ચીને પાકિસ્તાનના ગ્વાદર બંદર પર કબ્જો કર્યો તેની સામે ભારતે લાંબી રણનીતિને લઈને ઈરાનના ચાબહાર બંદરને હાથવગુ કરીને દુશ્મન રાષ્ટ્રોને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો
મધ્યકાલીન યુગથી ભારતનું વહાણવટુ વિશ્વમાં માતબર વેપાર-વ્યવહાર સાથે સંકળાયેલ હતું. ભારતના વિદેશ વેપાર મોટાભાગે દરિયાઈ માર્ગે જ થતાં હતા. ભારતનો સુવર્ણ યુગ બંદર પ્રવૃતિના કારણે જ વિકસ્યુ હતું. ફરીથી ભારતની બંદર પ્રવૃતિઓને વ્યુહાત્મક વેગ આપવાના પ્રયાસોના ભાગરૂપે ભારતે આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન ક્ષેત્રમાં ઈરાનના ચાબહાર બંદરનો સમાવેશ કરવાની દરખાસ્ત કરી છે.
આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરીડોરમાં વ્યૂહાત્મક રીતે ચાબહાર બંદરને સામેલ કરવાની દરખાસ્ત કરી છે જે યુરોશીયન ક્ષેત્રના માધ્યમથી રશિયા સહિતના દેશો સાથે જળ પરિવહનના વ્યવહારો વધારવામાં નીમિત બનશે.
ચાબહાર બંદરને આઈએનએસટીસીની માન્યતા મળી જાય તો ભારતની બંદર પ્રવૃતિને સમગ્ર વિશ્વમાં વિસ્તરવાની સરળતા ઉભી થઈ જશે. આ પરિયોજના માટે ઉજબેકિસ્તાન અને અફઘાનિસ્તાનના વેપાર હિતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભારત અફઘાનિસ્તાનના માધ્યમથી પૂર્વનું પ્રવેશ દ્વાર ખોલી શકશે. વિદેશ મંત્રી એસ.જયશંકરે ઈન્ડિયા મેરીટાઈમ સંમેલનમાં ચાબહાર બંદરની ઉપલબ્ધિ અંગે જણાવ્યું હતું કે, ચાબહારને આઈએનએસટીસીની માન્યતા માટે પ્રયત્નો થઈ રહ્યાં છે. ચાબહાર બંદરમાં ભારતના યોગદાન અંગે જણાવતા કહ્યું હતું કે, ભારત સરકાર સમગ્ર વિશ્વ સાથે જળ માર્ગે જોડાવા માટે ચાબહારમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો. 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈરાન પ્રવાસ દરમિયાન ભારત-ઈરાન અને અફઘાનિસ્તાન દ્વારા સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય પરિવહનને વેગ આપવા ચાબહાર કરાર કર્યા હતા.
મંત્રી જયશંકરે જણાવ્યું હતું કે, ચાબહાર બંદરના વિકાસથી ભારત સમગ્ર વિસ્તારમાં વેપાર અને દરિયાઈ પરિવહન ક્ષેત્રે મોટી ઉપલબ્ધી પ્રાપ્ત કરશે. ચાબહાર બંદરને માત્ર વેપાર, વિકાસ તરીકે જ નહીં પરંતુ માનવ સંશાધન વિકાસ અને ખાસ કરીને કોરોના કટોકટી દરમિયાન ભારતે 2020 દરમિયાન અફઘાનિસ્તાનને 75000 મેટ્રીક ટન ઘઉંના વહાણ માટે ચાબહાર બંદરનો ઉપયોગ કર્યો હતો. ભારતે ઈરાનને 25 મેટ્રીક ટન મેલાથ્યાનની મદદ કરી હતી. આમ ચાબહાર બંદર અનાજ, ખોરાકની વસ્તુઓના પરિવહન ઉપરાંત રશિયા, બ્રાઝીલ, થાઈલેન્ડ, જર્મન, યુક્રેન, અખાતના દેશો સાથે વહાણ વ્યવહાર માટે નીમીત બની રહ્યું છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ભારત સાથે વેપાર અને રાજદ્વારી હરિફાઈમાં રાચતા ચીને ભારતને જળ સીમાથી ઘેરી લેવા માટે પાકિસ્તાનનું ગ્વાદર બંદર વિકસાવ્યું હતું. પાકિસ્તાનના ગ્વાદર બંદર પર ચીનના અધીપત્યને લઈ ભારત માટે અખાતમાંથી ખાસ કરીને ક્રુડ ઓઈલના જહાજોના આવાગમન માટે મોટી મુશ્કેલીઓ ઉભી થાય તેમ હતી. ભારતે દુશ્મન દેશોની આ સિન્ડીકેટની મુરાદ પૂરી ન થવા દેવા માટે ઈરાનના ચાબહાર બંદર પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું અને ભારત-ઈરાન વચ્ચેના દાયકા જૂના સંબંધોને ફરીથી સુમેળભર્યા બનાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન-અફઘાનિસ્તાન અને ચીનની ત્રિરાષ્ટ્રીય ધરી બનાવી ચાબહાર બંદરમાં રોકાણ કર્યું હતું. ભારત હવે ચાબહાર બંદરને આઈએનએસટીસીની માન્યતા અપાવી ચાબહારન બંદરને ઉત્તરના પ્રવેશ દ્વાર તરીકે વિકસાવવા કમરકસી છે.
21મી સદી દરિયા, આકાશ અને અંતરિક્ષની સદી બની રહેશે તેમાં ચાબહાર મહત્વનું: મનસુખભાઈ માંડવીયા
મેરીટાઈમ ઈન્ડિયા સમીટ 2021નું બીજુ સત્ર 3 દિવસ ચાલ્યું હતું. કેન્દ્રીય બંદર, વહાણ અને જળ પરિવહન મંત્રી મનસુખ માંડવીએ ચાબહાર બંદર દ્વારા આયોજીત સંબોધનમાં જણાવ્યું હતું કે, ચાબહાર પોર્ટ પ્રોજેકટ ભારત અને યુરેશીયા વચ્ચે સીધુ જોડાણ બની રહેશે. 21મી સદી હવે દરિયા, આકાશ અને અંતરિક્ષની સદી બની રહેશે નહીં કે જમીનની, મનસુખભાઈ માંડવીએ જણાવ્યું હતું કે, ચાબહાર બંદર ભારત માટે મુખ્ય પ્રવેશદ્વાર બની રહેશે. ચાબહાર બંદર 123 જહાજ અને કુલ 13.752 મેટ્રીક ટન પરિવહન અને 18 લાખ ટનનું સંચાલન કરવાની ક્ષમતા ધરાવે છે. ચાબહાર બંદરના વિકાસથી ભારતને એક નવી દિશા ખુલી છે. મેરીટાઈમ સમીટમાં 11 દેશોના 16 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, મંત્રીઓ, 6 કેન્દ્રીય મંત્રીઓ, 3 મુખ્યમંત્રીઓ, 2 રાજ્યકક્ષાના મંત્રીઓ જોડાયા હતા. અને 64000થી વધુ મુલાકાતીઓએ ભાગ લીધો હતો.