સરદાર સિંઘની આગેવાની હેઠળની ભારતીય મેન્સ હોકી ટીમે તેના આખરી મુકાબલામાં આયર્લેન્ડ જેવી નબળી ટીમ સામે ૨-૩થી હારી જતાં મેડલ જીતવાની રેસમાંથી બહાર ફેંકાઈ હતી. ભારતનો આયર્લેન્ડ સામે આ સૌપ્રથમ પરાજય હતો. ભારત છ દેશોની હોકી ટુર્નામેન્ટમાં માત્ર એક મેચ જીતી શક્યું હતુ, જ્યારે ટીમને ચાર પરાજયનો સામનો કરવો પડયો અને એક મેચ ડ્રો રહી હતી. ભારત માટે શરમજનક બાબત એ રહી કે, આયર્લેન્ડ આ હોકી ટુર્નામેન્ટમાં તેની અગાઉની ચારેય મેચ હારી ચૂકીને સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ હતી.
આ ઉપરાંત આયર્લેન્ડે તેના હોકી ઈતિહાસમાં પહેલી વખત ભારતીય ટીમ સામે જીત મેળવીને ઈતિહાસ રચી દીધો હતો. આયર્લેન્ડ સામેની મેચમાં ભારતે બે વખત સરસાઈ મેળવી અને બે વખત તેમણે વળતો હૂમલો કરતાં બરોબરી પ્રાપ્ત કરી હતી. જોકે આ પછી આયર્લેન્ડે ફટકારેલા ગોલનો જવાબ ભારત પાસે નહતો અને આ કારણે ટીમને હારનો સામનો કરવો પડયો હતો.
ભારત તરફથી રમનદીપ સિંઘે ૧૦મી મિનિટે ગોલ ફટકાર્યો હતો. જે પછી ૧૪ મિનિટ બાદ શેન ઓ’ડોનોગ્હુઈએ ગોલ ફટકારીને ટીમને બરોબરી અપાવી હતી. આ પછી બે જ મિનિટ બાદ અમિત રોહિદાસે ભારતને સરસાઈ અપાવી તો, મેચની ૩૬મી મિનિટે શેન મરેના ગોલથી આયર્લેન્ડે બરોબરી મેળવી. જે પછી ૪૨મી મિનિટે લી કોલે ફટકારેલો ગોલ આયર્લેન્ડ માટે નિર્ણાયક બન્યો હતો.
ગત વર્ષએ રમાયેલી અઝલાન શાહ કપ હોકી ટુર્નામેન્ટમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે આ વખતે ટીમ એક પણ મેડલ જીત્યા વિના પાછી ફરશે તે નક્કી થઈ ચૂક્યું છે.