કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં બનશે દેશનું પ્રથમ ટોય કલસ્ટર; ૧ લાખ લોકોને મળશે રોજગારી
આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ચીની માલસામાનનો બહિષ્કાર કરી ચીજ વસ્તુઓનાં ઉત્પાદન અને વેચાણ અર્થે વધુ ભાર મૂકાઈ રહ્યો છે. આ ઝુંબેશ અંતર્ગત એક મહત્વના પરિબળ તરીકે રમકડા ઉદ્યોગ પણ છે.આશરે ૮૦ ટકા જેટલા રમકડા ચીનથી આયાત થાય છે. જેને અટકાવી ઘરેલુ માંગની સાથે સાથે વૈશ્ર્વિક બજારમાં પણ ભારત ટોય ઉત્પાદન માટેનું હબ બને તે માટે સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં ગુજરાત સરકારે પણ ઝંપલાવી ગુજરાતને રમકડાં ઉત્પાદન માટેનું હબ બનાવવા ગાંધીનગરમાં મેગા પાર્ક ઉભુ કરવાની યોજના ઘડી કાઢી છે. પરંતુ ગુજરાત કરતું કરે ત્યાં આમા કર્ણાટકે ઝડપ દાખવી ૪૦૦ એકરમાં ટોય પાર્ક વિકસાવવા રૂપીયા ૧૫૦૦ કરોડના મૂડી રોણની દરખાસ્ત કરી છે. કોપલ જિલ્લાનાં ભાનાપૂર ગામે દેશનું પ્રથમ ટોય કલ્સ્ટર ઉભુ થશે જેનાથી એક લાખ લોકોને રોજગારી મળશે. આ માટેના કામનો શિલાન્યાસ કરાયો છે. ભાનાપૂર ગામે આશરે ૪૦૦ એકર જમીનમાં કલ્સ્ટર ઉભુ થશે જેમાં ૧૫૦૦ કરોડના રોકાણ માટે છ જેટલી કંપનીઓ આગળ આવી છે. મુખ્યમંત્રી બી.એસ. યેદિપુરપ્પાએ જણાવ્યું કે, આ કલ્સ્ટરમાં રમકડાનાં ઉત્પાદન માટે અલગ અલગ ૧૦૦ જેટલા યુનિટો હશે રમકડા ક્ષેત્રે મહિલાઓનો મોટો ફાળો રહેલો છે. જેને વધુ પ્રાધાન્યતા આપી સ્ત્રી સશકિતકરણને પણ પ્રોત્સાહન મળશે. રોજગારીમાં મહિલાઓને પ્રાથમિકતા અપાશે. હાલ રમકડા બનાવી લઘુ ઉદ્યોગો થકી જે મહિલાઓ દરરોજ રૂા.૨૦૦ કમાય છે તે કલ્સ્ટર બનવાથી રૂ.૬૦૦ મેળવશે. મહિલાઓને સશકત બનાવવા તેમને રાત્રે પણ કામ કરવાની મંજૂરી પ્રદાન કરાઈ છે. કોપ્પલમાં નિર્માણ પામનાર આ ટોય કલ્સ્ટર મહિલા સશકિતકરણની દિશામાં એક મોટુ પગલુ સાબિત થશે. ટોય ક્ષેત્રે કર્ણાટક ભારતનું ત્રીજુ મોટુ બજાર છે.જેની કિંમત ૧૫.૯૦ કરોડ ડોલર છે અને દેશના ટોય માર્કેટમાં ૯.૧ ટકા હિસ્સેદારી છે.