ડિજિટલમાં ‘વિશ્વગુરૂ’ બનવા ડેટા સેન્ટરો ધમધમશે
નેશનલ ડેટા વેરહાઉસ ઉભું કરવા કેન્દ્ર સરકાર દ્વારા ૫ વર્ષનો પ્રોજેકટ શરૂ કરાયો
આગામી જમાનો ડિજીટલાઈઝેશનનો છે અને ડિજીટલાઈઝેશનમાં પાયાનો પ્રશ્ન ડેટાનો રહ્યો છે. ડેટાના સંગ્રહની સાથે તેના મુલ્યાંકનથી જ વિશ્વગુરૂ બનવા ભારત સજ્જ થઈ શકે છે. દેશના કરોડો લોકોના ડેટાને બહાર જતા અટકાવવાની સાથો સાથ ઘર આંગણે જ ડેટા ઈકોનોમી ઉભી કરવાનો ધ્યેય સરકારનો છે. જેથી સરકારે નેશનલ ડેટા વેરહાઉસ બનાવવાનું નક્કી કર્યું છે. પાંચ વર્ષની આ યોજના માટે કામ શરૂ થઈ ચૂકયું છે.
ફેસબુક, ગુગલ કે બાઈટ ડાન્સ સહિતની કંપનીઓ ભારતીય ડેટાનો ગેરઉપયોગ કરતી હોવાના આક્ષેપો અનેક વખત ઉઠી ચૂકયા છે. ડેટાને દેશ બહાર ચાલ્યો જતો અટકાવવો જરૂરી છે જેથી દેશમાં જ ડેટા બેંક ઉભી થાય તેવા પ્રયાસો વડાપ્રધાન મોદીની આગેવાનીવાળી સરકારે શરૂ કર્યા હતા. જેના અનુસંધાને જ તાજેતરમાં મુંબઈ ખાતે વિશ્ર્વનું બીજા ક્રમનું ડેટા સેન્ટર શરૂ થયું હતું. ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. મોબાઈલ ઈન્ટરનેટ વપરાશના ઘણા સારા પાસાઓ છે. તેવી જ રીતે ઘણા નરસા પાસાઓ પર જોવા મળે છે. ડેટા ચોરીથી ચૂંટણી ઉપર પણ અસર પડી શકે તેવું તાજેતરમાં ફલીત થયું હતું. ડેટાના માધ્યમથી મતદારના માનસ પટલ ઉપર અસર થતી હોવાનું અમેરિકાની ચૂંટણી બાદ પ્રકાશમાં આવ્યું હતું. ત્યારે યુઝર્સનો ડેટા ભારતમાં જળવાઈ રહે તો ઈકોસોશિયો પોલીટીક્સમાં કોઈ અસર પાડી શકે નહીં. ફેસબુક કે ગુગલ દ્વારા લોકોના ડેટાથી જ થતો અબજોનો વેપલો અટકાવી શકાય. દર વર્ષે દેશમાંથી કરોડો રૂપિયાનું હુંડીયામણ બહાર ધકેલાઈ જાય છે. જો દેશમાં જ ડેટા સેન્ટર ઉભા થઈ જાય તો હુંડીયામણને બહાર જતુ અટકાવી શકાય. અધુરામાં પૂરું અન્ય દેશનો ડેટા પણ ભારતમાં રાખી શકાય જેનાથી આર્થિક લાભ થાય તેવી ધારણા છે.
સરકારે ડેટા સંગ્રહ અને મુલ્યાંકન માટે નેશનલ ડેટા વેરહાઉસની સ્થાપનાની તૈયારી કરી છે. જેમાં લાર્સન એન્ડ ટર્બોની આઈટી પાંખ દ્વારા ડેટા વેરહાઉસ તૈયાર કરાશે. જેમાં રોજગારી, ઉદ્યોગ, આરોગ્ય, જીએસટી, આયાત-નિકાસ સહિતની પાસાઓને પણ આવરી લેવામાં આવશે. માઈક્રોઈકોનોમી માટે પણ આ ડેટા વેરહાઉસ મહત્વનું સાબીત થશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી બાદ ભારત સુપર પાવર બનવાની સ્પર્ધામાં છે. ચીન અને અમેરિકા કરતા મોટુ અર્થતંત્ર બનાવવામાં ડેટા મહત્વનો ભાગ ભજવશે. જે દેશ પાસે ડેટા વધુ હશે તે દેશનો હાથ ઉપર રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. અત્યાર સુધી ચીન અને અમેરિકા સહિતના દેશોની વિદેશી કંપનીઓ ભારતીય લોકોના ડેટાનો ઉપયોગ કરતી આવી છે અને ધોમ કમાણી કરે છે. આ કમાણી અટકાવી દેશમાંથી વિદેશમાં ઢસડાઈ જતું હુંડીયામણ બચાવવું જ જરૂરી છે.