વેપાર, રાષ્ટ્રીય ચલણનો ઉપયોગ, ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર, કૃષિ ઉત્પાદનો, પરમાણુ ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ડિજિટલ અર્થતંત્ર, દવાઓના પુરવઠા સહિતના ક્ષેત્રોમાં સહકાર આપવાનો બન્ને દેશોનો નિર્ધાર
ભારત અને રશિયા બુધવારે દ્વિપક્ષીય વેપારને 2030 સુધીમાં 100 બિલિયન ડોલર સુધી વધારવા માટે સંમત થયા છે, જેમાં રોકાણ વધારવા, વેપાર માટે રાષ્ટ્રીય ચલણનો ઉપયોગ કરવા અને ઉર્જાથી લઈને કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધીના ક્ષેત્રોમાં સહકાર વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મોસ્કોમાં 22મી વાર્ષિક દ્વિપક્ષીય સમિટ પછી જારી કરાયેલ સંયુક્ત નિવેદનમાં, બંને પક્ષોએ વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીના વિકાસ અને રશિયા-ભારત વેપાર અને આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. દ્વિપક્ષીય સંવાદને વધુ ગાઢ બનાવવા માટે વધારાના પ્રોત્સાહનો પૂરા પાડવાનો ઠરાવ કર્યો હતો.
બંને પક્ષો સહકાર માટે નવ મુખ્ય ક્ષેત્રો પર સંમત થયા હતા, જેમાં વેપાર, રાષ્ટ્રીય ચલણનો ઉપયોગ કરીને વેપાર સમાધાન, ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર જેવા નવા માર્ગો દ્વારા કાર્ગો ટર્નઓવર વધારવો, કૃષિ ઉત્પાદનોમાં વેપારમાં વધારો, ખાદ્ય અને ખાતરનો સમાવેશ થાય છે. પરમાણુ ઉર્જા સહિત ઉર્જા ક્ષેત્રમાં સહયોગને વધુ ગાઢ બનાવવો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર સંવાદને મજબૂત બનાવવો, ડિજિટલ અર્થતંત્રમાં રોકાણ અને સંયુક્ત પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવું, દવાઓના પુરવઠામાં સહકાર અને માનવતાવાદી સહકાર વિકસાવવો સહિતના વિષયો ઉપર સહમતી બનાવાય હતી.
બંને દેશોના વડાઓ દ્વિપક્ષીય વેપાર ઉદારીકરણના ક્ષેત્રમાં સંવાદ ચાલુ રાખવા સંમત થયા હતા, જેમાં ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર સંબંધિત બિન-ટેરિફ વેપાર અવરોધોને દૂર કરવા અને ઇએઇયુ -ભારત મુક્ત વેપાર ક્ષેત્રની સ્થાપનાની સંભાવનાનો સમાવેશ થાય છે. વધુમાં, ખાસ રોકાણ પ્રણાલીઓના માળખામાં રોકાણ પ્રવૃત્તિઓને ફરીથી સક્રિય કરવા માટે સંમત થયા હતા.
પરમાણુ ઉર્જા, કૃષિ, પશુ ચિકિત્સાનો કરારમાં સમાવેશ
બંને નેતાઓએ જણાવ્યું હતું કે તેઓ કૃષિ ઉત્પાદનો, ખાદ્ય અને ખાતરોમાં દ્વિપક્ષીય વેપારના જથ્થાને વધારવા તેમજ વેટરનરી, સેનિટરી અને ફાયટોસેનિટરી પ્રતિબંધો અને પ્રતિબંધોને દૂર કરવાના હેતુથી સઘન સંવાદ જાળવવાના પક્ષમાં છે. જ્યારે પરમાણુ ઉર્જા, તેલ શુદ્ધિકરણ અને પેટ્રોકેમિકલ્સ સહિતના મુખ્ય ઉર્જા ક્ષેત્રોમાં સહકારનો વિકાસ અને ઉર્જા માળખાકીય સુવિધાઓ, ટેક્નોલોજી અને સાધનોના ક્ષેત્રમાં સહયોગ અને ભાગીદારીના વિસ્તૃત સ્વરૂપો પણ કરારનો એક ભાગ હતા.
અનેક ક્ષેત્રોમાં સંયુક્ત કંપનીઓ ઉભી કરવાનો લક્ષ્યાંક
સંયુક્ત નિવેદનમાં ડિજિટલ અર્થતંત્ર, વિજ્ઞાન અને સંશોધન, શૈક્ષણિક વિનિમય અને ઉચ્ચ તકનીકી કંપનીઓના કર્મચારીઓ માટે ઇન્ટર્નશીપના વિવિધ ક્ષેત્રોમાં રોકાણ અને સંયુક્ત પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેઓ સાનુકૂળ રાજકોષીય વ્યવસ્થા પૂરી પાડીને નવી સંયુક્ત કંપનીઓની રચનાની સુવિધા આપવા માટે પણ સંમત થયા હતા. બંને પક્ષો માનવતાવાદી સહકાર વિકસાવવા અને શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સંસ્કૃતિ, પર્યટન, રમતગમત, આરોગ્યસંભાળ અને અન્ય ક્ષેત્રોમાં સતત ક્રિયાપ્રતિક્રિયા વધારવાના પક્ષમાં હતા.
રશિયા ભારતમાં લશ્કરી સાધનો બનાવવા સંયુક્ત સાહસ સ્થાપશે
સમિટ દરમિયાન, રશિયા ભારતમાં સંયુક્ત ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરીને રશિયન મૂળના લશ્કરી પ્લેટફોર્મ માટે સ્પેરપાર્ટસના પુરવઠામાં વિલંબ અંગે ભારતની ચિંતાઓને દૂર કરવા સંમત થયું હતું. વિદેશ સચિવે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિખર મંત્રણામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સપ્લાયમાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ભારત ક્રૂડ અને ખાતરની આયાત ચાલુ જ રાખશે
ભારત દ્વારા રશિયામાંથી ખાતર અને ક્રૂડ ઓઈલની સતત આયાતનો સ્પષ્ટ સંકેત આપતાં વડાપ્રધાન મોદીએ મંગળવારે કહ્યું હતું કે ભારત-રશિયાની મિત્રતાએ સુનિશ્ચિત કર્યું છે કે ખેડૂતોને જમીનમાં પોષક તત્વોની અછત ન આવે અને સામાન્ય માણસને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે દ્વિપક્ષીય સહકારે ખાતરની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મોટી ભૂમિકા ભજવી છે અને “અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ”. રશિયા ભારતને ખાતરના મુખ્ય સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે, છેલ્લા ત્રણ વર્ષમાં આયાતમાં 300% થી વધુનો વધારો થયો છે. ભારત રશિયા પાસેથી ક્રૂડ અને ખાતરની આયાત ચાલુ જ રાખવાનું છે.
- મોદી ઓસ્ટ્રીયાની મુલાકાતે: રાષ્ટ્રપતિ અને ચાન્સેલર સાથે કરી બેઠક
- 40 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાને ઓસ્ટ્રીયાનો પ્રવાસ ખેડયો મોદી ત્યાંના ઉદ્યોગકારો અને મૂળ ભારતીયોને પણ મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે ઓસ્ટ્રિયા પહોંચ્યા છે. આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે ચાર દાયકામાં ભારતીય પીએમની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને ઓસ્ટ્રિયા રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.
રશિયાની બે દિવસની મુલાકાત બાદ પીએમ મોદી મંગળવારે ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન, બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર વિચારણા કરી છે અને અનેક ભૌગોલિક રાજકીય પડકારો પર નજીકથી સહયોગ આપવાની ખાતરી કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલી ઓસ્ટ્રિયા મુલાકાત છે. જો કે આ પહેલા તેઓ ઓસ્ટ્રિયાના ચાન્સેલરોને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વેન ડેર બેલેન સાથે મુલાકાત કરી છે. આ સિવાય તેઓ ચાન્સેલર કાર્લ નેહામર સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી કજે. મોદી ભારત અને ઓસ્ટ્રિયાના બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરી છે. તેઓએ વિયેનામાં ભારતીયો સાથે પણ વાતચીત કરી છે. આ મુલાકાતથી ઓસ્ટ્રિયા અને ભારત વચ્ચેના સંબંધો મજબૂત થવાની આશા છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું, ’આ મુલાકાત અમને અમારી ભાગીદારીને વિસ્તૃત કરવામાં મદદ કરશે જ્યારે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓને ઉકેલવામાં અમને મદદ કરશે.’
વડાપ્રધાનની ઑસ્ટ્રિયાની મુલાકાતથી શું ફાયદાઓ થશે?
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે ઓસ્ટ્રિયા મધ્ય યુરોપમાં એક મુખ્ય દેશ છે. ઑસ્ટ્રિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી, હાઈ ટેક્નોલોજી, સ્ટાર્ટ-અપ્સ અને મીડિયા અને મનોરંજન જેવા ક્ષેત્રોમાં સહકારની મોટી તકો પ્રદાન કરે છે. ક્વાત્રાએ કહ્યું કે તે એક મહત્વપૂર્ણ મધ્ય યુરોપિયન દેશ છે. તે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી, યુનાઈટેડ નેશન્સ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન, યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ, અને યુરોપમાં સુરક્ષા અને સહકાર માટેનું સંગઠનનું બેઝ છે. ફેબ્રુઆરીમાં ભારત-ઓસ્ટ્રિયા સ્ટાર્ટઅપ બ્રિજ શરૂ થયાના થોડા મહિના બાદ આ મુલાકાત આવી છે. આ બ્રિજનો હેતુ બંને દેશોમાં સ્ટાર્ટઅપ્સ વચ્ચે સહયોગ અને જ્ઞાનની વહેંચણીને પ્રોત્સાહન આપવાનો છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, 2023માં ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર 2.93 બિલિયન ડોલર થશે. ભારત ઓસ્ટ્રિયાને ઈલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઈલ, શૂઝ અને કેમિકલ વેચે છે. ઑસ્ટ્રિયા મશીનરી, ઓટોમોટિવ ભાગો અને રસાયણો મોકલે છે.