ત્રણ બેંકોને વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવા મળી લીલીઝંડી : હજુ પણ અનેક દેશોને રૂપિયામાં વ્યાપાર કરવામાં રસ
અબતક, નવી દિલ્હી : છેલ્લા કેટલાક મહિનાઓમાં ડોલર મજબૂત થવાને કારણે વિશ્વના ઘણા દેશો માટે આયાત નિકાસ મોંઘી બની રહી છે. પણ ભારતે આ સમસ્યાના સમાધાન રૂપે સ્થાનિક ચલણમાં વેપાર કરવાની પહેલ કરી છે. રશિયા બાદ હવે ભારત શ્રીલંકા સાથે પણ રૂપિયામાં વેપાર કરવા સજ્જ બન્યું છે. આ ઉપરાંત બીજા અનેક દેશોમાં પણ આ મામલે વાતચીત ચાલી રહી છે.
વોસ્ટ્રો એકાઉન્ટની મદદથી, કોઈપણ દેશ ભારત સાથેની આયાત અથવા નિકાસની કિંમત ચૂકવવા માટે રૂપિયાનો ઉપયોગ કરી શકે છે. વ્યક્તિ આ ખાતા દ્વારા ખૂબ જ સરળતાથી માલસામાન અને સેવાઓનું ઇનવોઇસ મેળવી શકે છે. આનાથી યુએસ ડોલર પરની નિર્ભરતા પણ ઘટશે.
રૂપિયામાં વેપારમાં વધારો થવાથી, આરબીઆઈને બદલામાં રૂપિયા માટે ખરીદદાર શોધવાની જરૂર રહેશે નહીં. આ પગલાથી ભારતીય રૂપિયાની માંગમાં વધારો થશે. રૂપાંતર ફી આંતરરાષ્ટ્રીય બેંકોને ન મોકલીને જે રકમ એકઠી થશે તે આખરે દેશના વિકાસ માટે વાપરવામાં આવશે.
હાલ સુધી શ્રીલંકા સાથે રૂપિયામાં વ્યાપાર કરવાની વાતચીત ચાલી રહી હતી. જેમાં ત્રણ બેંકોમાં વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવાને લીલીઝંડી પણ આપવામાં આવી છે. હવે આવતા અઠવાડિયાથી રૂપિયામાં વ્યાપાર કરવાનું શરૂ થશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે રૂપિયામાં વેપાર કરવા ઇચ્છુક દેશોમાં બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમાર જેવા પડોશી દેશોનો સમાવેશ થાય છે. આ દેશો તેમના વિદેશી મુદ્રા ભંડારમાં ડોલરની અછતનો સામનો કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, તાજિકિસ્તાન, ક્યુબા, લક્ઝમબર્ગ અને સુદાન પણ રૂપિયામાં વેપાર સેટલ કરવા માટે વાતચીત કરી રહ્યા છે.