અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક સાથેની બેઠકમાં પાક. વડાપ્રધાન અબ્બાસીએ ઝેર ઓકયું
ભારત સરકાર અફઘાનિસ્તાનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રકચર અને તબીબી ક્ષેત્રે સહાય કરી રહી છે. આ સહાયને અમેરિકા દ્વારા બિરદાવવામાં આવી રહી છે. પરિણામે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ અબ્બાસીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન સમક્ષ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે.
તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાન અને સાઉથ એશિયા મુદ્દે પોતાની નવી પોલીસી જાહેર કરી હતી. જેમાં પાકિસ્તાનને આતંકી સંગઠનોને ટેકો ન આપવા ચેતવણી અપાઈ હતી. ત્યારબાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ભારતના પ્રોજેકટને બિરદાવ્યો હતો.
જેથી પાકિસ્તાન ગિન્નાયુ છે અને ઉપરાષ્ટ્રપતિ માઈક પેનને યુએનની જનરલ એસેમ્બલી બેઠક દરમિયાન પ્રસ્તાવ મુકયો છે.
આ બેઠકમાં પાક. વડાપ્રધાન અબ્બાસી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પેન અફઘાનિસ્તાનમાં શાંતિ માટે સહમત થયા છે. અલબત ભારતના પ્રોજેકટ અંગે બેઠકમાં ચિંતા વ્યકત કરવામાં આવી હતી. એક તરફ અફઘાનિસ્તાનમાં અમેરિકા આતંક વિરોધી જંગ ખેલી રહ્યું છે બીજી તરફ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ભારત રાહત કામગીરી તેમજ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટમાં સહયોગ આપે છે. રોડ-રસ્તાનું નિર્માણ કરે છે અને અર્થતંત્રને પાટે લાવવા પ્રયાસ પણ કરે છે. અફઘાનિસ્તાનમાં સ્થાનિકોને રોજગારી મળે તે હિત પણ ભારત જોઈ રહ્યું છે. જેને અમેરિકા સહિતના દેશોએ ટેકો આપ્યો છે. જો કે, પાકિસ્તાન આ વાત પચાવી શકતું નથી અને ભારતની ભૂમિકા અંગે અવાર-નવાર શંકા વ્યકત કરી રહ્યું છે.