1-12 |
સૂર્યકુમાર યાદવ | કેચ- દાસુન શનાકા | મતિષા પથિરાના | 26 | 2-51 |
યશસ્વી જયસ્વાલ | કેચ- દાસુન શનાકા | વાનિન્દુ હસરંગા | 30 | 3-65 |
બિશ્નોઈ અને પંડ્યાની બોલિંગને કારણે શ્રીલંકા પડી ભાંગી…
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 9 વિકેટ ગુમાવી 161 રન બનાવ્યા હતા. ટીમ માટે કુસલ પરેરાએ 34 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી. જ્યારે પથુમ નિસાન્કાએ 32 રન અને મિન્દુ મેન્ડિસે 26 રન બનાવ્યા હતા. તેમજ 15 ઓવરમાં 130 રનમાં 2 વિકેટ હતી, ત્યારે શ્રીલંકાની ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું હતું.
પરંતુ ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એક જ ઓવરમાં કામિન્દુ અને પરેરાને આઉટ કરી ટીમમાં વાપસી કરી હતી. આ પછી બીજી જ ઓવરમાં સ્પિનર રવિ બિશ્નોઈએ દાસુન શનાકા અને વાનિન્દુ હસરાંગાને શૂન્ય પર આઉટ કરીને શ્રીલંકાને બેકફૂટ પર ધકેલી દીધું હતું. ઓવરઓલ બિશ્નોઈએ 3 વિકેટ લીધી હતી. જ્યારે પંડ્યા, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહને 2-2 સફળતા મળી હતી.
શ્રીલંકા ટીમ સ્કોરકાર્ડ: (161/9, 20 ઓવર)
બેટ્સમેન | બોલર | રન | વિકેટ | |
કુસલ મેન્ડિસ | કેચ- રવિ બિશ્નોઈ | અર્શદીપ સિંહ | 10 | 1-26 |
પથુમ નિસાંકા | LBW આઉટ | રવિ બિશ્નોઈ | 32 | 2-80 |
કામિન્દુ મેન્ડિસ | કેચ- રિંકુ સિંહ | હાર્દિક પંડ્યા | 26 | 3-130 |
કુસલ પરેરા | કેચ- રિંકુ સિંહ | હાર્દિક પંડ્યા | 53 | 4-139 |
દાસુન શનાકા | બોલ્ડ | રવિ બિશ્નોઈ | 0 | 5-140 |
વનિંદુ હસરંગા | ક્લીન બોલ્ડ | રવિ બિશ્નોઈ | 0 | 6-140 |
ચરિથ અસલંકા | કેચ- સંજુ સેમસન | અર્શદીપ સિંહ | 14 | 7-151 |
મહેશ થીક્ષાના | ક્લીન બોલ્ડ | અક્ષર પટેલ | 2 | 8-154 |
રમેશ મેન્ડિસ | સ્ટમ્પિંગ- ઋષભ પંત | અક્ષર પટેલ | 12 | 9-161 |
શુભમન ગિલ આઉટ થતાં, સંજુને તક મળી
સૂર્યાએ આ મેચ માટે પ્લેઇંગ-11માં ફેરફાર કર્યો હતો. વાઇસ કેપ્ટન અને ઓપનર શુભમન ગિલને ઘાયલ છે. તેને પીઠના દુખાવાની ફરિયાદ છે તેમ કહી બહાર કર્યા હતા. ત્યારે ગીલની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને તક મળી હતી. શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ પણ એક ફેરફાર કર્યો હતો. દિલશાન મધુશંકાની જગ્યાએ રમેશ મેન્ડિસને એન્ટ્રી આપવામાં આવી હતી.
શ્રીલંકા સામે ભારતનું પલડું ભારી
એકબીજા સામેના રેકોર્ડમાં ભારતીય ટીમનો દબદબો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી 31 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 21 મેચ જીતી છે જ્યારે શ્રીલંકાએ 9 મેચ જીતી છે. તેમજ તેમાંની એક મેચ અનિર્ણિત રહી હતી.