પાકિસ્તાને પોતાની એરસ્પેસ તમામ દેશોની ફલાઈટો માટે રદ કરી, કરાંચી એરપોર્ટના રૂટો ૩૧મી સુધી બંધ: ગમે ત્યારે મિસાઈલનું પરિક્ષણ કરે તેવી શકયતા: પાકિસ્તાનના યુધ્ધના સુરાતન સામે ભારત સરકારે કચ્છ સહિત દેશની પાકિસ્તાન સાથેની તમામ સરહદો પર સુરક્ષા દળોને હાઈએલર્ટ કર્યા
આઝાદીકાળથી ભારતને આતંકવાદ સહિતની સમસ્યાની પીડતી જમ્મુ કાશ્મીર રાજયને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ને મોદી સરકારે તાજેતરમાં કુનેહપૂર્વક હટાવી દીધી હતી જેથી આ કલમની આડમાં જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદ ભડકાવીને પોતાની ભારતને હેરાન કરવાની મહેચ્છા સંતોષતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ હતુ આ મુદાને આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવીને સહાનુભૂતિ જીતવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાન આ મુદે રઘવાયું બન્યું છે. જેથી કાશ્મીર મુદે ભારત સાથે યુધ્ધ લડી લેવા ‘હુંકાર’ કરી રહ્યું છે. જે સામે ભારતીય સરકારે પણ સજજતા દાખવીને કચ્છ સહિત દેશભરની પાકિસ્તાની સરહદ પર સેનાને હાઈ એલર્ટ કરી દીધી છે.
પાકિસ્તાને પોતાના નાપાક ઈરાદાઓને પાર પાડવા કચ્છની સરહદ પર આવેલા હરામીનાળામાં ૧૦૦ જેટલા પોતાના કમાન્ડો ઉતાર્યાની બાતમી ભારતીય ગુપ્તચર તંત્રને મળી છે.જેથી ભારત સરકારે કચ્છ સરહદર સુરક્ષા જવાનોને હાઈએલર્ટ કરી દીધા છે. દરમ્યાન પાકિસ્તાને હવે ફરી એકવાર પોતાની એર સ્પેસ ઈન્ટરનેશનલ ફલાઈટ માટે બંધ કરી દીધી છે. તેને કારણે પાકિસ્તાન ઉપરથી ભારતના વિમાન પણ નહી ઉડે. પાકિસ્તાને હાલમાં કરાચી એરપોર્ટના ત્રણ રૂટ ત્રણ દિવસ માટે બંધ કરી દીધા છે. અહીયા તેણે મિસાઈલો સજજ કરી છે. સુત્રોના મતે આગામી સમયમાં મિસાઈલનું પરીક્ષણ કરે તેવી શકયતા છે.
એક પાકિસ્તાની ટીવી ચેનલના અહેવાલ મુજબ પાકિસ્તાને કરાચી એરપોર્ટના જે ત્રણ રૂટ બંધ કર્યા છે તે ૨૮ થી ૩૧ ઓગષ્ટ વચ્ચે બંધ રહેશે. પાકિસ્તાનના નાગરીક ઉડ્ડયન સત્તાવાળાએ તેના માટે નોટીસ પણ જારી કરી છે. સત્તાવાળાઓએ જોકે રૂટ બંધ કરવાનું કારણ નથી આપ્યું પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની કેબીનેટના પ્રધાન ફવાદ ચૌધરીએ મંગળવારે જ હજી ભારતને એરસ્પેસ બંધ કરવાની ધમકી આપી હતી આ પહેલા ભારતે કરેલી બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પણ પાકિસ્તાને પોતાની એરસ્પેસ બંધ કરી હતી.
પાકિસ્તાનના કાશ્મીર મુદે ભારત વિરોધી તમામ પેંતરાઓ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર નિષ્ફળ નિવડયા બાદ પાકિસ્તાને હવે જાણેક માનસીક સંતુલન ગુમાવી દીધી હોય તેમ બેબુનીયાદી વાતો અને નિવેદન કરીને કાશ્મીરની પિપુડી ગમે તે ભોગે વગડતી રહે તેવો પેતરા શરૂ કર્યા છે.
ઘરમાં ખાવા ખીચડી ન હોય અને ધીંગાણાનું સુરાતન સળવળતુ હોય તેમ પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ અહેમદે એવું નિવેદન કર્યું હતુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ દિવસે દિવસે વણસતી જાય છે. અને આગામી ઓકટોબર મહિનામાં જ બંને દેશો વચ્ચે યુધ્ધ થઈ જશે.
રાવલપીંડી ખાતે પત્રકારોને સંબોધતા રેલવે મંત્રી રશીદ અહેમદે જણાવ્યુંં હતુ કે કાશ્મીરના સંઘર્ષ માટે આ નિર્ણાયક સમય આવી ગયો છે. અને બંને દેશો વચ્ચે અંતિમ યુધ્ધ લડાય જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. બે દિવસ પહેલા પાક વડાપ્રધાન ઈમરાન ખાને પણ ભારત સામે અણુ યુધ્ધની ધમકી ઉચ્ચારી હતી. ઈમરાનખાને ટેલીવીઝન પર જણાવ્યું હતુ કે પોતાનો દેશ કાશ્મીર મુદે કોઈપણ પગલા લેતા જરાપણ ખચકાશે નહિ અને કાશ્મીર માટે અણુ હથીયારો વાપરવામાં પણ ઈસ્લામાબાદ જરા પણ ગભરાતુ નથી.
ભારતે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબુદ કરી કાશ્મીરના વિશેષ દરજજાને સમાપ્ત કરવાના ભારતના આંતરીક મુદાને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મુદો બનાવવા બાલીશ પ્રયત્ન કરી રહ્યું છે. પરંતુ તેને તમામ મોરચે નિષ્ફળતા મળી રહી છે.
ઈમરાનખાનના કાશ્મીર મુદે અવિચારી નિર્ણય ભર્યા નિવેદનના બીજા દિવસે રેલવે મંત્રી કાશ્મીર મુદે યુધ્ધ છેડાઈ જશે તેવું જણાવ્યું હતુ અને મોહરમ પછી પોતે કાશ્મીરીઓની સહાનૂભુતિ માટે તેમના ખબર અંતર પૂછવા પોતે ખીણની મુલાકાત લેશે તેમ જણાવ્યું હતુ વધુમાં રાશીદે ઉમેર્યું હતુ કે ભારત મુસ્લીમ વિરોધી માનસીકતા ધરાવે છે. તેની સાથે વાટાઘાટો અને સમાધાનની આશા મુર્ખાઈ ગણાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન કાશ્મીર ભારતની આંતરીક બાબત હોવાનું તેમાં ત્રાહીત કોઈના પણ હસ્તક્ષેપની જરૂર નથી આ મામલો નવી દિલ્હી અને ઈસ્લામાબાદના વિચાર વિમર્શથી જ ઉકેલવાની વાત સ્પષ્ટ કરી દીધી હતી. આવતા મહિને ન્યુર્યોકમાં મળનારી યુનોની સભામાં આ મુદે ભારત સ્પષ્ટ બની ગયું છે. ભારત સામે રાજદ્વારી સંબંધો પુરા કરવાના અને વાયુસીમા અને અફઘાનિસ્તાનના ભારતના ટ્રેડરૂટ બંધ કરવાના નિર્ણયને આંતરરાષ્ટ્રીય મંચ દ્વારા સંપૂર્ણ ગેરબંધારણ્ય ગણાવાયું છે. કાશ્મીર મુદે સંપૂર્ણ પણે નિષ્ફળ પૂરવાર થયેલા પાકિસ્તાનના મંત્રીની ઓકટોબર મહિનામાં બંને દેશો વચ્ચે સંભવિત યુધ્ધની જાહેરાતએ જગતમાં ચકચાર જગાવી છે.
વિકાસને ‘ગાંડો’ કરી કાશ્મીરીઓનું દિલ જીતી લેશે મોદી!
જમ્મુ-કાશ્મીરમાં વિકાસલક્ષી પહેલની તૈયારી કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેન્દ્રીય પ્રધાનોને આ ક્ષેત્ર માટેની યોજનાઓ અને પ્રોજેક્ટ્સ પર કામ કરવા જણાવ્યું હતું, તેમણે દેશના જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત કાશ્મીરી અધિકારીઓ અને વિદ્યાર્થીઓ સાથે જોડાવા પણ જણાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, મોદીની અધ્યક્ષતામાં યુનિયન મંત્રીઓની બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહે કાશ્મીરની પરિસ્થિતિ અંગે રજૂઆત કરી હતી, અને જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ ૩૭૦ રદ કરવાના પગલા પર લંબાણપૂર્વક ચર્ચાઓ કરી હતી.
શાહે જણાવ્યું હતું કે, ખીણમાં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે, જે ઘણી જગ્યાએ સુરક્ષા અને સંદેશાવ્યવહારના નિયંત્રણોનો સામનો કરી રહી છે. પ્રતિબંધોનો બચાવ કરતાં શાહે કહ્યું કે તે વધુ સારું છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે સંદેશાવ્યવહાર અથવા લોકોની ચળવળ પર કોઈ પ્રતિબંધ નથી. આવા પ્રતિબંધ ફક્ત તે સ્થળોએ જ લાદવામાં આવ્યા હતા જ્યાં સુરક્ષાના જોખમોનો સામનો કરવો પડ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે આ બેઠકમાં તેમના દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સુધારાના પગલાં અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારે આ પગલા ભરતા પહેલા તમામ હિસ્સેદારોની સલાહ લીધી હતી. આ મહિનાની શરૂઆતમાં રાજ્યને વિશેષ દરજ્જો રદ કર્યા પછી જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦ થી વધુ કેન્દ્રીય કાયદાઓ લાગુ કરવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે કરોડો રૂપિયાના પેકેજ સાથે સરકાર ટૂંક સમયમાં આવી શકે છે. જોકે, વિવિધ મંત્રાલયો દ્વારા આપવામાં આવેલી દરખાસ્તોના આધારે પેકેજની ચોક્કસ રકમની ગણતરી કરવાનું બાકી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રસ્તાવ ટૂંક સમયમાં ખર્ચ નાણા સમિતિને મોકલવામાં આવશે અને જાહેર ઘોષણા પહેલાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા તેની તપાસ પણ કરવામાં આવી શકે છે.
જ્યારે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે બુધવારે નવા રચાયેલા કેન્દ્ર શાસિત પ્રદેશના યુવાઓ માટે સરકારી નોકરીના દ્વાર ખુલ્લા મુકતાં આગામી બે મહિનામાં ૫૦,૦૦૦ સરકારી નોકરીઓમાં ભરતી કરવાની ઘોષણા કરી હતી. એક પત્રકાર પરિષદને સંબોધન કરતા મલિકે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના યુવાનો પુરા જોશી આ નોકરીઓ મેળવવાની તૈયારીમાં લાગી જાય. જમ્મુ-કાશ્મીરમાં આ સૌથી મોટી ભરતી પ્રક્રિયા હશે. તે ઉપરાંત કેન્દ્ર સરકાર પણ જમ્મુ કાશ્મીર પર ટૂંક સમયમાં મોટી જાહેરાત કરશે.
રાજ્યપાલે દાવો કર્યો હતો કે છેલ્લા ૨૪ દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં એકપણ વ્યક્તિનો જીવ ગયો નથી. અમે જમ્મુ-કાશ્મીરમાં કાયદો અને વ્યવસનથી જાળવણી પર મુખ્યધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને રાજકીય બાળક ગણાવતા મલિકે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી પરિપક્વ નેતા તરીકે વ્યવહાર કરી રહ્યાં નથી. હું એટલું જ કહેવા માંગુ છું કે તેઓ જમ્મુ-કાશ્મીરના લોકો માટે ૩૭૦ કલમ પરત લાવી શકશે નહીં. અધીર રંજન કાશ્મીરને આંતરરાષ્ટ્રીય મુદ્દો ગણાવી રહ્યાં હતા. ત્યારે રાહુલ ગાંધીએ તેમને રોકવા જોઈતા હતા. ૩૭૦ વિરોધ કરનારાઓને આવનારી ચૂંટણીમાં લોકો જૂતા મારશે.