ઇંગ્લેન્ડ ટુરમાં પૃથ્વી શો અને સૂર્યકુમારને અપાઈ તક: બીસીસીઆઈનો મહત્વપૂર્ણ નિર્ણય
ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની ટેસ્ટ સીરીઝ માટે જાહેર કરાયેલી સ્ક્વોડના અનેક ખેલાડીઓ જ્યારે ઇજાગ્રસ્ત થઇ રહ્યા છે ત્યારે ભારતીય ટીમ માટે એક સારા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ ફરીવાર ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. રહાણેએ ફિલ્ડિંગ અને ફિઝિકલ ટ્રેનિંગ સાથે ડરહમ કાઉન્ટી રિવરસાઇડ ગ્રાઉન્ડમાં બેટિંગનો પણ અભ્યાસ કર્યાનું સામે આવ્યું છે. ત્યારે ૪ ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ સીરીઝના પ્રથમ ટેસ્ટમાં અજિંક્ય રહાણે મેદાનમાં ઉતરતા નજરે પડે તેવી પ્રબળ શક્યતાઓ છે.
અગાઉ ઈજાગ્રસ્ત થયેલા અજિંક્ય રહાણે કાઉન્ટી ઈલેવન વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં નજરે પડ્યા નહોતા. પરંતુ ૪ ઓગસ્ટથી નોટીંઘમ માં શરૂ થઇ રહેલી ટેસ્ટ સીરીઝ માટે રહાણેએ ફરીવાર અભ્યાસ શરૂ કરી દીધો છે. તેવી માહિતી સામે આવી છે કે, રહાણેએ હાલ બેટિંગ, ફિલ્ડિંગ અને ફિઝિકલ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.
રહાણે સેલેક્ટ કાઉન્ટી ઇલેવન વિરૂદ્ધ ફર્સ્ટ કલાસ મેચ પણ રમ્યો ન હતો કારણ કે, તેના ડાબા પગમાં ઇજા થઇ હતી પરંતુ હાલ રહાણે નેટ પ્રેક્ટિસમાં નજરે પડતા ટીમે રાહતનો શ્વાસ લીધો છે.
રહાણેએ ગત મહિનામાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલ મેચની બંને ઇનિંગમાં અનુક્રમે ૪૯ અને ૧૫ રન બનાવ્યા હતા. આ વર્ષે ઇંગ્લેન્ડ વિરુદ્ધની ડોમેસ્ટિક ટેસ્ટ સીરીઝમાં પણ રહાણેનું બેટ જાણે ખામોશ રહ્યું હતું. ચાર ટેસ્ટ સીરીઝમાં રહાણે ફક્ત એક જ અર્ધશતક ફટકારી શક્યો હતો.
જ્યાં શુભમન ગિલ, આવેશ ખાન અને ઓલરાઉન્ડર વોશિંગટન સુંદર પણ ઇજાગ્રસ્ત થતા બીસીસીઆઈ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ શ્રીલંકા ટુરમાં રહેલા સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શોને ઈંગેલન્ડ સિરીઝમાં તક આપવામાં આવી છે. શ્રીલંકા ટુર કરીને બંને ખેલાડીઓ સીધા ઇંગ્લેન્ડ પહોંચશે. જેમાં સૂર્યકુમારને રહાણેના વિકલ્પ તરીકે મિડલ ઓર્ડરમાં રમાડવા માટે તેંડુ મોકલવામાં આવ્યું છે જો કે, સારા સમાચાર એ છે કે, રહાણે ટેસ્ટ માટે ફિટ થયાનું જાણવા મળી રહ્યું છે જેથી કદાચ સૂર્યકુમારને ગ્રાઉડની બહાર જ બેસાડવામાં આવે તેવી સંભાવના છે.
જ્યારે પૃથ્વી શોને શુભમન ગિલની જગ્યાએ રમાડવામાં આવે તેવી શકયતા છે. હાલ પૃથ્વી શો શ્રીલંકા વિરુદ્ધ ઓપનિંગ કરી રહ્યા છે ત્યારે શોને ઇંગ્લેન્ડ વિરુદ્ધ પણ ઓપનિંગમાં તક આપવામાં આવે તેવું લાગી રહ્યું છે. જો કે, આ બંને ખેલાડીઓ સમયસર ઇંગ્લેન્ડ પહોંચી શકે તેવું લાગતું નથી.
હાલ બંને ખેલાડીઓ શ્રીલંકા ટુરમાં છે. શ્રીલંકા વિરુદ્ધ રમાઈ રહેલી સિરીઝનો છેલ્લો મેચ ૨૯મી જુલાઈના રોજ યોજાનાર છે. ત્યારે ૨૯મીએ મેચ પૂર્ણ કર્યા બાદ સીધા જ બંને ખેલાડીઓ ઇંગ્લેન્ડ રવાના થાય તો પણ ક્વોરન્ટીન પિરિયડ અનુસાર તેઓ પ્રથમ ટેસ્ટ મેચ કે જે ૪ ઓગસ્ટથી શરૂ થનાર છે તેમાં રમી શકે નહીં.