બંને ટીમો ચાર્ટર્ડ ફ્લાઇટમાં બપોર 4 વાગ્યે રાજકોટમાં આવી પહોંચશે: ટીમ ઇન્ડિયા હોટલ સયાજી અને સા.આફ્રિકા ફોર્ચ્યુનમાં ઉતરશે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 17મી જૂને રમાનારી ચોથી ટી-20 મેચ માટે ભારત અને સાઉથ આફ્રિકાની ટીમનું આવતીકાલે બપોરે 4 વાગ્યે રાજકોટ ખાતે આગમન થઇ જશે. ટીમ ઇન્ડિયાને સયાજી હોટલ ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ 150 ફૂટ રીંગ રોડ પર હોટલ ફોર્ચ્યૂન ખાતે રોકાશે. બંને ટીમો રાજકોટમાં ચાર દિવસ માટે રોકાશે.
ભારતીય ટીમ સયાજી હોટલના આઠમા માળે રોકાશે. આ આખા ફ્લોરને રોયલ થીમ મુજબ સજાવવામાં આવ્યો છે. આ ફ્લોર પર ટીમના કેપ્ટન, વાઇસ કેપ્ટન અને સિનિયર ખેલાડીઓ રહેશે. ખેલાડીઓના ડાયટ પ્લાન મુજબ ભોજનનું મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. ભારતીય ખેલાડીઓને ગુજરાતી ભોજન તો પીરસાશે સાથો સાથ રાજસ્થાન અને ઇન્દોર સ્પેશિયલ ચાટ, કોન્ટીનેન્ટલ, ઓરિએન્ટલ મેક્સિકન, અરેબિક જેવા અલગ-અલગ ફૂડ પિરસાશે. તેમ હોટલ સયાજીના ડિરેક્ટર ઉર્વીશ પુરોહિતે જણાવ્યું હતું.
જ્યારે સાઉથ આફ્રિકા જે હોટલમાં ઉતરવાની છે તે ફોર્ચ્યુન પાર્ક જેપી એરા ગ્રાન્ડ ખાતે સાઉથ આફ્રિકાની ટીમના ખેલાડીઓના મહાકાય પોષ્ટર લગાવવામાં આવ્યા છે. હોટલના આઠમા માળે પ્રેસિડેન્સિયલ સ્પુટ દક્ષિણ આફ્રિકાના સુકાની ટેમ્બા બાવુમાને ફાળવવામાં આવ્યો છે. ખેલાડીઓના રૂમમાં તેઓના ફોટા સાથેના મગ મૂકવામાં આવ્યા છે. ખેલાડીઓને 100 એમબીપીએસ વાઇફાઇ ફાળવાશે. જેમાં સ્વિમીંગ પુલ, સ્પા સહિતની સુવિધા ફાળવવામાં આવશે. હોટલ તથા સ્ટેડિયમ ખાતે ફોર્ચ્યુન પાર્ક હોટેલ્સના હેડ ક્વાર્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ખેલાડીઓને મનભાવતુ વાનગીઓ પિરસાવામાં આવશે.
આજે વિશાખાપટ્ટનમ ખાતે શ્રેણીનો ત્રીજો ટી-20 મેચ રમાશે. દરમિયાન આવતીકાલે બંને ટીમો ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા બપોરે 4 કલાકે રાજકોટ ખાતે આવી પહોંચશે. બંને ટીમો 16મી નેટ પ્રેક્ટીસ કરશે. દરમિયાન 17મીએ બંને વચ્ચે શ્રેણીની ચોથી મેચ રમાશે. 18મીએ બંને ટીમો બપોરે 1 વાગ્યે બેગ્લુરૂં ખાતે જવા રવાના થશે. રાજકોટમાં આવતીકાલથી સતત ચાર દિવસ સુધી ક્રિકેટ ફિવર છવાશે.