કાશ્મીર અને સિંધુ જળ સંધીના વિવાદથી બંને દેશોને વેપાર ક્ષેત્રે મોટો ફટકો- વિશ્વ બેંક
આઝાદીના સમયથી ભારત-પાક વચ્ચે ‘દુશ્મનાવટ’ છે જેના પરિણામ સ્વરૂપ બંને દેશોની શરદર્દ આતંકવાદ, ઘુષણખોરી જેવી પ્રવૃત્તિઓ થતી રહી છે. પરંતુ આ ‘દુશ્મનાવટ’ વેપાર ક્ષેત્રે બંને દેશોને મોંઘી પડી રહી છે. કારણ કે, વિશ્વ બેંકના તાજેતરનાં એક અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે, ભારત પાકિસ્તાનને ‘દુશ્મનાવટ’ રૂ.૨.૫ લાખ કરોડમાં પડે છે. એટલે કે બંને દેશો વચ્ચે વેપાર ન થતા દર વર્ષે ૨.૫ લાખ કરોડની ખોટ જાય છે.
જો કે, હાલ ભારત-પાક વચ્ચે વાર્તાલાપ પણ બંધ છે. બંને દેશો વચ્ચેના વિવાદને નાથવા વિશ્વ બેંક પણ આગળ આવ્યું છે. સોમવારના રોજ ન્યુયોર્કમાં મળેલી સંયુકત રાષ્ટ્ર મહાસભા દરમિયાન વિશ્વ બેંકના અધ્યક્ષ જિમ યોંગ કિમે પાકના વિદેશમંત્રી શાહ મોહમદ કુરેશી સાથે મુલાકાત કરી હતી અને સિંધુજળ સંધીના વિવાદને સુલજાવવા પર ચર્ચા કરી હતી.
વર્લ્ડ બેંકના રીપોર્ટ મુજબ જો ભારત પાકિસ્તાન વિવાદો ભૂલી વેપાર ક્ષેત્રે આગળ વધે તો આ બંને દેશોનું અર્થતંત્ર પણ આગળ ધપશે અને વેપાર ક્ષેત્રે અઢી લાખ કરોડ રૂપીયાનો ફાયદો થઈ શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે, પાક પીએમ ઈમરાનખાને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી બંને દેશો વચ્ચે શાંતિ વાર્તાલાપ ફરી શરૂ કરવા અપીલ કરી હતી. અને આ સાથે સંયુકત રાષ્ટ્રની મહાસભામાં બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે મુલાકાત કરવા પણ પીએમ મોદીને પત્રમાં જણાવ્યું હતુ.
પાકિસ્તાન તરફથી શાંતિ માટેનો આ પ્રયાસ વર્ષ ૨૦૧૫ પછી પ્રથમ પ્રયાસ છે. જો કે, આ પત્રના પ્રત્યુતર રૂપે શાંતિ અને આતંકવાદ બંને એક સાથે શકય નથી તેમ ભારતે પાકને જણાવ્યું હતુ.