- 284 રનનો પીછો કરવા ઉતરેલી આફ્રિકા ટીમ 148માં જ ઓલઆઉટ: તિલક વર્મા બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ
ચોથી ટી20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું છે. આ રીતે સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતે 4ટી20 મેચની શ્રેણી 3-1થી જીતી લીધી છે. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 283 રનનો ટાર્ગેટ હતો, પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ 18.2 ઓવરમાં 148 રન પર જ સિમિત રહી ગઈ હતી. આ પહેલા ભારતીય ટીમે 20 ઓવરમાં 1 વિકેટે 283 રન બનાવ્યા હતા. ભારતના 283 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રીઝા હેનરિક્સ કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો હતો. રીઝા હેનરિક્સને અર્શદીપ સિંહે આઉટ કર્યો હતો. આ સાથે જ રેયોન રિકલટન 1 રન બનાવીને હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન એડન માર્કરમ 8 બોલમાં 8 રન બનાવીને વોકઆઉટ થયો હતો. જ્યારે હેનરિક ક્લાસેન પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. ભારત તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ સિવાય વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલને 2-2 સફળતા મળી છે. હાર્દિક પંડ્યા, રમનદીપ સિંહ અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 1 વિકેટે 283 રન બનાવ્યા હતા. આ રીતે દક્ષિણ આફ્રિકાને 284 રનનો લક્ષ્યાંક મળ્યો છે. ભારત તરફથી સંજુ સેમસન અને તિલક વર્માએ સદી ફટકારી હતી. સંજુ સેમસન અને તિલક વર્માએ આ શ્રેણીમાં બીજી વખત સદીનો આંકડો પાર કર્યો છે.\
23 સિક્સ ફટકારી ભારતે પોતાનો જ રેકોર્ડ તોડ્યો
ભારત-આફ્રિકા વચ્ચે રમાયેલી ચોંથી ટી20માં ભારતે પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. સંજુ-તિલકની તાબડતોડ બેટીંગે આફ્રિકાને ઘૂંટણિયે લાવી દીધું હતું. આ મેચમાં ભારતે કુલ 23 સિક્સ ફટકારી હતી અને પોતાનો 22 સિક્સનો રેકોર્ડ તોડ્યો હતો. આગાઉ બાંગ્લાદેશ સામેના ટી20માં ભારતે 22 સીકસ ફટકારી હતી.
તિલક -સંજુ વચ્ચે ભારત માટે ટી20માં સૌથી મોટી ભાગીદારી
તિલક વર્મા અને સંજૂ સેમસને બીજી વિકેટ માટે માત્ર 86 બોલમાં 210 રનની ભાગીદારી કરી હતી. આ પણ એક રેકોર્ડ બની ગયો છે. ભારતે પોતાની ઈનિંગમાં કુલ 23 સિક્સ ફટકારી હતી.
સાઉથ આફ્રિકાની સૌથી મોટી હાર
284 રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાની ટીમ 18.2 ઓવરમાં માત્ર 148 રન જ બનાવી શકી હતી. ટીમ ચોથી ટી20માં 135 રનથી હારી ગઈ હતી. ટી20માં આ તેમની સૌથી મોટી હાર છે. આ પહેલાં 2023માં ઓસ્ટ્રેલિયાએ ટીમને 111 રને હાર આપી હતી. ભારતે બીજી વખત સાઉથ આફ્રિકાને 100+ રનથી હરાવ્યું છે. ગત વર્ષે પણ ટીમ ઈન્ડિયાએ સા. આફ્રિકા સામે જોહાનિસબર્ગમાં જ 106 રનથી મેચ જીતી હતી.