ગત વર્ષે એપ્રિલથી ઓગસ્ટ માસ દરમિયાન ચાઈના સાથેનું આયાત ૧.૫૯ લાખ કરોડ રૂપિયા રહેવા પામ્યું હતું
હાલ વૈશ્ર્વિક બજાર મંદ હોવા છતાં ભારત જે ચાઈના પાસેથી આયાત થતી ચીજવસ્તુઓની ખરીદી કરતુ હતુ તેમાં હવે આયાત ખર્ચમાં ૨૭.૬૩ ટકાનો ખર્ચ બચાવ્યો છે. એવી જ રીતે ગત વર્ષે એપ્રિલથી ઓગસ્ટ માસ દરમિયાન ચાઈના સાથેનું આયાત ૧.૫૯ લાખ કરોડ રૂપિયા રહેવા પામ્યું હતું તેમ વાણિજય મંત્રી પિયુષ ગોયલે માહિતી આપી હતી જે રીતે વૈશ્ર્વિક બજારમાં ચાઈના પરનો જે અવિશ્ર્વાસ જોવા મળી રહ્યો છે તેનાથી ભારત દેશને ખુબ સારો એવો લાભ પણ મળ્યો છે. મુખ્યત્વે ભારત ચાઈના પાસેથી અનેકવિધ ચીજવસ્તુઓની આયાત કરતું હતું પરંતુ હવે ભારતે તે ચીજવસ્તુઓનો વિકલ્પ શોધી લીધો છે અને તેનો ઉપયોગ પણ કરવામાં આવતો હોવાનું હાલ સામે આવ્યું છે.
સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવેલા આત્મનિર્ભર અભિયાન હેઠળ ઘણા ઉધોગો આત્મનિર્ભર બનવા માટે જે ચીજવસ્તુઓની આયાત ચાઈનાથી કરવામાં આવતી હતી તેનું નિર્માણ હવે દેશમાં જ કરવામાં આવી રહ્યું છે. ચાઈનાથી કરવામાં આવતા આયાતના આંકડા ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો જુલાઈ માસમાં કુલ આયાત ૫.૫૮ ડોલરની થઈ હતી એવી જ રીતે ઓગસ્ટમાં ૪.૯૮ બિલીયન ડોલરની આયાત કરવામાં આવી હતી જે અંગેની માહિતી વાણિજય મંત્રાલયના મંત્રી પિયુષ ગોયલે લોકસભામાં જવાબ આપ્યો હતો. વર્ષ ૨૦૨૦-૨૧ના એપ્રિલથી ઓગસ્ટ માસ એટલે કે આશરે ૫ માસમાં ચાઈના તરફથી કરવામાં આવતી આયાતમાં ૨૭.૬૩ ટકાનો ઘટાડો નોંધાયો છે.
બીજી તરફ એ પણ પ્રશ્ર્ન ઉદભવિત થયો હતો કે શું ભારત ચાઈના સાથે જે રીતે આયાત ઘટાડી છે તો વિકાસમાં પણ ઘટાડો થશે કે કેમ ? ત્યારે પ્રશ્ર્નના ઉતરમાં પિયુષ ગોયલે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ ભારત દેશ નિકાસ તરફ આગળ વધી રહ્યો છે અને દેશને જે જગ્યા પર નિકાસ માટેની પરવાનગી અને તક મળશે તે દેશ સાથે નિકાસ કરવા ભારત હરહંમેશ તત્પર રહેશે. સપ્ટેમ્બરના પ્રથમ ૧૫ દિવસ દરમિયાન દેશની નિકાસમાં ૧૦ ટકાનો વધારો જોવા મળ્યો છે જેનાથી વિદેશી હુંડિયામણ ભારતમાં આવતાની સાથે જ દેશની અર્થવ્યવસ્થામાં અનેકગણો સુધારો જોવા મળ્યો છે.