સૌથી મોટી ભ્રમણા તો એ છે કે આપણે દેશની તમામ એન્જિનિયરીંગ કોલેજને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (આઇ.આઇ.ટી.) સમજીએ છીએ! બારમું પાસ કર્યા પછી ગમે તે કોલેજમાં એડમીશન મળે એટલે લઈ લેવાનું એવી આપણી માનસિકતા થઈ ગઈ છે!
હમણાં જ પ્રભુ સ્વામીનાથનનાં એક અંગ્રેજી પુસ્તક ‘વેસ્ટેડ ઈન એન્જીનીંયરીંગ-સ્ટોરી ઓફ ઈન્ડિયાસ યુથ’ માંથી પસાર થવાનું થયું. તેમણે એક વાત ખૂબ સરસ લખી છે: ભારતનાં અને વિદેશનાં એન્જીનીયર્સ વચ્ચે તમને કયો મૂળભૂત તફાવત જોવા મળી શકે? ડેવીડ પાસ્કલએ આજે ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગની ડિગ્રી લીધી તો આજથી પાંચ વર્ષ પછી તમે તેને બકાયદા ઈલેક્ટ્રીકલ એન્જીનિયર તરીકે કામ કરતાં જોઈ શકશો. પરંતુ ભારતનાં રામ કૃષ્ણમૂર્તિ પાસે આ જ ડિગ્રી હોવાં છતાં ભવિષ્યમાં તે તદ્દન અલગ ક્ષેત્રમાં જ કામ કરતો જોવા મળી શકે!! એ ફિલ્ડ, પછી સોફ્ટવેર કોડીંગનું હોઈ શકે અથવા બેન્કિંગનું પણ હોઈ શકે! અરે, કોઈ વાર તો ફિલ્મ ડિરેક્શન ક્ષેત્રે પણ માણસ જાણીતો બની ગયો હોય એવું પણ બની શકે!
જુવાનીનાં ધોમધખતાં તાપમાં કશુંક ઈનોવેટીવ કે ઈન્ટરેસ્ટીંગ કરવાને બદલે આ ચાર વર્ષ જ્યારે એક યુવાનની તમામ શક્તિઓને હણી લે છે ત્યારે માણસની તમામ સર્જનાત્મકતા એનાં મનમાં જ ધરબાઈ જાય છે, આ વસ્તુ ભારતના ઘણા યુવાઓએ સહન કરી છે.! હા, અમુક વખત એવું પણ બને કે ચાર વર્ષ દરમિયાન સહન કરેલું મેન્ટલ-પ્રેશર વ્યક્તિને વધુ સક્ષમ અને મજબૂત મનોબળવાળું બનાવી આપે.
ઘણા વિદ્યાર્થીઓ જેને એંજીન્યરિંગમાં કોઈ ખાસ રસ નહોતો એ ફક્ત ‘એન્જીનીયરીંગ કરી લે, લાઈફ સેટ થઈ જશે!!!’ ની સ્લોગનના લીધે જ એંજીન્યરિંગ કરી બેઠા.. માં-બાપ, ભાઈ-બહેન, સગાં-વહાલાં બધા જ આ જ સ્લોગનના લીધે યુવાનોને એંજીન્યરિંગમાં દાખલ કરે છે.
80 ટકા જેટલા એંજીનિયર્સ બેરોજગાર છે
2020માં કુલ પાસ થયેલ એન્જિનિયર્સમાંથી ફક્ત 31 ટકાને જ નોકરી મળી હતી
બધાનાં નસીબ કંઈ સુશાંતસિંઘ રાજપૂત, સોનુ સૂદ, ક્રિતી સનોન કે પછી આર માધવન જેવાં નથી હોતાં જે એન્જીનીયરીંગમાં પોતાનો સમય બરબાદ કર્યા પછી પણ પોતાનાં શોખને પોતાની કરિયર બનાવી શકે! જાણીતાં સિતારાઓનું ઉદાહરણ આપવાનું એકમાત્ર કારણ એ જ છે કે આપણે તેમને વધુ સારી રીતે ઓળખીએ છીએ. બાકી તો આપણાં સમાજમાં, આપણી વચ્ચે રહેતાં હજારો લોકોનાં ઉદાહરણ આપી શકાય તેમ છે જેણે પોતાનો અમૂલ્ય સમય એન્જીનીયરીંગમાં વેડફીને આજે કંઈક અલગ જ રસ્તા પર ચાલી રહ્યાં છે અને પોતાની મંઝિલની રાહમાં ભટકી રહ્યાં છે!
સત્તર વર્ષની ઉંમર હજુ એવી છે કે જ્યાં આપણે આપણાં કરિયરની પસંદગી કરવાં જેટલાં ગંભીર અને પુખ્ત નથી હોતાં. એ ફરજ આપણાં માતા-પિતાએ અદા કરવાની હોય છે. પણ આપણી સમસ્યા જ એ છે કે માતા-પિતા બીજાનાં પ્રભાવમાં આવી જઈ પોતાનાં સંતાનને તેનાં રસ વિરૂધ્ધનાં ભણતરમાં ધકેલી દે છે. તેની પાછળનું મૂળ કારણ કદાચ એ પણ હોઈ શકે કે તેમને અલગ-અલગ ક્ષેત્રોની વિશેષ સમજ નથી! અને ન તો સરકાર એ ક્ષેત્રે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહી છે. ભારતનું યુવાધન, ભારતનાં યુવાનો, ભારતનો યુવાવર્ગ, ભારતનું ઝનૂન, ભારતનું લોહી, ભારતનું ભવિષ્ય ગણાવતાં વિદ્યાર્થીઓને સરકાર જ્યાં સુધી વિભિન્ન ક્ષેત્રો વિશે યોગ્ય જાણકારી આપવાનું શરૂ નહિ કરે ત્યાં સુધી આપણાં દેશની મોટા ભાગની વસ્તી ક્યાં તો એન્જીનીયર્સ દેખાશે ક્યાં તો ડોક્ટર્સ!
સૌથી મોટી ભ્રમણા તો એ છે કે આપણે દેશની તમામ એન્જીનીયરીંગ કોલેજને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (આઇ.આઇ.ટી.) સમજીએ છીએ! બારમું પાસ કર્યા પછી ગમે તે કોલેજમાં એડમીશન મળે એટલે લઈ લેવાનું એવી આપણી માનસિકતા થઈ ગઈ છે! માણસો એમ નથી વિચારતાં કે જો સારી એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન ન મળ્યું તો બીજાં ઘણાં સારા ક્ષેત્રો અને વિકાસની તક તરફ નજર ફેરવી શકાય તેમ છે! આ તો ઘેટાં-બકરાનું ટોળું જ્યાં જાય છે ત્યાં તણાવું છે બધાંને! અંતે એડમિશન પછી શરૂ થાય છે કે એક એવી પ્રક્રિયા જ્યાં વિદ્યાર્થીનું શારિરીક-માનસિક બધી જ રીતે શોષણ થાય છે. મગજથી ખોખલા કરી નાંખે છે બિચારા સ્ટુડન્ટ્સને! આપણાં દેશની કોલેજો કંઈ ઓક્સફોર્ડ કે હાવર્ડ યુનિવર્સિટી તો છે નહિ કે અહીં પ્રાયોગિક ભણતર પર વધારે ધ્યાન અપાતું હોય! ભારત ફક્ત પુસ્તકિયા જ્ઞાનમાં અંધશ્રધ્ધા ધરાવતો દેશ છે. એમાંય પાછા એન્જીનીયરીંગ સ્ટુડંટ્સનાં પંખે લટકી જવાનાં બનાવો તો છાશવારે બનતાં જ રહે છે. બિચારો માણસ પોતાની જાત વિશે, પોતાનાં શોખ વિશે, પોતાની કરિયર વિશે કશો નિર્ણય લે તે પહેલાં તો ખાસ્સું મોડું થઈ ચૂક્યું હોય છે. કોલેજોએ એવી તો પાછી થિયરીઓ પ્રસ્થાપિત કરી છે કે વિદ્યાર્થીની 75% હાજરી (અટેન્ડન્સ) હશે તો તેને વધુ ‘નોલેજ’ મળી શકશે! આ નોલેજ કદીય જ્ઞાનમાં પરિવર્તિત નથી થઈ શકતું. એવું તો વળી કયા પુસ્તકમાં કે કઈ જગ્યાએ લખેલું છે કે તમે ઘેર બેઠાં જ્ઞાનમાં વધારો ન કરી શકો? કશુંક નવું સાહસ કરવાનો બધો જ ઉત્સાહ ઉતારવાનું કામ આપણાં શિક્ષકોનું છે! ગુરૂ એવો હોવો જોઈએ જે સાચો પથ પ્રદર્શિત કરે પણ એકવાર આવી કોઈ કોલેજમાં જઈને ત્યાંના વિદ્યાર્થીઓને તેમનાં પ્રોફેસર્સ વિશે પૂછી જોજો! બે-ત્રણ ગાળો આપ્યાં પહેલાં તો વાત જ શરૂ નહિ કરે, ગેરંટી!!! અમે પિસાયાં એટલે તમે પણ પિસાઓ એવું ધારી બેઠેલાં પ્રોફેસર્સ વિદ્યાર્થીઓ પર ત્રાસ ગુજારવામાં કંઈ બાકી નથી રાખતાં! મૌખિક પરીક્ષા, ફાઈલ સબમિશન, મીડ-ટર્મ એક્ઝામ, પ્રોજેક્ટ સબમિશન, ફાઈનલ એક્ઝામનાં ચક્કાજામમાં બિચારો સ્ટુડન્ટ પોતાની સર્જનાત્મકતા ખોઈ બેસે છે. ઉપરાંત, વિદ્યાર્થીઓ પર બળાત્કારો થવાનાં બનાવો આપણાં દેશની એન્જીનીયરેંગ કોલેજોને વધુ ઉજાગર કરે છે.
સૌથી વધુ નિરાશા તો ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ પોતાનાં ચાર વર્ષોનો તન, મન, ધનથી ભોગ આપીને માર્કેટમાં લોન્ચ થાય છે! તેની કિંમત માત્ર પાંચ – દસ હજારની હોય છે! ભારતમાં આમેય એક તો બેરોજગારીનું રાજ ચાલે છે. એમાં જે મળ્યું તેને ગમતું કરી, એ તાજો બહાર નીકળેલો ‘એન્જીનીયર’ નોકરી સ્વીકારી લે છે માતા-પિતાને એક વિનંતી છે, બાળકને જે ક્ષેત્રમાં રસ હોય તે બાજુ એક વાર નજર દોડાવજો! ભારતનાં લાખો વેડફાયેલાં એન્જીનીયર્સની સંખ્યામાં વધુ એકનો ઉમેરો ન કરતાં!!