ટચુકડા એવા કોરોના વાયરસએ વિશ્વ આખાને ભરડામાં લઇ હાહાકાર મચાવી દીધો છે. કોરોનાની વૈશ્વિક મહામારીએ ઘણા દુ:ખદાયી અને ગંભીર દ્રશ્યો સર્જયા છે. દરરોજ સેંકડો લોકો મોતને ઘાટ ઉતરી રહ્યા છે ત્યારે અમેરિકાની વોશિંગ્ટન હેલ્થ યુનિવર્સિટીએ એક અહેવાલ પ્રકાશિત કરી ચોંકાવનારી વિગતો આપી છે કે વિશ્વમાં જેટલા લોકો કોરોનાથી મોતને ભેટયા છે એના જાહેર થતા આંકડા કરતા હકીકતનો આંકડો ખૂબ વધુ છે. ભારત સહિત રશિયા, અમેરિકા ઉપરાંત મોટાભાગના દેશોમાં કોરોનાનો જે મૃત્યુદર જારી થાય છે તે ખરી પરિસ્થિતિ કરતા ઓછો છે. જે આંકડા જાહેર થઈ રહ્યા છે એના કરતા દરરોજ અનેક ગણા લોકો મૃત્યુ પામી રહ્યા છે.
ધ યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવોલ્યુશનના અહેવાલ અનુસાર ભારતમાં કોરોનાથી થતા મોતની સંખ્યા સરકારી આંકડા કરતાં ત્રણ ગણી વધુ છે. જ્યારે અમેરિકા અને રશિયામાં પણ આ જ સ્થિતિ છે. અમેરિકામાં જારી થતા આંકડા કરતા ખરો મૃત્યુઆંક દોઢ ગણો વધુ છે જ્યારે રશિયામાં છ ગણો વધુ છે.
દરરોજ કેટલા લોકો કોવિડથી મરી રહ્યા છે? વાસ્તવિકતાથી સત્તાવાર અંદાજો કેટલો નજીક છે અથવા કેટલો દૂર છે? શા માટે પ્રકાશિત થયેલ અહેવાલ અને વાસ્તવિક મૃત્યુ વચ્ચેનું અંતર આટલું વધુ છે અથવા કોવિડ મૃત્યુના સચોટ અંદાજ લગાવવામાં પ્રણાલીગત મુશ્કેલીઓ છે ? આ પ્રશ્નોનો જવાબ આપતા ધ યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થએ જણાવ્યું છે કે કોઈ દેશ આકડા છુપાવી રહ્યો હોય તેવી સ્થિતિ લગભગ ઓછી છે. પરંતુ વિશ્વમાં આ માટે જે એક પ્રકારની પદ્ધતિ થવી જોઈએ તેનું અમલીકરણ થતું નથી. કોરોનાગ્રસ્ત લોકોના મૃત્યુ અને અન્ય બીમારીથી સપડાયેલા લોકોના મૃત્યુ વચ્ચેના ભેદ કરી આંકડો ગણવો એ મુશ્કેલ છે આના કારણે જ જારી થતા આંકડા અને ખરી પરિસ્થિતિમાં સામ્યતા જોવા મળી રહી છે. યુનિવર્સિટીના જણાવ્યા મુજબ માર્ચ 2020 થી લઇને મે 2021 સુધીમાં ઓફિસિયલ જાહેરાત મુજબ 33 લાખ લોકોના કોરોનાને કારણે જીવ ગયા છે પરંતુ ખરેખરની પરિસ્થિતિ મુજબ જોઈએ તો આ આંકડો 79 લાખ થાય છે. જે લગભગ બે ગણો છે. કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેઓ પ્રથમ દેશ અમેરિકા છે અને ત્યાર બાદ વિશ્વમાં બીજા ક્રમે ભારત છે.