ઈન્ટરપોલની ચીલીમાં ચાલી રહેલી બેઠકમાં ભારતની યજમાનીના પ્રસ્તાવને સભ્ય દેશોની બહુમતિની મંજૂરી
આંતરરાષ્ટ્રીય આરોપીઓને પકડી પાડવા સંંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ ઈન્ટરપોલની રચના કરી હતી. આવા ઈન્ટરપોલની વર્ષ ૨૦૨૨માં યોજાનારી ૯૧મી જનરલ એસેમ્બલીનું યજમાન બનવાનું ભારતને સન્માન મળ્યું છે. દેશના ૭૫માં આઝાદી પર્વના વર્ષે આ સન્માન મળતા આ આનંદનો ઉત્સાહ બેવડાય જવા પામનારો છે. ગત ઓગસ્ટ માસમાં ગૃહમંત્રી અમિત શાહે ઈન્ટરપોલના સેક્રેટરી જનરલ જુર્ગન સ્ટોક સાથેની બેઠકમાં વર્ષ ૨૦૨૨માં ભારતમાં જનરલ એસેમ્બલીનું આયોજન કરવા તૈયારી દર્શાવી હતી. જેને ગઈકાલે વિધિવત મંજૂરી મળી છે.
ચીલીના સાન્ટીગોમાં ચાલી રહેલી ઈન્ટરપોલની ૮૮મી એસેમ્બલીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા સીબીઆઈના ડિરેકટર રીષીકુમાર શુકલાએ વર્ષ ૨૦૨૨માં ઈન્ટરપોલની ૯૧મી જનરલ એસેમ્બલીની યજમાની કરવા ભારતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને બહુમતિ દેશોને મંજૂરી આપતા આ યજમાની ભારતને મળી હતી. ચીલીમાં ચાલી રહેલી એસેમ્બલી બેઠકમાં ભારતીય દળનું પ્રતિનિધિત્વ દિલ્હીના પોલીસ કમિશન અને મધ્યપ્રદેશના ડીજીપી પણ કરી રહ્યાં છે.
ઈન્ટરપોલે આંતરરાષ્ટ્રીય સ્તરની પોલીસ સંસ્થા છે. તેમાં ૧૯૪ સભ્ય દેશો છે અને છેલ્લા ૧૦૦ વર્ષથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુનાહીત પ્રવૃતિઓને ડામવા અને આરોપીઓને પકડવા સભ્ય દેશોને સહકાર આપી રહ્યું છે. ફ્રાન્સમાં મુખ્ય મક ધરાવતા ઈન્ટર પોલનું ભારત ૧૯૪૯માં સભ્ય બન્યું હતું. અત્યાર સુધીમાં ૧૯૯૭માં એકવાર ભારત ઈન્ટરપોલની જનરલ એસેમ્બલીની યજમાની કરી ચુકયું છે. ઈન્ટરપોલ પાસે ૧૭ ડેટાબેઝ સેન્ટરો આવેલા છે. જેમાં ૯૦ મિલિયન ગુન્હાહીત રેકોર્ડોને સંગ્રહ કરવામાં આવ્યા છે.