કાશ્મીરની અતિ ગોઝારી ઘટના બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ‘યુઘ્ધ’ની હવા જન્મી હોવાનો આભાસ થઇ રહ્યો છે!પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં વિધાનોને જવાબ આપતા હોય તેમ ‘યુઘ્ધનો જવાબ યુઘ્ધ’ ની ડંફાશ હાંકી છે. એમની રખેરખી ત્રેવડનું પૃથ્થકરણ કરીએ તો એ ભારતની સરખામણીમાં ક્ષુલ્લક ભલે લેખાય, તો પણ અણુરાષ્ટ્ર છે એવો દાવો તો કરી જ શકે.

તેમ છે! વર્તમાન વૈશ્ર્વિક પરિસ્થિતિમાં કોઇપણ અણુરાષ્ટ્રો ગમે તેવી ઉત્તેજના, ઉશ્કેરણી અને ઉકળાટ વચ્ચે ય યુઘ્ધે  ચડવાનું ગાંડપણ કરી શકે તેમ નથી. પોત પોતાના દેશની પ્રજાનો વિશ્ર્વાસ જીતવા માટે આવી ઘોષણાઓ કરવાની ‘રીત’ અજમાવાતી હોય છે.ભારત-પાકિસ્તાનના વડાપ્રધાનો માટે આવા હાકલા-પડકારા કરવાનું અનિવાર્ય બન્યું છે. એમ કહી શકાય. એ નિરર્થક હોવાનું પણ કહી શકાય!

હાલનું વૈશ્ર્વિક રાજકારણ પણ કોઇ જ બે અણુરાષ્ટ્રો વચ્ચે યુઘ્ધ થાય એવું થવા દે તેમ નથી.જો કે, આતંકી હૂમલાઓ થયાવત રાખવાનું અને કાશ્મીરમાં શાંતિને ડહોળવાનું પાકિસ્તાનના મળતિયાઓ ચાલુ રાખે એ બેશક શકય છે.ભારતમાં લોકસભાની ચંટણી આવે છે અને કાશ્મીરમાં આતંકીકાંડની ઘટનાએ હાહાકાર મચાવ્યો છે તે કારણે આ બાબત મુદ્દો બને તેમ છે. ભારતના વડાપ્રધાન એનો લાભ લેવાનું ન જ ચૂકે… અર્થાત ન જ ચૂકી શકે… વિરોધ પક્ષો પણ એને ચુંટણી -મુદ્દો બનાવી શકે છે !

આમ, આ બન્ને દેશો વચ્ચે જે યુઘ્ધ થશે તે લશ્કરી યુઘ્ધ નહિ પણ ‘રાજકીય’યુઘ્ધ હશે !વળી, બન્ને વચ્ચે આવો સંઘર્ષ તો ચાલ્યા જ કરે છે….એક નવા અહેવાલ મુજબ ‘મોત કા સામાન’ની એક વધુ તૈયારી આતંકવાદી પરિબળો દ્વારા થઇ રહી છે. ભારત ઉપર એક વધુ બિહામણા હુમલાનો ઘાટ ઘડાઇ રહ્યો છે. એને માટે ર૦ કિલો આરડીએકસના જથ્થાની હેરાફેરી થતી હોવાની ગંધ ભારતીય સત્તાધીશોને આવી છે.

એમાં એમપણ દર્શાવાયું છે કે ભારતમાં કાશ્મીરને નિશાન બનાવીને કાળમુખી ભાંગફોડ સર્જવાનો ઘાટ ઘડાઇ ચૂકયો છે.એવી દહેશત સેવાઇ રહી છે કે, આત્મધાતી બોમ્બના હુમલા વધારવાનો વ્યહુ રચાયો છે. અને ભારતને ખુલ્લા પડકારની રણનીતી અપનાવાઇ છે.ભારત-કાશ્મીરના સત્તાવાળાઓએ પણ પાકિસ્તાનને સજજડ જવાબ આપવાની તૈયારી કરી છે.

આમ, ડહોળાયેલા વાતાવરણ વચ્ચે જમ્મુથી રાતો રાત હજારો કાશ્મીરીઓનું સ્થળાઁતર ચાલુ થયું છે. અને હિજરાત જેવી હાલત સર્જાઇ છે….. આસપાસમાં સઘળે લોકોમાં ફફડાટ ગભરાટ પ્રવર્તે છે. ખુદ સત્તાવાળાઓએ દર્શાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં આરડીએસકના અતિ સ્ફોટક પદાર્થના મોટા જથ્થા સાથે આત્મઘાતી બોમ્બરો જબરો રકતપાત સર્જવાની ફિરાકમાં છે અને તેને લગતી સલામતી અર્થે લોકોને સ્થાળંતરની સુચનાઓ અપાઇ છે.

આ બધું જોતાં એવું જ ચિત્ર  ઉપસે છે કે, જમ્મુ-કાશ્મીરમાં મોતનો સામાન અને નવા રકતપાતનો કાળમુખો ધુંધવાટ તોળાઇ રહ્યા છે. યુનોમાં પણ રાજદ્વારી ધમાસાણનો ચરુ ઉકળી રહ્યું છે. કશું ક અકલ્પનીય બનવાની સંભાવનાને નકારાતી નથી. બન્ને દેશો તડાફડીની રણનીતીના ચક્રાવામાં મશગુલ હોવાનો જ ખ્યાલ આપે છે.

દશકા પહેલાની વિશ્વની સ્થિતિ અને હાલની સ્થિતિનો સરખાવીએ તો:-

વિશ્વ શાંતિતણું કાર્ય કરવા મળે

દેશ પરદેશના કેંક નેતા

યોજનાઓ ઘડી અમલમાં ના ધરે

ખર્ચના આંકડે મૌન રહેતા

હોય શાંતિ  તણી વાત મોઢે, વળી

અંતરે આગ અંગાર જાગે,

દેશ દેશો પરે વહેમ – દ્રષ્ટિ ભરી,

ને યુઘ્ધની નોબતો ઘોર વાગે

આજ ફેશન બની કૈંક નેતા તણી

યોજના ભાષણોનો ઝપાટો

માનવી માનવી – ના રહે તે છતાં

માત્ર વાતો જ વાતો જ વાતો !

આવી પરિસ્થિતિ વચ્ચે એક બીજી પ્રત્યે ધુંધવાતો આ બન્ને રાષ્ટ્રો-ભારત અને પાકિસ્તાનની માટે હવે પછી કેવા સ્થતિ સંજોગો આવશે. તેના ઉપર હવે પછીના બનાવોનો આધાર રહેશે. તો પણ ‘યુઘ્ધ’ને રવાડે ચઢવાની મૂરખાય કરવા સુધી બેમાંથી એકેયે નહિ પહોંચી શકે!

એમાં વિનાશ વિના કશું જ  મહત્વનું મળે તેમ નથી. ચીન જેવા કોઇ ત્રીજા રાષ્ટ્રની સંડોવણી વધુ ઉશ્કેરાટ સર્જી શકે, અને શત્રુતા તેમજ કડવાશ લાંબા સમયના બની જઇ શકે ! એનાથી બન્ને દેશોનો વિકાસ રૂધાશે અને એમ થવાની રાહ જોતા પરિબળો તેનો લાભ લઇ શકશે!

ભારતમાં લોકસભાની ચુંટણી ઉપર પણ તેની વિપરીત અસર થઇ શકે, ખાસ કરીને લધુમતિ મુસ્લીમ કોમના મતદારોની માનસિકતા ઉપર એની અસર થઇ શકે!…ભારત-પાકિસ્તાનનાં હવે પછીના બનાવો તેમની નેતાગીરીનાં ઉ૫ર આધારીત રહેવાનો સંભવ છે. તો પણ તેમના મિત્ર રાષ્ટ્રો અને યુનોની સંભવિત દરમ્યાનગીરી પણ એમાં ઓછે વધતે અંશે ભાગ ભજવી શકે !…..

આપણા દેશનું રાજકારણ સારી પેઠે ગોટે ચઢયું હોવાની ટીકા-ટીપ્પણીઓ થઇ રહી છે, અને પાકિસ્તાનની આંતરીક હાલત તો સારી પેઠે ખરાબ છે તે ટાંકણે બન્ને દેશો ઉપર ઘેરાયેલા અસામાન્ય ઉથલપાથલનાં વાદળ ત્યાંની પ્રજાની માનસિકતાને હલબલાવે અને આંતરીક એકતા તરફ વાળે તેવો સંભવ પણ છે… જો એમ થાય તો બન્ને દેશોની પ્રજાનું એકબીજા પ્રત્યેનું વૈમનસ્ય વધશે અને બન્ને દેશો વચ્ચેની કટુતામાં વધારો કરશે. જે એમના વિશાળ હિતમાં નહિ બની શકે !

આમ, ભારત-પાકિસ્તાનની સરકારોની રાજદ્વારી કુનેહની કસોટીનો આ વખત છે. એમની વિદેશનીતીઓની પણ અગ્નિ પરીક્ષા પણ થવાની!આપણી પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારથી બે વિશ્ર્વ યુઘ્ધો સહિત અસંખ્ય નાના મોટા યુઘ્ધો થયાં છે. અને થતાં રહ્યાં છે.

માનવજાત કોણ જાણે કયારે સંપૂર્ણ યુઘ્ધ મુકત થઇ ને સમગ્ર વિશ્ર્વનાં કલ્યાણની દિશાખોજશે એ કહેવું મુશ્કેલી છે. વસુધૈય કુટુમ્બકમ નો ભારતીય સંસ્કૃતિનો મંત્ર કયારે મૂર્તિમંત થશે અને પૃથ્વીનો સુવર્ણયુગ આવશે એ અત્યારે તો ધોળે દિવસે તારા જોવા જેવી વાત છે! જે અમે કરવામાં સફળ થશે તે ‘યુગ પુરૂષ’ તરીકે અમરત્વ પામશે ! ભારત-પાકિસ્તાન એની પહેલ કરી શકશે તો એ હિન્દુસ્થાન બની જશે!

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.