ભારત અને જર્મની સહિયારા લક્ષ્યોના આધારે વધુ પારસ્પરિક રક્ષાસંબંધ વિકસાવશે : રાજનાથસિંહ
જર્મનીની મદદથી ભારતીય નૌકાદળ માટે 52 અબજ ડોલર (લગભગ 42 હજાર કરોડ રૂપિયા)ના ખર્ચે 6 સબમરીન વસાવાની મંજૂરી મળી શકે છે. ભારત અને જર્મનીએ મંગળવારે મુખ્ય સંરક્ષણ પ્લેટફોર્મને સંયુક્ત રીતે વિકસાવવા બાબતે ચર્ચા કરી હતી. જર્મનીના સંરક્ષણમંત્રી બોરિસ પિસ્ટોરિયસે લગભગ રૂ. 42,000 કરોડના ખર્ચે છ પરંપરાગત વિનાશક સબમરીન ખરીદવાની ભારતની યોજનામાં રસ દાખવ્યો હતો.
પિસ્ટોરિયસ સાથેની વાતચીતમાં, રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત અને જર્મની સહિયારા લક્ષ્યોના આધારે વધુ પારસ્પરિક રક્ષાસંબંધ વિકસાવી શકે છે. આ સાથે જ તેમણે જર્મનીને ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં સંરક્ષણ કોરિડોરમાં વધુ રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને દેશોના રક્ષામંત્રીઓએ ઈન્ડો-પેસિફિક અને અન્ય પ્રદેશોમાં ચીનની વધતી આક્રમકતા સહિત ક્ષેત્રીય સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. પિસ્ટોરિયસ સોમવારે ભારતની ચાર દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા. 2015 પછી જર્મનીના સંરક્ષણ મંત્રીની ભારતની આ પ્રથમ મુલાકાત છે. તેમણે કહ્યું કે ભારતીય સંરક્ષણ ઉદ્યોગ જર્મન સંરક્ષણ ઉદ્યોગની સપ્લાય ચેઇનમાં ભાગ લઈ શકે છે અને ઇકોસિસ્ટમને મજબૂત કરવા ઉપરાંત સપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતામાં યોગદાન આપી શકે છે.
મંત્રણામાં રશિયાના યુક્રેન પર આક્રમણ અને વિશ્વ પર તેની અસર અંગે પણ ચર્ચા થઈ હોવાની માહિતી મળી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આશરે રૂ. 42,000 કરોડના ખર્ચે પરંપરાગત છ વિનાશક સબમરીન ખરીદવાની ભારતની યોજના પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને પિસ્ટોરિયસે આ પ્રોજેક્ટમાં જર્મનીનો રસ દર્શાવ્યો હતો. ભારત આવતા પહેલા પિસ્ટોરિયસે જર્મનીના સ્ટેટ બ્રોડકાસ્ટર ડોઇશ વેલેને કહ્યું હતું કે રશિયન હથિયારો પર ભારતની સતત નિર્ભરતા જર્મનીના હિતમાં નથી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે બંને મંત્રીઓએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગની પ્રવૃત્તિઓ અને ખાસ કરીને સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારી વધારવાના માર્ગો શોધવાની વ્યૂહરચનાની સમીક્ષા કરી હતી.