ટિમ ઇન્ડિયાની વિજયી શરૂઆત

જેમિમા-રિચા ઝળકી, બન્નેએ 58 રનની અણનમ ઇનિંગ રમી ભારતને જીત અપાવી

સાઉથ આફ્રિકામાં મહિલા ટી-20 વર્લ્ડ કપનો પ્રારંભ થયો છે. રવિવારે પોર્ટ સિટી કેપટાઉનના ન્યૂલેન્ડ્સમાં ભારતની પાકિસ્તાન સામે પહેલી મેચ હતી. ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવીને મહિલા ટી20 વર્લ્ડ કપમાં વિજયી શરુઆત કરી દીધી છે. ભારતે 150 રનનો ટાર્ગેટ 6 બોલ બાકી હતા ત્યારે હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમ એક સમયે ત્રણ વિકેટ ગુમાવીને સંકટમાં હતી, પરંતુ જેમિમા અને ઋચાએ શાનદાર બેટિંગ કરીને ભારતને જીત અપાવી હતી. રિચા અને જેમીમાની જોડીએ 58 રનની અણનમ ભાગીદારી કરી હતી. આ સાથે જ રિચા ઘોષે 20 બોલની ઈનિંગમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. રિચાએ 31 રન બનાવ્યા હતા.

પાકિસ્તાને આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી યાસ્તિકા ભાટિયા અને શફાલી વર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. શફાલીએ 25 બોલનો સામનો કરતા 33 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. યાસ્તિકાએ 2 ચોગ્ગાની મદદથી 17 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 12 બોલનો સામનો કરતા 16 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં 2 ચોગ્ગા સામેલ હતા.

જેમિમાએ શાનદાર પ્રદર્શન કરતા અણનમ અડધી સદી ફટકારી હતી. તેણે 38 બોલનો સામનો કરતા 53 રન બનાવ્યા હતા. જેમિમાની ઇનિંગ્સમાં 8 ચોગ્ગા સામેલ હતા. રિચા ઘોષે 20 બોલમાં અણનમ 31 રન કર્યા હતા. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ રીતે ભારતે 19 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી રાધા યાદવે 2 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 21 રન આપ્યા હતા. પૂજા વસ્ત્રાકરે 4 ઓવરમાં 30 રન આપીને એક વિકેટ ઝડપી હતી. દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 39 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

સ્મૃતિ મંધાના પહેલી મેચમાં ન રમી

આ મેચમાં ટીમ ઈન્ડિયાની દિગ્ગજ ખેલાડી સ્મૃતિ મંધાના ઇજાના કારણે રમી ન હતી. આંગળીની ઈજાના કારણે તે બહાર છે. જોકે ટીમ ઈન્ડિયા માટે સારી વાત છે કે તેની આંગળીમાં કોઈ ફ્રેક્ચર નથી. ટોસ બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે, મંધાના ઠીક છે. પરંતુ સાવચેતીના પગલા રૂપે તેમને આરામ આપવામાં આવ્યો છે. મંધાના ભારત માટે બીજી મેચમાં વાપસી કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.