કોરોના બાદ ઓપેક દેશોએ ઉત્પાદનની નીતિ બદલતા ભારતે આફ્રિકા અને નોર્થ અમેરિકા તરફ ક્રૂડની આયાત માટે નજર દોડાવી

અત્યાર સુધી ભારતમાં આયાત થતાં ક્રૂડમાં મોટાભાગનું ક્રૂડ મિડલ ઈસ્ટના દેશમાંથી આવતું હતું. અલબત કોરોના મહામારીમાં માંગ ઘટી જતાં મિડલ ઈસ્ટમાં ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું છે. પરિણામે ભારતે હવે આફ્રિકા અને નોર્થ અમેરિકામાંથી ક્રૂડની આયાત કરવાનો નિર્ણય લીધો છે.

સાઉદી અરેબીયા અને ઈરાક સહિતના દેશો પાસેથી અત્યાર સુધી મોટા પ્રમાણમાં ક્રૂડ આવતું હતું. આ ઉપરાંત ઓપેક દેશોમાંથી પણ આયાત થતી હતી. હવે અમેરિકા અને નાઈજીરીયા જેવા દેશમાંથી ક્રૂડ આવશે. સામાન્ય રીતે ગેસોલીન હોય તેવા ક્રૂડની આયાત ઉપર સરકારની નજર રહેશે. કોરોના મહામારી બાદ લોકો પોતાની કાર તરફ વળ્યા છે. જાહેર પરિવહનથી દૂર રહે છે. પરિણામે ઈંધણની માંગ વધી છે. બજારમાં રિકવરી થવા લાગી છે. ઘર આંગણાની રિફાઈનરીની ક્ષમતા વધી છે અને ખૂબ ઝડપથી પેટ્રોલીયમ ક્ષેત્રે કામ થઈ રહ્યું છે.

ભારત પેટ્રોલીયમ કોર્પ વર્તમાન સમયે દેશની બીજા નંબરની સૌથી મોટી જાહેર ક્ષેત્રની રિફાઈનરી છે. જેણે સ્પોર્ટ ક્રૂડની ખરીદી 30 ટકાથી વધારીને 45 ટકા સુધી લાવવાનો પ્રયાસ કર્યો છે. બીપીસીએલ દ્વારા રિફાઈનરીને બુસ્ટ આપવામાં આવ્યું છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન દ્વારા પણ રિફાઈનરીની ક્ષમતા વધારાઈ છે. ગેસોલીન એટલે કે ઈંધણ અને પેટ્રોલીયમ ગેસમાં માંગ વધવા પામી છે. રાંધણ ગેસની માંગમાં પણ વધારો થયો છે.

મિડલ ઈસ્ટમાંથી જે ક્રૂડ આયાત થાય છે તેમાંથી મોટાભાગે ડિઝલ સહિતની પેદાશ મળે છે. જ્યારે પશ્ર્ચિમ આફ્રિકા અથવા તો અમેરિકામાંથી જે ક્રૂડ આયાત થાય છે તેમાંથી એલપીજી અને ગેસોલીન વધારે પ્રમાણમાં મળે છે. માટે આ દેશોમાંથી વધુ ક્રૂડની આયાત થવા લાગી છે. ડિસેમ્બર મહિનાના આંકડા મુજબ નાઈજીરીયાથી આયાત થતાં ક્રૂડ 68 ટકા વધ્યું છે અને અમેરિકાથી ખરીદાતા ક્રુડમાં 77 ટકાનો વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધી ભારત ઓપેક પાસેથી ક્રુડ ખરીદનાર સૌથી મોટુ ખરીદનાર હતું. મહામારીના કારણે ઓપેક દેશો દ્વારા પ્રોડકશન માટેની પોલીસી બદલવામાં આવી હતી. આગામી તા.4 માર્ચના રોજ ઓપેક દેશોની બેઠક થશે. જેમાં ક્રુડના ઉત્પાદન સંબંધી મહત્વના નિર્ણય લેવાશે.

ઉલ્લેખનીય છે કે, અલગ અલગ દેશોમાંથી આયાત થતાં ક્રૂડમાં વિભિન્નતા જોવા મળે છે. આફ્રિકન અને અમેરિકન દેશમાંથી આવતા ક્રૂડમાં પેટ્રોલ-ડિઝલ અને એલપીજીનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે મિડલ ઈસ્ટમાંથી આવતું ક્રૂડ મોટાભાગે પેટ્રોલીયમ પેદાશો, ડિઝલ વધુ પ્રમાણમાં આપે છે. અત્યારે દેશને ઈંધણની વધુ જરૂર છે માટે હવે ભારતે ઈમ્પોર્ટ માટેનો સ્થળ બદલયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.