વેલડન ઈન્ડિયા: રસીકરણનો આંકડો 2 કરોડને પાર થતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આરોગ્ય કર્મીઓના મોં મીઠા કરાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને ઐતિહાસીક રસીકરણ: એક દિવસમાં 2.50 કરોડ ડોઝ આપી ભારતે ચીનને પણ પાછળ છોડી દીધું

કોરોના સામે બચવા ભારત સહિત વિશ્વભરના દેશોમાં જોરશોરમાં રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. વિશ્વના સૌથી મોટા એવા ભારતના રસીકરણ અભિયાને તો ચાર ચાંદ લગાવી દીધા છે. વિશ્વની બીજા નંબરની સૌથી વધુ વસ્તી છતાં ભારતમાં રસીકરણ ઝડપથી થઈ રહ્યું છે. એક પછી એક રેકોર્ડ તોડ્યા છે. ત્યારે ગાઈકલનો દિવસ રસીકરણ ક્ષેત્રે ઐતિહાસિક રહેલો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને વિશેષ બનાવવા પરિસ્થિતિને ધ્યાને લઈ સરકાર દ્વારા મેગા વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે છેલ્લા 24 કલાકમાં અઢી કરોડથી વધુ “કોરોના કવચ” અપાયા છે.

ગઈ કાલે એક દિવસનો રસીકરણનો આંકડો બે કરોડને પાર થઈ જતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. તેમજ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ ખાતે પહોંચી આરોગ્ય કર્મીઓ સાથે ઉજવણી કરી હતી અને હોસ્પિટલ સ્ટાફના મોં મીઠા કરાવ્યા હતા. નોંધનીય છે કે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ’રસી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

સાંજે 5 વાગ્યા સુધી આ અભિયાનમાં ભારતે 20 મિલિયનથી વધુ લોકોએ રસી લઈ નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો હતો જયારે અત્યાર સુધીમાં અઢી કરોડથી પણ વધુ લોકોએ રસી લીધી છે. ’રસીકરણ સેવા’ અભિયાનના દિવસે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ રસીકરણ કામગીરીની સમીક્ષા કરવા માટે નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જ્યારે હોસ્પિટલમાં રસીકરણ અભિયાનનો હિસાબ લઈ રહ્યા હતા, તે જ સમયે, સાંજે 5 વાગ્યે દેશ એક દિવસમાં 2 કરોડ રસીનો આંકડો પાર થઈ ગયો.

આરોગ્ય મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રાપ્ત કરેલી આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી. ખુશી વ્યક્ત કરતા મનસુખ માંડવિયાએ તમામ આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે તમારા પ્રયત્નોથી દેશ આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો છે. સફદરજંગ હોસ્પિટલમાં રસીકરણ અભિયાનમાં રોકાયેલા તમામ આરોગ્ય કર્મચારીઓ અને દેશની આ મહાન સિદ્ધિ પર રસીકરણ અભિયાનમાં રોકાયેલા તમામ સેવા સહકર્મીઓના મોં મીઠા કર્યા અને કહ્યું કે આજે આ પ્રસંગે હું માત્ર બે શબ્દો કહેવા માંગુ છું. ’તમામ આરોગ્ય કર્મચારીઓનો આભાર અને વેલ ડન ઇન્ડિયા’.

જણાવી દઈએ કે, રેકોર્ડ બ્રેક રસીકરણમાં ભારતે ચીનને પણ પાછળ રાખી દીધું છે. અત્યાર સુધી 2.47 કરોડના ડોઝ સાથે ચીન પ્રથમ ક્રમે હતું જેને 2.50 કરોડ ડોઝ સાથે પાડી ભારત આગળ નિકળી ગયું છે. અત્યાર સુધીમાં સૌથી વધુ રસીકરણ કર્ણાટકમાં થયું છે. ત્યારબાદ બિહારનો ક્રમ આવે છે જ્યારે આ લિસ્ટમાં ગુજરાત પાંચમા ક્રમે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.