આ માસના અંતમાં ન્યુયોર્ક ખાતે યોજાનારી સંયુકત રાષ્ટ્ર મહાસભામાં બંને દેશોના વિદેશમંત્રીઓ વચ્ચે બેઠક યોજવા ઈમરાન ખાનની અપીલ
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારત સાથે શાંતિ મંત્રણા ફરી શરૂ કરવા પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે એ પણ અપીલ કરી છે કે, ન્યુયોર્કમાં આ મહિનાના અંતમાં યોજાનારી સંયુકત રાષ્ટ્ર મહાસભામાં બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે ખાસ મુલાકાત થાય.
જણાવી દઈએ કે, ન્યુયોર્ક ખાતે આ મહિનાના અંતમાં જ યુએનજીએની બેઠક મળવાની છે. જેમાં ભારત તરફથી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાન તરફથી વિદેશમંત્રી શાહ મોહમદ કુરેશી સામેલ થવાના છે. આ બેઠક દરમિયાન બંને વિદેશમંત્રીઓ વચ્ચે મુલાકાત થાય તે માટે ઈમરાન ખાને પીએમ મોદીને પત્રમાં આગ્રહ કર્યો છે.
આ સાથે તેમણે ભારત-પાક. વચ્ચે વ્યાપક દ્વિપક્ષીય વાર્તાલાપ શરૂ કરવા પર પણ ભાર મુકયો છે. ઉલ્લેખનીય છે કે, ભારત-પાક. વચ્ચે વર્ષ ૨૦૧૫ થી વાર્તાલાપ બંધ છે. પઠાણકોટ એરબેઝમાં થયેલા આતંકી હુમલા બાદ વાર્તાલાપ બંધ કરી દેવાયો હતો. ત્યારબાદ પ્રથમ વખત પાક પીએમ ઈમરાન ખાને શાંતિમંત્રણા શરૂ કરવા પર પ્રસ્તાવ મુકયો છે.
આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમરાન ખાનને પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બનવા પર શુભેચ્છા પાઠવતો પત્ર લખ્યો હતો અને બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ તેમજ રચનાત્મક સંબંધોની આશા વ્યકત કરી હતી. ત્યારબાદ ઈમરાન ખાને પણ કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ સંબંધો સ્થાપવામાં ભારત એક ડગલું આગળ વધશે તો પાકિસ્તાન બે ડગલા આગળ વધશે.
પીએમ મોદીને લખેલા પત્રમાં ઈમરાન ખાને બંને દેશો વચ્ચે રહેલો સળગતો મુદો કાશ્મીરને લઈને તેમજ આતંકવાદને નાથવા પર પણ વાતચીત કરવા અપીલ કરી છે.
જોકે, આ અગાઉ પણ ભારતે સ્પષ્ટ મત રાખ્યો હતો કે, આતંકવાદ અને વાતચીત બંને થઈ શકે નહીં જો પાકિસ્તાન આતંકવાદ મુકત થાય તો જ શાંતિપૂર્ણ સંબંધો શકય છે.